ઓસ્ટ્રેલિયાના કેનબેરા એરપોર્ટ પર ગોળીબાર, તાત્કાલિક ટર્મિનલ બંધ કર્યું, ફ્લાઇટો રોકવામાં આવી
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયાના કેનબેરા એરપોર્ટ પર ફાયરિંગની ઘટના બની છે. હાલ તો ત્યાં મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તેટલું જ નહીં, તાત્કાલિક એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને ફ્લાઇટો પણ રોકી દેવામાં આવી છે. આ ઉપરાંત મળતી માહિતી પ્રમાણે, ઘટનાની જાણકારી મળતા જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે એક પિસ્તોલ જપ્ત કરી છે.
પોલીસે આ મામલે જણાવ્યું છે કે, આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ થવાના અહેવાલ મળ્યા નથી. એરપોર્ટ પર ફાયરિંગની ઘટના બાદ સુરક્ષાને ધ્યાનમાં લઈને સંપૂર્ણ પરિસર ખાલી કરી દેવામાં આવ્યું છે. તમામને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા છે. એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી. પોલીસે પણ લોકોને એરપોર્ટથી દૂર રહેવાની અપીલ કરી છે. આ સાથે જ એરપોર્ટ પર ફ્લાઇટ્સનું ઓપરેશન રોકી દેવામાં આવ્યું છે. હાલાત સામાન્ય થયા પછી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે.