ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલ

સુરત પાસે ટ્રેન ઉથલાવવાના કાવતરાંમાં આવ્યો ચોંકાવનારો વળાંકઃ ત્રણની ધરપકડ

  • સામાન્ય નાગરિકોએ કલ્પના પણ ન કરી હોય એવો ખુલાસો થયો
  • કાવતરું ટ્રેન ઉથલાવવાનું નહીં પણ બીજું જ કંઇક હતું?

સુરત, 23 સપ્ટેમ્બર, 2024:  દક્ષિણ ગુજરાતમાં સુરત પાસે કીમ સ્ટેશન પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઝડપાયું હોવાના સમાચારે બે દિવસ પહેલાં ભારે તંગદિલી ફેલાવી દીધી હતી. સુરતના કીમમાં બે દિવસ અગાઉ વહેલી સવારે ટ્રેન ઉથલાવવાના પ્રયાસમાં મોટો પર્દાફાશ થયો છે. હકીકતે આ પરાક્રમ રેલવે કર્મચારીઓએ જ કર્યું હોવાનું જાહેર થયું છે. મળતા અહેવાલ મુજબ, સુભાષ પોદ્દાર નામનો કર્મચારી ઘટનાને જોનારી પ્રથમ વ્યક્તિ હતો અને તેની ધરપકડ બાદ તેણે જે ખુલાસો કર્યો છે તે માત્ર ડરાવનારો જ નહીં, આઘાતજનક પણ છે. સુભાષના કહેવા મુજબ  તેણે જ ઍવોર્ડ અને પ્રમોશન મેળવવા માટે આ સમગ્ર તરકટ રચ્યું હતું.

દેશમાં છેલ્લા થોડા દિવસથી ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન વગેરે રાજ્યોમાં રેલવે ટ્રેક પરથી મળેલા વિસ્ફોટકો અને મોટી શિલાઓ અથવા થાંભલાની ઘટનાઓથી ડરેલા ગુજરાતીઓ સહિત દેશવાસીઓ સુરતમાં કીમ પાસે પણ પાટાની ફિશ પ્લેટ કાઢી નાખવામાં આવી હોવાના સમાચારથી વ્યથિત થઈ ગયા હતા. અનેક લોકોએ જાતજાતના આક્રોશ વ્યક્ત કર્યા હતા અને ટ્રેનને બચાવી લેનાર લોકોનો મનોમન તેમજ સોશિયલ મીડિયા દ્વારા આભાર માન્યો હતો…પરંતુ હવે જે જાણવા મળ્યું છે તે અસાધારણ અને ચિંતાજનક છે.

21 સપ્ટેમ્બરને શનિવારે કીમ નજીક ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે પેટ્રોલિંગ કરી રહેલા સુભાષ પોદ્દારને રેલવે ટ્રેક પર 3 અજાણ્યા શખસોની ચહલપહલ જોવા મળી હતી. તેણે દાવો કર્યો હતો કે, ‘મેં વહેલી સવારે 5:20 વાગ્યાની આસપાસ ટ્રેક પર અજાણ્યા લોકો હતા. મને શંકા જતા મેં બૂમો પાડી હતી, જેથી તેઓ તાત્કાલિક નાસી છૂટ્યા હતા.’

આ ઘટનાને ગંભીરતાથી લઈને NIA, ATS, SOG, GRP, LCB, સુરત જિલ્લા પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, ડોગ સ્ક્વોડ, સહિતની વિવિધ એજન્સીઓ અને ટીમો તપાસમાં લાગી ગઈ હતી. આ દરમિયાન સૌથી પહેલા આ ઘટનાને જોનાર રેલવેનો કર્મચારી પર શંકા ગઈ હતી. કારણ કે કોઈ ટૅક્નોલૉજીનો જાણકાર અનુભવી વ્યક્તિ જ આટલા ટૂંકાગાળામાં 71 ERS પેડલોક અને 2 જોગસ ફિશ પ્લેટ કાઢી શકે . જેથી ઉલટ તપાસ કરાતા સુભાષ પોદ્દાર જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. સુભાષ પોદ્દારે ઍવોર્ડ અને પ્રમોશન મેળવવાની લાલચમાં આ કાવતરું ઘડ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝને શનિવારે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, કેટલાક અજાણ્યા લોકોએ કીમ રેલવે સ્ટેશન નજીક ઉત્તર પ્રદેશ લાઈન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને તેને ટ્રેક પર મૂકી દીધી હતી. ત્યારબાદ ટ્રેનની અવર-જવર બંધ કરી દેવાઈ હતી. આ સુરત ગ્રામ્ય તેમજ રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઝડપથી લાઈન પર ટ્રેન સેવા શરૂ કરી દેવાઈ હતી.

આ પણ વાંચોઃ જુલાઈમાં ત્રણ લાખ મહિલા સહિત 19.94 લાખને નોકરી મળીઃ ડૉ. મનસુખ માંડવિયાએ જાહેર કર્યા આંકડા

Back to top button