ચોંકાવનારો ખુલાસો: નારાજ પ્રેમીએ પ્રેમીકાની હત્યા કરી અને પછી કરી આત્મહત્યા
- 34 દિવસથી ગુમ થયેલી મહિલાના કેસનો મુંબઈ પોલીસે કર્યો ખુલાસો
- મુંબઈ પોલીસે કહ્યું કે ગુસ્સે થયેલા મહિલાના પ્રેમીએ તેનું ગળું દબાવીને હત્યા કરી અને પછી લોકલ ટ્રેનની સામે કૂદીને કરી આત્મહત્યા
નવી મુંબઈ, 27 જાન્યુઆરી: મુંબઈથી છેલ્લા 34 દિવસથી ગુમ થયેલી 19 વર્ષની મહિલાની નવી મુંબઈના કલંબોલી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ મુંબઈ પોલીસે આ કેસની તપાસ શરુ કરી હતી. જ્યારે હવે આ કેસમાં પોલીસે ખુલાસો કર્યો છે કે મહિલાની હત્યા તેના પ્રેમીએ જ કરી હતી, ત્યાર બાદ તેના પ્રેમીએ લોકલ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી. આરોપીઓએ કથિત રીતે તેની પ્રેમીકાની પહાડીઓમાં ગળું દબાવીને હત્યા કરી હતી.
12 ડિસેમ્બરે ગુમ થઈ હતી મહિલા
12 ડિસેમ્બરના રોજ 19 વર્ષીય મહિલા સાયનમાં તેની કોલેજ જવા નીકળી હતી, ત્યારબાદ તે ઘરે પરત ન ફરતાં કલંબોલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તપાસ કરતાં મહિલાનો મૃતદેહ ખારઘરથી લગભગ 6 કિમી દૂર કલંબોલી વિસ્તારમાં ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઝાડીઓમાં પડેલો મળી આવ્યો હતો.
મહિલાની હત્યા પાછળ તેનો પ્રેમી જ જવાબદાર
મહિલાનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથધરી હતી. તપાસમાં મહિલાની હત્યાનું રાજ ખુલ્યું. તેના પ્રેમીએ જ મહિલાની હત્યા કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી તેની પ્રેમીકાથી નારાજ હતો કેમ કે તેની પ્રેમીકાએ તેનાથી સંબંધ તોડી નાખ્યો હતો, ત્યાર બાદ ગુસ્સે થયેલા પ્રેમીએ તેની પ્રેમીકાનું કથિત રીતે ગળું દબાવી તેની હત્યા કરી હતી.
મહિલાની હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ કરી આત્મહત્યા: પોલીસ
પ્રેમીકાની હત્યા કર્યા બાદ તેના પ્રેમી વૈભવ બુરુંગલેએ 12 ડિસેમ્બરે જુઇનગર રેલવે સ્ટેશન પર ચાલતી લોકલ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી, ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી આ મામલાની તપાસ માટે નવી મુંબઈ પોલીસ કમિશનર મિલિંદ ભારમ્બે દ્વારા એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી.
કેવી રીતે હત્યાનો ખુલાસો થયો?
અધિકારીએ કહ્યું કે પોલીસને બુરુંગલે(મહિલા પ્રેમી)ના મોબાઈલ ફોનમાં સેવ કરેલી એક સુસાઈડ નોટ મળી હતી, જેમાં લખ્યું હતું કે તેણે મહિલાની હત્યા કરી છે અને તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. સુસાઈડ નોટમાં L01-501 જેવા કોડ વર્ડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને પોલીસે કેસ ઉકેલવા માટે ડીકોડ કર્યો હતો.
આ પણ વાંચો: છત્તીસગઢ-ઓડિશા હાઇવે પર ભયંકર અકસ્માત, સાતના મૃત્યુ, જૂઓ CCTV