બનાસકાંઠા પંથકમાં દૂષ્કર્મની ચોંકાવનારી ઘટના : સવારે ટ્યુશન જતી સગીરાનું નરાધમે અપહરણ કર્યું’ને ગેસ્ટહાઉસમાં દેહ પીંખ્યો
બનાસકાંઠા પંથકમાં દૂષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક ધો.10માં અભ્યાસ કરતી સગીરા સવારે ટ્યૂશન જતી હોય ત્યારે રસ્તામાં અજાણ્યા શખસે તેને આંતરી ધાક ધમકી આપી અને પોતાની સાથે એક હોટેલમાં લઈ ગયો જ્યાં તેની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઘટના અંગે ભાભોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી નરાધમ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
માતા દીકરીને શોધવા નીકળી
આ બનાવ અંગે પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ભોગ બનનાર અને તેનો ભાઈ એક જ ક્લાસીસમાં અભ્યાસ કરે છે. સવારે દીકરી ધો.10 ના ક્લાસમાં જવા નીકળી હતી અને બપોરે તેના ભાઈને કેટલા વાગ્યે જવાનું તે પૂછવા માતાએ કોલ કરતા દીકરી કલાસે આવી જ ન હોવાનું જાણવા મળતા માતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી. જેથી તે પોતાની દીકરીને શોધવા માટે શહેરમાં જુદા જુદા સ્થળોએ આંટાફેરા કરતી હતી.
એક હોટેલ બહાર દીકરીની ગાડી મળી
દરમિયાન શહેરની એક હોટેલ બહાર દીકરીનું એક્ટિવા પડેલું જોવા મળતા તે અંદર તપાસ માટે ગઈ હતી પણ રિસેપ્સનિસ્ટએ તેને જવા ન દેતા તેને શંકા ગઈ અને જબરદસ્તી ઘુસી એક પછી એક રૂમ તપાસતા રૂમ નંબર 3 ખોલીને જોતા એક શખ્સ ઉભો હતો અને મહિલાની દીકરી પણ રૂમની અંદર હતી. તેને જોઈ મહિલા હેરાન થઈ ગઈ હતી દરમિયાન શખસ પણ બહાર ભાગી ગયો હતો.
દીકરીએ માતાને આપવીતી જણાવી
મહિલાએ ભાગતા શખ્સને પકડી પાડ્યો અને રૂમમાં રહેલી દીકરીને શું થયું તેમ પૂછતાં તેણે રડતા રડતા પોતાની સાથે થયેલી ઘટના વર્ણવી હતી અને ધાક ધમકી આપી નરાધમ તેનું અપહરણ કરી હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યુ હતું જે સાંભળી માતાના હોંશ ઉડી ગયા હતા અને નરાધમ અંગે તેણે પોલીસ મથકે ફરિયાદ કરતા ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
મહિલાનો પતિ 7 વર્ષથી ગુમ, સંતાનોનો ઉછેર એકલા હાથે કર્યો
આ ચોંકાવનારી ઘટનામાં એક દર્દનાક દાંસ્તા એવી પણ છે કે મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પતિ 7 વર્ષથી ગુમ છે. સંતાનમાં એક દીકરો અને એક દીકરો છે. પોતે મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બને સંતાનોને તે એકલા હાથે ઉછેરે છે. ત્યારે પહેલેથી જ મુસીબત સહન કરતા પરિવાર ઉપર આ ઘટનાથી વધુ એક આભ ફાટી પડ્યું છે.
આ પણ વાંચો : ઉત્તરાખંડ અકસ્માતમાં મૃત્યુઆંક થયો 8; સીએમ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યું દુ:ખ