અમદાવાદમાં કેલોરેક્સ સ્કૂલમાં નમાજ પઢવાના મામલે ચોંકાવનારી હકીકતો સામે આવી
- પોલીસની હાજરીમાં માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાઇરલ
- મંત્રી કુબેર ડિંડોર દ્વારા સ્કૂલ સામે તપાસની સૂચના આપવામાં આવી
- પોલીસ કાર્યવાહી ના થતા શિક્ષણઆલમમાં ભારે નારાજગી જોવા મળી
અમદાવાદમાં કેલોરેક્સ સ્કૂલમાં નમાજ પઢવાના મામલે ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં કેલોરેક્સ સ્કૂલમાં નમાજ પઢવાનો મામલે પોલીસની હાજરીમાં મારામારી છતાં FIR થઇ નથી. તેમજ ફરિયાદ ન કરવા માટે સ્કૂલ મેનેજમેન્ટનો કારસો કે દબાણ તેવી ચારેકોર ચર્ચા છે. તથા ABVPની ખુલ્લી અને લુખ્ખી દાદાગીરીને લઈ શિક્ષણ આલમમાં ભારે ચકચાર છે.
આ પણ વાંચો: IASને ગુજરાતમાં આવી સેલ્ફીબાજી કરવી ભારે પડી
મંત્રી કુબેર ડિંડોર દ્વારા સ્કૂલ સામે તપાસની સૂચના આપવામાં આવી
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા સ્કૂલ સામે તપાસની સૂચના આપવામાં આવી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ સ્કૂલમાં નમાજ પઢવા મુદ્દે સર્જાયેલા વિવાદમાં વિદ્યાર્થી સંગઠન ABVPની ખુલ્લી અને લુખ્ખી દાદાગીરીને લઈ શિક્ષણ આલમમાં ભારે ચકચાર મચી છે. પોલીસની હાજરીમાં જ શિક્ષણના ધામમાં કાયદો હાથમાં લેનારા લુખ્ખા તત્ત્વો સમાન ABVPના કાર્યકર્તાઓએ સંગીત શિક્ષકને દોડાવી દોડાવીને માર મારવાની ઘટનાના 28 કલાક બાદ પણ તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષણ જગતમાં એવી માગ ઊઠી છે કે, સ્કૂલમાં ગેરકાયદે પ્રવેશ કરી શિક્ષક સાથે મારપીટ કરનાર અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આગામી સમયમાં આવા બનાવો રોકી શકાય.
આ પણ વાંચો: અમદાવાદમાં 9 લોકોને મોતને ઘાટ પહોંચાડનાર તથ્ય પટેલની મુશ્કેલીઓ વધશે
પોલીસની હાજરીમાં માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો વાઇરલ
સ્કૂલના સંગીત શિક્ષકને કેમ્પસમાં જ પોલીસની હાજરીમાં માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે તેમાં ત્રણ શખ્સ નજરે પડે છે તેઓ એબીવીપી સંગઠન સાથે જોડાયેલા હોવાનું પુરવાર થાય છે. પોલીસ દ્વારા ઘટના સમયે શિક્ષકને બચાવવામાં આવે છે અને ત્રણ શખ્સને ડીટેઇન કરવામાં આવે છે. પોલીસ જવાનોની હાજરીમાં જ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા લુખ્ખાગીરીભર્યું વર્તન કરી કાયદો હાથમાં લેવામાં આવ્યો હતો અને શિક્ષકને બચાવવામાં પણ પોલીસ જવાનો જોડાયા હતા. આથી નજર સમક્ષ બનેલી આ ઘટનામાં પોલીસ દ્વારા પણ સામે ચાલીને ત્રણ શખ્સ સામે ફરિયાદ કરવાની તસદી લેવામાં આવી નથી. એટલું જ નહીં, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા પણ માત્ર સ્કૂલ સામે તપાસ હાથ ધરવા જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપવામાં આવે છે, પરંતુ શિક્ષણના ધામમાં કાયદો હાથમાં લેનારા ABVPના કાર્યકર્તાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અંગેની કોઈ સૂચના કે જાણ પોલીસ વિભાગમાં કરવામાં આવી ન હોવાથી શિક્ષણઆલમમાં ભારે નારાજગી જોવા મળી છે.