બિઝનેસ

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કરોડો લોકોને આંચકો, PF વ્યાજમાં થઈ શકે છે ઘટાડો!

  • આવનારા સમયમાં PF પરના વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે. આનાથી ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કરોડો લોકોને થઈ શકે છે નુકસાન.

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કરોડો લોકો માટે એક ખરાબ સમાચાર છે. આવનારા દિવસોમાં PF પરનું વ્યાજ ઘટી શકે છે. આનાથી ખાનગી નોકરી કરનારાઓ માટે સામાજિક સુરક્ષાનો એકમાત્ર આધાર નબળો પડી શકે છે. RTIને ટાંકીને એક ન્યૂઝ એજન્સી દ્વારા માહિતી આપવામાં આવી છે. સમાચાર અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન, EPFOએ સરપ્લસનો અંદાજ લગાવ્યા પછી પણ નુકસાન ભોગવ્યું હતું. એવું માનવામાં આવતું હતું કે EPFO ​​પાસે 449.34 કરોડ રૂપિયાની સરપ્લસ હતી, જ્યારે તેને 197.72 કરોડ રૂપિયાની ખોટનો સામનો કરવો પડ્યો. તે પછી, PF પર આપવામાં આવતા વ્યાજ દરો પર પુનર્વિચાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

વ્યાજ પર નાણા મંત્રાલયનું શું છે વલણ?

હાલમાં પીએફ પર મળતું વ્યાજ પહેલેથી જ ઓછું છે. EPFOએ નાણાકીય વર્ષ 2022-23 માટે PF પર વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો છે. નાણા મંત્રાલયનું માનવું છે કે EPF દ્વારા થતા નુકસાનને ધ્યાનમાં રાખીને PFના વ્યાજ દર પર પુનર્વિચાર કરવો જરૂરી છે. પીએફના ઊંચા વ્યાજ દરો ઘટાડવાની અને તેને બજાર દરની સમકક્ષ લાવવાની જરૂર છે.

માત્ર આ સ્કીમમાં પીએફ કરતાં વધુ વ્યાજ

અત્યારે જો પીએફ પર મળતા વ્યાજની બજાર સાથે સરખામણી કરીએ તો તે ખરેખર વધારે છે. નાની બચત યોજનાઓમાં, ફક્ત એક જ વરિષ્ઠ નાગરિક બચત યોજના છે, જે હાલમાં પીએફ કરતા વધુ વ્યાજ મેળવી રહી છે. આ યોજનાનો વ્યાજ દર હાલમાં 8.20 ટકા છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાથી લઈને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), દરેક વસ્તુ પર વ્યાજ દરો પીએફ કરતા ઓછા છે. આ કારણોસર, નાણાં મંત્રાલય લાંબા સમયથી પીએફના વ્યાજને 8 ટકાથી નીચે લાવવાના પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો: ‘ગદર-2’ પછી ‘જવાન’થી સરકારને થઈ મોટી કમાણી, જાણો ફિલ્મની ટિકિટ પર કેટલો લાગે છે ટેક્સ?

આ રીતે પીએફ પરનું વ્યાજ ઘટ્યું

બીજી બાજુ, જો આપણે પીએફ પર પહેલેથી જ મળતા વ્યાજ પર નજર કરીએ, પીએફ પરના વ્યાજમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. નાણાકીય વર્ષ 2015-16માં પીએફ પર વ્યાજ દર 8.80 ટકાથી ઘટાડીને 8.70 ટકા કરવામાં આવ્યો હતો. ટ્રેડ યુનિયનોના વિરોધ બાદ તેને ફરી 8.80 ટકા કરવામાં આવ્યો હતો. તે પછી પીએફ પર વ્યાજ દરો ઘટતા ગયા અને 2021-22માં 8.10 ટકાના નીચા સ્તરે આવી ગયા. 2022-23માં તેમાં નજીવો વધારો કરીને 8.15 ટકા કરવામાં આવ્યો હતો.

EPFOના કરોડો સબસ્ક્રાઈબર

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કરોડો લોકો માટે PF સામાજિક સુરક્ષાનો સૌથી મોટો આધાર છે. આ નિવૃત્તિ પછી જમા કરેલ ફંડ મળતો હોય છે. પીએફ પર સારું વ્યાજ મળવાથી કરોડો લોકોને ફાયદો થઈ રહ્યો છે. PF નાણાનું સંચાલન EPFO ​​એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. હાલમાં EPFOના ગ્રાહકોની સંખ્યા 6 કરોડથી વધુ છે.

આ પણ વાંચો: LICએ સરકારને કમાણીમાંથી પોતાનો હિસ્સો આપ્યો, નિર્મલા સીતારમણને 1831 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો

Back to top button