શીઝાન ખાન આજે કોર્ટમાં થશે હાજર : પોલીસ કરશે રિમાન્ડ વધારવાની માંગ
ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે આત્મહત્યા કરી તેનું જીવન ટુંકાવ્યું હતું. ગઈકાલે તુનિષાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જો કે પોલિસ દ્વારા મોતનું કારણ આપઘાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે તુનિષાની માતાએ તેના કો-સ્ટાર શીઝાન ખાન પર આરોપ લગાવ્યો છે કે તુનિષાએ તેના કારણે આત્મહત્યા કરી હતી, તેથી પોલીસે માતાની ફરિયાદને પગલે તુનિષાના કો-સ્ટાર શીઝાન ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેને પગલે શીઝાન ખાનની વિરુદ્ધ IPC 306 અંતર્ગત FIR નોંધવામાં આવી હતી અને શીઝાનને વસઇ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, અને વસઇ કોર્ટે તેને 4 દિવસની પોલિસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો : તુનિષા શર્મા આત્મહત્યા કેસ: પોલીસને મળી શીજાનની 250 પેજની Whatsapp Chat
પોલીસે કુલ 18 લોકોની પૂછપરછ કરી
હવે સમાચાર આવી રહ્યા છે કે શીઝાનની પોલીસ કસ્ટડી આજે એટલે કે 28મી ડિસેમ્બરે પૂરી થઈ રહી છે. આવી સ્થિતિમાં પોલીસ કોર્ટમાં શીઝાનના રિમાન્ડ વધારવાની માંગણી કરશે. હવે જોવાનું એ રહે છે કે કોર્ટ શીજાન સામે પોલીસની આ માંગણી સ્વીકારે છે કે કેમ. જણાવી દઈએ કે આ કેસમાં પોલીસે કુલ 18 લોકોની પૂછપરછ કરી છે.
તુનિષાનો પરિવાર કરી રહ્યો છે ન્યાયની માંગણી
તુનિષા શર્મા ડેથ કેસમાં રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને રોજ નવા નિવેદન જારી કરવામાં આવી રહ્યા છે. શીઝાન ખાન પોલીસ કસ્ટડીમાં છે, પરંતુ કેસ કોઈ નિષ્કર્ષ પર પહોંચતો હોય તેમ લાગતું નથી. બીજી તરફ તુનિષાનો પરિવાર તેમની પુત્રી માટે ન્યાયની માંગ પર અડગ છે. આ સાથે આ મામલે લવ જેહાદની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, પોલીસે આ એંગલને સંપૂર્ણપણે ફગાવી દીધો છે.
રિપોર્ટ અનુસાર અભિનેત્રીના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. ચાર-પાંચ ડોક્ટરોની હાજરીમાં તુનિષાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. તુનિષાના મૃત્યુ બાદ તેના ગર્ભવતી હોવાની અફવા ઉડી હતી, જેને પોલીસે સંપૂર્ણપણે નકારી કાઢી હતી.