શિવરાજ સિંહ ચૌહાણ કેન્દ્ર સરકારમાં મંત્રી બનશે? જાણો PM મોદીએ શું કહ્યું
ભોપાલ (મધ્ય પ્રદેશ), 27 એપ્રિલ: મધ્યપ્રદેશના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા અને ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણ રાષ્ટ્રીય રાજકારણમાં ભવ્ય એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ અંગે સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકેત આપ્યા છે. એક રેલી દરમિયાન તેમણે કહ્યું હતું કે તે શિવરાજ સિંહ ચૌહાણને દિલ્હી એટલે કે કેન્દ્ર લઈ જવા માંગે છે. પીએમના આ નિવેદન બાદ ઘણી અટકળોએ જોર પકડ્યું છે. મહત્ત્વનું છે કે, શિવરાજ સિંહ ચૌહાણ વિદિશાથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. આ શહેર તેમનો ગઢ માનવામાં આવે છે. અહીં તેમનો મુકાબલો કોંગ્રેસના પ્રતાપ ભાનુ શર્મા સામે છે.
PM મોદીએ શિવરાજ સિંહને કેન્દ્રમાં લાવવાના સંકેત આપ્યા
24 એપ્રિલે એમપીના હરદામાં PM નરેન્દ્ર મોદીએ સભા ગજવી હતી. ત્યારે તેમણે શિવરાજ સિંહ ચૌહાણના વખાણ કરતાં કહ્યું કે, પાર્ટી સંગઠનમાં હોય કે પછી મુખ્યમંત્રી તરીકે અમે સાથે મળીને કામ કર્યું છે. જ્યારે શિવરાજ સંસદમાં ગયા ત્યારે હું પાર્ટીના મહાસચિવ તરીકે તેમની સાથે કામ કરતો હતો. હવે હું તેમને ફરી એકવાર મારી સાથે દિલ્હી લઈ જવા માંગું છું. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં શાનદાર જીત મેળવી હતી. આમાં શિવરાજ સિંહ ચૌહાણનું મહત્ત્વનું યોગદાન હતું. જો કે, ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે આશ્ચર્યજનક રીતે મોહન યાદવને તેમના અનુગામી તરીકે પસંદ કર્યા.
શિવરાજ સિંહ છઠ્ઠીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે
શિવરાજ સિંહ ચૌહાણ વિદિશાથી છઠ્ઠી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠકનું પ્રતિનિધિત્વ દિવંગત અટલ બિહારી વાજપેયી (1991) અને સુષ્મા સ્વરાજ (1991, 2009 અને 2014) જેવા દિગ્ગજ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે. રામનાથ ગોએન્કા 1971માં આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમના નામની જાહેરાત બાદ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આ સીટ તેમને વાજપેયીએ સોંપી હતી અને ખુશીની વાત છે કે તેમને 20 વર્ષ બાદ ફરીથી પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળી રહ્યો છે. ચૌહાણે કહ્યું હતું કે, ભાજપ મારી માતા છે, જેણે મને બધું આપ્યું છે.
આ પણ વાંચો: ‘નામદાર સદીઓથી કામદારો સાથે દુર્વ્યવહાર કરતા આવ્યા છે’, કોંગ્રેસ પર વરસ્યા PM મોદી