- ગયા વર્ષે વાઘ નખને પરત લાવવા માટે કરાર પર હસ્તાક્ષર કરાયા હતા
- રાજ્ય સરકારે ઇતિહાસકારનો દાવો નકારી કાઢ્યો
મુંબઈ, 09 જુલાઈ : મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે ગયા વર્ષે લંડનના મ્યુઝિયમમાંથી છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખને પરત લાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે મહારાષ્ટ્રના ઈતિહાસકાર ઈન્દ્રજિત સાવંતે દાવો કર્યો છે કે શિવાજીનો ‘વાઘ નખ’ જે લંડનથી લાવવામાં આવી રહ્યો છે તે અસલી નથી. જો કે આ દાવો રાજ્ય સરકારે નકારી કાઢ્યો છે.
‘મ્યુઝિયમ પાસે વાઘ નખનો કોઈ પુરાવો નથી’
ઈતિહાસકાર ઈન્દ્રજીત સાવંતે કહ્યું કે મહાન સમ્રાટ દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયાર રાજ્યના સતારા જિલ્લામાં મોજૂદ છે. ઇન્દ્રજીત સાવંતે કોલ્હાપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે ત્રણ વર્ષ માટે રૂ. 30 કરોડના સોદા પર વાઘ નખને મહારાષ્ટ્ર લાવવામાં આવનાર છે. મારા પત્રના જવાબમાં લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમે કહ્યું છે કે એવા કોઈ પુરાવા નથી કે વાઘ નખ (તેમની પાસે છે તે) છત્રપતિ શિવાજી મહારાજના હતા.
આ પણ વાંચો : હાથરસ દુર્ઘટના : SIT રિપોર્ટમાં ભોલે બાબાને ક્લીન ચિટ? અધિકારીઓ અને આયોજકો જવાબદાર
અસલી વાઘ નખ તો સતારામાં જ છે : ઈતિહાસકાર
ઈતિહાસકારે દાવો કર્યો હતો કે મંત્રી સુધીર મુનગંટીવારના નેતૃત્વમાં મહારાષ્ટ્રની ટીમ, જે કરાર પર હસ્તાક્ષર કરવા લંડન ગઈ હતી, તેને આ માહિતી પ્રદર્શિત કરવા માટે કહેવામાં આવ્યું છે. અસલી વાઘ નખ તો સતારામાં જ છે. અન્ય એક સંશોધક, પાંડુરંગ બલ્કાવડેએ એક મરાઠી ટીવી ચેનલને જણાવ્યું કે પ્રતાપ સિંહ છત્રપતિએ 1818 અને 1823 ની વચ્ચે અંગ્રેજ ગ્રાન્ટ ડફને તેમના અંગત સંગ્રહમાંથી ‘વાઘ નખ’ આપ્યો હતો. તેમણે કહ્યું કે ડફના વંશજોએ તેને મ્યુઝિયમને સોંપ્યો હતો. જો કે, ઇન્દ્રજીત સાવંતે કહ્યું કે ડફે ભારત છોડ્યા પછી પ્રતાપ સિંહ છત્રપતિએ ઘણા લોકોને ‘વાઘા નખ’ બતાવ્યા હતા.
મહારાષ્ટ્રના મંત્રીએ આ મુદ્દે શું સ્પષ્ટતા આપી?
આ મુદ્દે મહારાષ્ટ્રના મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું કે બધા જાણે છે કે ‘ભવાની તલવાર’ અને ‘વાઘ નખ’ લંડનમાં છે. તેમણે કહ્યું, અમારી સરકારે વાઘ નખને બહાલી આપી છે અને પછી એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. જો ઈતિહાસકારોનો કોઈ અન્ય મત હોય તો અમારી સરકાર આ મુદ્દે સ્પષ્ટતા કરશે. આ મુદ્દે મહારાષ્ટ્ર બીજેપીના વરિષ્ઠ નેતા આશિષ શેલારે કહ્યું કે સરકારનું વલણ સ્પષ્ટ છે કે છત્રપતિ શિવાજી મહારાજની તમામ કલાકૃતિઓ, જે લોકો માટે પ્રેરણારૂપ છે, તેને સાચવવામાં આવશે, પ્રચાર કરવામાં આવશે અને પ્રદર્શિત કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસમાંથી નાગરિકોને મુક્ત કરાવવાના હેતુથી પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી