શિવસેના યુબીટી નેતા અનિલ દેસાઈને સમન્સ પાઠવવામાં આવ્યું, શિંદે જૂથનો આરોપ
- પાર્ટી ફંડમાંથી 50 કરોડ રૂપિયા ઉપાડ્યા હોવાનો એકનાથ શિંદે જૂથનો આક્ષેપ
મુંબઈ, 3 માર્ચ: મુંબઈ પોલીસના ઈકોનોમિક ઓફેન્સીઝ વિંગ (EOW)એ શિવસેના(UBT)ના નેતા અનિલ દેસાઈને સમન્સ પાઠવ્યું છે. અનિલ દેસાઈને 5 માર્ચે EOW ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શિવસેના (શિંદે જૂથ) દ્વારા શિવસેના યુબીટી વિરુદ્ધ આર્થિક ગુના વિંગ(EOW)માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં, શિવસેના (શિંદે જૂથ)એ કહ્યું હતું કે, ચૂંટણી પંચે તેમને વાસ્તવિક શિવસેના જાહેર કરી હોવા છતાં, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે(UBT)ની પાર્ટી દ્વારા પાર્ટી ફંડમાંથી અંદાજે 50 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. હવે આર્થિક ગુના શાખા(EOW)એ આ મામલે તપાસ શરૂ કરી છે.
Shiv Sena (UBT) leader Anil Desai has been summoned by the Economic Offences Wing (EOW) of Mumbai police, he has to appear for questioning on March 5 with regard to the Shiv Sena (Eknath Shinde) allegation that the Uddhav Thackeray faction withdrew party funds even after the…
— ANI (@ANI) March 2, 2024
અનિલ દેસાઈને મોકલવામાં આવ્યું સમન્સ
કેસમાં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે કે, જે બેંક એકાઉન્ટમાંથી આ પૈસા ઉપાડવામાં આવ્યા હતા તે કોણ ઓપરેટ કરે છે. ઉલ્લેખનીય છે કે, EOWએ આવકવેરા વિભાગને પત્ર લખીને માહિતી માંગી છે કે, ચૂંટણી પંચના નિર્ણય પછી શિવસેના (શિંદે જૂથ) પાર્ટીનો ટેક્સ કોણ ચૂકવે છે. ફેબ્રુઆરી 2023માં ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથની શિવસેનાને અસલી શિવસેના જાહેર કરી હતી. આ ઉપરાંત શિવસેનાનું ચૂંટણી ચિન્હ ધનુષ અને તીર પણ એકનાથ શિંદે જૂથને આપવામાં આવ્યું હતું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, અનિલ દેસાઈ શિવસેના પક્ષમાં સિગ્નેચર ઓથોરીટી છે.
અનિલ દેસાઈ માતોશ્રીની નજીકના માનવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે, અનિત દેસાઈ માતોશ્રીના નજીકના માનવામાં આવે છે અને આ વખતે તેઓ મુંબઈ દક્ષિણ મધ્ય બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર બની શકે છે. આ પહેલા મહારાષ્ટ્રમાં જ્યારે એકનાથ શિંદેએ શિવસેના સાથે છેડો ફાડ્યો ત્યારે ભારે રાજનીતિ જોવા મળી હતી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર આકરાં પ્રહારો કર્યા હતા. પરંતુ જ્યારે આ મામલો ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યો ત્યારે ચૂંટણી પંચે એકનાથ શિંદેની શિવસેનાને અસલી શિવસેના જાહેર કરી હતી. આ ઉપરાંત એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોનું સસ્પેન્શન પણ મોકૂફ રાખવામાં આવ્યું હતું. આ કારણે શિવસેના યુબીટીનું ગઠન થયું, ત્યારબાદ તેમને નવું ચૂંટણી ચિન્હ આપવામાં આવ્યું.
આ પણ જુઓ: સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓમાં વધારો, મહાઠગ સુકેશ પાસેથી ખંડણીના કેસમાં થશે CBI તપાસ