નેશનલ

અમૃતસરમાં શિવસેનાના નેતાની જાહેરમાં ગોળી મારી હત્યા, આરોપી ઝડપાયો

પંજાબના અમૃતસરમાં શુક્રવારે સાંજે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ શિવસેનાના નેતા સુધીર સૂરીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. હુમલા સમયે, તે તેના સાથીઓ સાથે એક મંદિરની બહાર ધરણા પર બેઠા હતા. આ ઘટના મજીઠા રોડ પર ગોપાલ મંદિર પાસે બની હતી. તેને ગંભીર હાલતમાં ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. જ્યાં તબીબોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. દરમિયાન, સુરીના સમર્થકો સ્થળ પર કેટલીક દુકાનો અને એક કારમાં તોડફોડ કરતા જોવા મળ્યા હતા. માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને સંભાળી હતી. ઘટના પછી તરત જ, પોલીસ કમિશનર અરુણપાલ સિંહે પોલીસ લાઇનમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને દાવો કર્યો કે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેના કબજામાંથી ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરી લીધું છે. મામલાની તપાસ હજુ ચાલુ છે.

શા માટે હિન્દૂ નેતાની કરાઈ હત્યા ?

મળતી માહિતી મુજબ, શુક્રવારે બપોરે શિવસેનાના નેતા સુધીર સૂરી તેમના સાથીદારો સાથે ગોપાલ મંદિરની બહાર મૂર્તિઓની અપવિત્રતાના વિરોધમાં ધરણા પર બેઠા હતા. આ દરમિયાન અજાણ્યા યુવકોએ હિંદુ નેતા પર ગોળીબાર કર્યો હતો. ગોળી સીધી તેની છાતીમાં વાગી હતી. બહુવિધ ગોળીઓને કારણે, હિંદુ નેતા જમીન પર પડી ગયા અને તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું. ગોળીબાર થતાં જ ઘટનાસ્થળે ગભરાટનો માહોલ સર્જાયો હતો. શિવસેનાના કાર્યકરોએ હવામાં ગોળીબાર પણ કર્યો હતો. સુધીર સૂરીના સમર્થકોએ ઘટનાસ્થળે કેટલીક દુકાનો અને એક કારમાં તોડફોડ કરી હતી. સુરક્ષાકર્મીઓએ હવામાં ગોળીબાર પણ કર્યો હતો પરંતુ જોતા જ હુમલાખોરો ભાગવામાં સફળ રહ્યા હતા. માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ભારે જહેમતથી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં સંદીપ સિંહ નામનો યુવક પણ સામેલ છે. જો કે પોલીસે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પોલીસે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કરવાનું શરૂ કર્યું છે.

શું કહ્યું પોલીસ કમિશનરે ?

આ ઘટનાની માહિતી આપવા પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ સંબોધી હતી. પોલીસ કમિશનર અરુણપાલ સિંહે કહ્યું કે બપોરે 3:30 થી 4 વાગ્યાની વચ્ચે કંટ્રોલ રૂમમાં માહિતી મળી કે સુધીર સૂરીને ગોળી વાગી છે. પોલીસે હુમલાખોરો પૈકી એકની ધરપકડ કરી તેના કબજામાંથી હથિયારો જપ્ત કર્યા છે. આ કેસમાં આતંકવાદી કડીઓના સવાલ પર તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં કંઈ કહી શકાય તેમ નથી. પોલીસ કમિશનરે રહેવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી છે. પોલીસે કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરી છે. શહેરની કાયદો અને વ્યવસ્થા પર અમારી નજર સતત રહે છે.

Back to top button