સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ એકનાથ શિંદે પર ભદ્દી ટિપ્પણી કરી, શિવસૈનિકોએ સ્ટૂડિયોમાં ઘૂસી તોડફોડ કરી

મુંબઈ, 24 માર્ચ 2025: શિવસેના કાર્યકર્તાઓએ રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં એક હોટલમાં તોડફોડ કરી હતી. જ્યાં સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાના શોનું શૂટિંગ થયું હતું, જેમાં તેણે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ગદ્દાર શબ્દ દ્વારા કટાક્ષ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, ઉપદ્રવિઓએ ખાર વિસ્તારની હોટલ યૂનિકોન્ટિનેંટલમાં તોડફોડ કરી, જ્યાં શોનું શૂટીંગ થયું હતું અને કામરા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માગ કરી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ કુણાલ કામરાના કટાક્ષનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ પાર્ટી કાર્યકર્તા હોટલના સભાગારમાં પહોંચ્યા હતા. આ વીડિયોને શિવસેના નેતા સંજય રાઉતે એક્સ પર પોસ્ટ કર્યો અને લખ્યું છે કે કુણાલ કા કમાલ.
એકનાથ શિંદે પર કટાક્ષ
કુણાલ કામરાએ ફિલ્મ દિલ તો પાગલ હૈના એક ગીતના સુધારેલા સંસ્કરણનો ઉપયોગ કરીને એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો. આ દરમિયાન, શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ કુણાલ કામરાને ચેતવણી આપી હતી કે શિવસેનાના કાર્યકરો દેશભરમાં તેમનો પીછો કરશે. તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું કે તમને ભારતથી ભાગી જવાની ફરજ પાડવામાં આવશે.
Maharashtra ❤️❤️❤️ pic.twitter.com/FYaL8tnT1R
— Kunal Kamra (@kunalkamra88) March 23, 2025
ઉદ્ધવ ઠાકરે પાસેથી પૈસા લીધા
સાંસદ મ્હસ્કેએ આરોપ લગાવ્યો હતો કે કુણાલ કામરાએ શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે પાસેથી પૈસા લીધા છે અને એકનાથ શિંદે પર નિશાન સાધી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તેમની પાર્ટીમાં હવે કોઈ બચ્યું નથી, તેથી તે આવા લોકોને નોકરી પર રાખી રહી છે. કામરાને હવે ખબર પડશે કે નાયબ મુખ્યમંત્રી શિંદેની ટીકા કરવાના પરિણામો શું હશે.
સંજય રાઉતને ટાર્ગેટ બનાવ્યા
સાંસદ મ્હસ્કેએ શિવસેના નેતા સંજય રાઉતની X પર વીડિયો પ્રસારિત કરવા બદલ પણ ટીકા કરી હતી. તે જ સમયે, સંજય રાઉતે એક પોસ્ટમાં કહ્યું, કુણાલ કામરા એક પ્રખ્યાત લેખક અને સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. કુણાલે મહારાષ્ટ્રના રાજકીય પરિદૃશ્ય પર એક પેરોડી ગીત બનાવ્યું, જેનાથી એકનાથ શિંદે ગેંગ ગુસ્સે થઈ ગઈ અને ત્યારબાદ તેઓએ સ્ટુડિયોમાં તોડફોડ કરી. શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે કહ્યું કે તેઓ કુણાલ કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવશે.
આ પણ વાંચો: ફોક્સવેગનનું 1.4 અબજ ડોલરનું કર બિલ રદ કરવું ‘આપત્તિજનક’: ભારત