દુબઈથી યમન જતા જહાજમાં મધદરિયે આગ ભભુકી, જહાજમાં સવાર સલાયાના તમામ 15 ક્રૂ મેમ્બર સમુદ્રમાં કૂદી જીવ બચાવ્યો


દુબઇથી યમન જવા નીકળેલા માંડવીના સલાયાના જહાજમાં મચ્છીરા ટાપુ નજીક મધદરિયે આગ ભભૂકી હતી. જોતજોતામાં આખું જહાજ સળગી ગયું હતું પણ તેમાં સવાર તમામ 15 ક્રૂ મેમ્બર સમુદ્રમાં કૂદી પડ્યા હતા જેમની વહારે આવેલા એક કાર્ગો ભરેલા શીપે તેમને બચાવી લેતાં આ દુર્ઘટનામાં જાનહાની ટળી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ બે વર્ષ પહેલાં માંડવી આવેલા સાલેમામદ આદમ સમેજા અને તેના ભાઇ ઇબ્રાહિમ આમદ સમેજાની માલિકીનું અને 4 કરોડના ખર્ચે તૈયાર થયેલું એમએનડી 2172 નંબરવાળું અલ આલમ જહાજ તા. 12 ઓગસ્ટના રોજ દુબઇથી એક હજાર ટન કાર્ગો ભરીને યમન જવા નીકળ્યું હતું.
ભારતીય સમય મુજબ સવારે 11 વાગ્યાના અરસામાં મચ્છીરા ટાપુ નજીક હતું ત્યારે તેમાં ભીષણ આગ ફાટી હતી. જહાજના કેપ્ટન નૌસાદ જુસબની સાથે તમામ ખલાસીઓએ સમય સૂચકતા દર્શાવીને સાગરમાં કૂદી પડ્યા હતા.તે વખતે પસાર થતા અન્ય એક કાર્ગો શીપે તમામને બચાવી લીધા હતા તેમ વહાણવટી એસોસિયેશનના પ્રમુખ હાજી આદમ સિદ્દિક થૈમે જણાવ્યું હતું. આ તમામ ક્રૂ મેમ્બર સલાયાના હોવાનું સામે આવ્યું છે.