25 મે, ચેન્નાઈ: ગઈકાલે IPL 2024ના બીજા ક્વોલિફાયરમાં સન રાઈઝર્સ હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સની નાલેશીભરી હાર થઇ હતી. હજી આ હારનું દુઃખ પચાવી શકે તે પહેલાં રાજસ્થાન રોયલ્સના ખેલાડીની એક કરુણ કથની સામે આવી છે.
ગઈકાલની મેચમાં IPLના કોડ ઓફ કંડક્ટનો ભંગ કરવાને કારણે રોયલ્સના ખેલાડીની સામે એક આકરું પગલું લેવામાં આવ્યું છે. રાજસ્થાન રોયલ્સનો આ ખેલાડી છે શીમરોન હેટમાયર. શીમરોન હેટમાયર પર મેચ રેફરીએ તેની મેચ ફીસના 10 ટકા જેટલો દંડ ફટકાર્યો છે.
ગઈકાલની મેચમાં રોયલ્સ સામે હૈદરાબાદે 36 રન્સથી વિજય મેળવ્યો હતો. જોકે મેચ રેફરી કે પછી IPLના અધિકારીઓ તરફથી એ નથી જાણવા મળ્યું કે હેટમાયરને કેમ અને કયા ગુના હેઠળ દંડિત કરવામાં આવ્યો છે પરંતુ એ શક્ય છે કે તેના આઉટ થયા બાદ તેણે કરેલી હરકતને લીધે આ પગલું ભરવામાં આવ્યું હોય શકે છે.
હૈદરબાદના સ્કોરનો પીછો કરતાં કરતાં રાજસ્થાન રોયલ્સની બેટિંગ લાઈનઅપે ખરાબ શોટ્સ રમીને જાણેકે શરણાગતી જ સ્વીકારી લીધી હતી. આવામાં ધ્રુવ જુરેલ અને શીમરોન હેટમાયર ટીમની છેલ્લી આશા બનીને રમી રહ્યા હતા.
હેટમાયર આમ પણ પોતાની આક્રમકતા માટે જાણીતો છે, પરંતુ ગઈકાલે તેણે આઉટ થયા બાદ દર્શાવેલી આક્રમકતા જ કદાચ તેને ભારે પડી ગઈ છે.
14 ઓવરમાં સન રાઈઝર્સ હૈદરાબાદ તરફથી અભિષેક શર્મા બોલિંગ કરી રહ્યો હતો. તેની એ ઓવરમાં જ હેટમાયર ક્લીન બોલ્ડ થઇ ગયો હતો. આઉટ થયા બાદ હેટમાયરે પોતાના બેટ વડે સ્ટમ્પસને મારવાનો પ્રયાસ કર્યો હતો.
IPLના નિયમો અનુસાર હેટમાયરે જે કર્યું તે શિસ્તનો ભંગ કહેવામાં આવે છે અને આ કારણે જ કદાચ હેટમાયરને દંડિત કરવામાં આવ્યો હોઈ શકે છે.
IPL દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે,
‘રાજસ્થાન રોયલ્સના શીમરોન હેટમાયરને TATA ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની બીજી ક્વોલિફાયર જે સન રાઈઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 24મી મે ના રોજ રમાઈ હતી તેમાં IPL કોડ ઓફ કંડક્ટનો ભંગ કરવા બદલ 10 ટકા મેચ ફીસ કાપી લેવાનો દંડ ફટકારવામાં આવે છે. હેટમાયરે IPL કોડ ઓફ કંડક્ટની કલમ 2.2 હેઠળ લેવલ 1નો ગુનો આચર્યો છે. તેણે પોતાનો ગુનો અને મેચ રેફરીના દંડનો સ્વીકાર કર્યો છે. કોડ ઓફ કંડક્ટના લેવલ 1ના ભંગ બદલ કરાતા ગુના હેઠળ મેચ રેફરી દ્વારા આપવામાં આવતી સજા અંતિમ અને બાધ્ય હોય છે.’
આમ આ રીતે રાજસ્થાન રોયલ્સના ખેલાડીની એ દર્દભરી સ્થિતિ સામે આવી ગઈ છે જે તેને એક મહત્વની મેચ હાર્યા બાદ સહન કરવી પડી હતી.