ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો, 20 દરવાજા ખોલી પાણી છોડાયું
રાજ્યમાં હાલ ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેટલીક જગ્યાઓ પર પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શૈત્રુંજી ડેમ ગઈકાલે રાત્રે ઓવરફ્લો થયો છે. જેને લઈ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી.
ડેમ ઓવરફ્લો થતા 20 દરવાજા ખોલી પાણી છોડાયું
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર જીલ્લાની જીવાદોરી સમાન શેત્રુજી ડેમ કે જેની કુલ જળસંગ્રહની ક્ષમતા 346.68 મીલિયન ઘ.મી છે. આવી વિશાળ ક્ષમતા ધરાવતો આ શેત્રુજી ડેમ ભાવનગર જીલ્લા માટે આશીર્વાદ સમાન છે, આ ડેમમાંથી ભાવનગર શહેર તેમજ પાલીતાણા અને ગારિયાધારને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તેમજ જીલ્લાના પાલીતાણા, ગારીયાધાર તળાજા, મહુવા તાલુકાના ગામડાઓને પણ સિંચાઇનું પાણી પૂરું પાડવામાં આવે છે. જે ગઈકાલે રાત્રે ઓવરફ્લો થતા ડેમના 20 દરવાજાઓ એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે હજી પણ પાણીની સતત આવક ચાલુ છે.
17 ગામોને એલર્ટ કરાયા
આ ડેમ ગત રાત્રીના ઉપરવાસ તેમજ ભાવનગર જિલ્લામાં પડેલા સારા વરસાદને પગલે છલક સપાટીએ પહોંચતા ડેમના દરવાજા ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. હાલ 8117 ક્યુસેક પાણીની આવક શરૂ હોવાથી આ ડેમ હેઠળ આવતા પાલીતાણા તાલુકાના 5 અને તળાજા તાલુકા ના 12 ગામો મળી કુલ 17 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ શેત્રુંજી ડેમ છલકાઇ જવાના કારણે ભાવનગર શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. શેત્રુંજી ડેમમાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલ મારફતે પાલીતાણા, તળાજા, મહુવા ઘોઘા તાલુકાના ગામડાઓમાં પિયત માટે પાણી આપવામાં આવે છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખેતીમાં મબલખ આવક મેળવી શકતા હોય છે.
વલસાડમાં સૌથી વધુ વરસાદ
વરસાદની વાત કરીએ તોવલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 39 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ખેરગામ તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર અને વલસાડમાં રેડએલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાજ્યમાં 48 કલાક ભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ