ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘રજા અરજી પણ લખતા આવડતી નથી, નોકરી કેવી રીતે મળી?’ શિક્ષક સંઘની અરજી પર SC

  • શું દેશમાં શિક્ષણનું આ ધોરણ છે? નોકરી મેળવનાર પોસ્ટ ગ્રેજ્યુએટ રજા માટે અરજી પણ લખી શકતો નથી: SC

નવી દિલ્હી, 28 જૂન: બિહારના શિક્ષક સંઘના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તીખી ટિપ્પણી કરી છે. જસ્ટિસ બી.વી. નાગરત્નાની અધ્યક્ષતાવાળી બેંચે ટિપ્પણી કરી કે, શું દેશમાં શિક્ષણનું આ ધોરણ છે? નોકરી મેળવનાર પોસ્ટ ગ્રેજ્યુએટ રજા માટે અરજી પણ લખી શકતો નથી. શિક્ષકો રાષ્ટ્રનું નિર્માણ કરે છે અને જો તમે આ પરીક્ષાઓનો સામનો ન કરી શકો તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. જ્યારે બિહાર જેવું રાજ્ય આ સિસ્ટમમાં સુધારો કરવાનો પ્રયાસ કરે છે અને તેના માટે યોગ્યતા પરીક્ષાનું આયોજન કરે છે ત્યારે તેનો વિરોધ કરવામાં આવે છે.

કોર્ટ તરફથી આકરી ટિપ્પણી

આ કડક ટિપ્પણી સાથે સુપ્રીમ કોર્ટે બિહારના નિયુક્ત(કોન્ટ્રાક્ટ) શિક્ષકોને મોટો ઝટકો આપ્યો છે અને બિહારના શિક્ષક સંઘોની અરજીને ફગાવી દીધી છે. તે અરજીમાં તેમણે તેમની યોગ્યતાની પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી હતી. શિક્ષક સંઘોની અરજીને ફગાવી દેતી વખતે સુપ્રીમ કોર્ટે ઘણી વખત આકરી ટીપ્પણીઓ પણ કરી હતી. ગુસ્સે ભરાયેલી કોર્ટે કહ્યું કે, તેઓએ સરકારી નિયમો મુજબ યોગ્યતા પરિક્ષણ માટે હાજર રહેવું પડશે.

જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે કહ્યું કે, શિક્ષકો રાષ્ટ્ર નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ફાળો અર્પે છે. તેઓ હંમેશા તેમની કુશળતા સુધારવા માટે તૈયાર હોવા જોઈએ. જો સરકાર શિક્ષકો અને શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે યોગ્ય પગલાં લઈ રહી હોય છે તો શિક્ષકોએ તેને પૂરો સાથ આપવો જોઈએ, કારણ કે શિક્ષણ એ મહાન (ઉમદા) વ્યવસાય છે. પરંતુ તમારી જવાબદારીઓ ભૂલીને તમે લોકો માત્ર પગાર અને પ્રમોશનમાં જ રસ લઈ રહ્યા છો.

શિક્ષકોએ ટીચર મેન્યુઅલનો વિરોધ કર્યો હતો

આ અરજીમાં શિક્ષક સંઘોએ બિહાર ટીચર મેન્યુઅલ 2023નો વિરોધ કર્યો છે. આ નિયમો અનુસાર, જો નોકરી કરતા શિક્ષકોને રાજ્ય કર્મચારીનો દરજ્જો પ્રાપ્ત કરવો હોય, તો તેમણે યોગ્યતા પરિક્ષા પાસ કરવી પડશે. જો કોઈ શિક્ષક વિદ્યાર્થીઓના હિતમાં સેવા આપવા માંગતો હોય તો તેણે યોગ્યતાની કસોટી આપવી પડશે. કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારે આમાં પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અમે પણ સમગ્ર દેશમાં અને ખાસ કરીને બિહારમાં બાળકોના શિક્ષણને લઈને ગંભીર છીએ.

આ પણ જુઓ: NEET કૌભાંડઃ CBIએ 6 વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલના માલિકની પૂછપરછ શરૂ કરી

Back to top button