ગુજરાતટોપ ન્યૂઝધર્મશતાબ્દી મહોત્સવ

શતાબ્દી મહોત્સવ : આજે 10 દેશોના 170થી વધુ બાળકો – યુવાનોએ ભક્તિસંગીતથી કર્યા બાપાને યાદ

પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં આજે બાળ યુવા કીર્તન આરાધનાનો અવસર હતો. જેમાં 10 દેશોના 170 કરતાં વધુ બાળકો-યુવાનો દ્વારા ભક્તિસંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેના થકી બાપાને યાદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આગામી 4 અને 12 જાન્યુઆરીએ ‘સિમ્ફની’ કાર્યક્રમમાં 19 દેશોના 150 બાળકો-યુવાનો 33 વિવિધ ભારતીય વાદ્યો સાથે ભક્તિસંગીત રજૂ કરશે.

બાપાએ વર્ષો પહેલા શરૂ કરેલી ભકિતસંગીતની યાત્રા આજે પણ અવિરત

સમાજ કલ્યાણની 160 પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓનું સફળ સંચાલન કરીને પ્રમુખસ્વામી મહારાજે વિશ્વસ્તરે કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પોતાની આધ્યાત્મિક ચેતના દ્વારા રાષ્ટ્રના નૈતિક ઉત્થાન માટે આજીવન પ્રયત્નશીલ તેમની પ્રવૃત્તિઓનો આધાર ભગવાન હતા. ભગવાનની કથા અને અને કીર્તનના તેઓ પરમ અનુરાગી હતા. તેઓ વારંવાર કહેતા: કથા અને કીર્તન તો આત્માનો ખોરાક છે. તેમના આ સંદેશને અનુસરીને વિશ્વસ્તરે BAPSના 20000 સત્સંગ મંડળોમાં વર્ષભર હજારોની સંખ્યામાં ભક્તિસંગીતના કાર્યક્રમો થયા, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો અને ભાવિકોએ લાભ લીધો. તેઓના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘અક્ષર અમૃતમ્’ વિશિષ્ટ એપ્લિકેશન બનાવવામાં આવી, જેમાં કુલ 2000 કરતાં વધારે કીર્તન, 900 કરતાં વધુ કથા અને 6000થી વધુ ઓડિયો બુક્સ ટ્રેકસ વગેરે મળીને આશરે 9000 જેટલા ઓડિયો ટ્રેક્સ નિ:શુલ્ક ઉપલબ્ધ છે.

આજે આ મહાનુભાવો રહ્યા હતા ઉપસ્થિત

આજના આ કાર્યક્રમમાં જગદ્ગુરુ રામભદ્રાચાર્ય દિવ્યાંગ યુનિવર્સિટીના સ્થાપક અને કુલપતિ પદ્મવિભૂષણ જગદ્ગુરુ શ્રી રામભદ્રાચાર્યજી, ડી.વાય.પાટીલ ગ્રુપના પ્રમુખ પદ્મશ્રી ડૉ. સંજય પાટિલ, બિરજંગ મેટ્રોપોલિટન સિટીના મેયર રાજેશ માન સિંઘ અને એમ્બેસેડર અશોકકુમાર બૈધ્ય, સંગીતકાર આનંદ અશ્કારન શર્મા, વાંસળીવાદક સંદિપ કુલકર્ણી ઉપસ્થિત રહ્યા હતા.

નારી ઉત્કર્ષ મંડપમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ શું કહ્યું

આ કાર્યક્રમમાં યોજાયેલ નારી ઉત્કર્ષ મંડપમાં ઉપસ્થિત ઇન્કમટેક્સ બાર એસોસિયશનમાંથી એડવોકેટ ગૌરી ચંદનાનીએ બીએપીએસ યુવતી તાલીમ કેન્દ્ર (ત્રણ મહિનાના મહિલા સર્વાંગી વિકાસની તાલીમ) વિષે અને ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પ્રમુખસ્વામી મહારાજના મહિલા ઉત્કર્ષના કાર્યો વિષે વાત કરતાં જણાવ્યું હતું કે, “ જો યુવતીઓ આવી તાલીમમાં ભાગ લેવાનું ચૂકશે, તો તેઓ મોટા લાભથી વંચિત રહી જશે.” તેમણે આગળ જણાવ્યું, “મારી સઘળી સિદ્ધિનું શ્રેય ભગવાન સ્વામિનારાયણની કૃપાને આભારી છે. પ્રમુખસ્વામી મહારાજની કરુણા સમાજના દરેક સ્તરના લોકો ઉપર એકસમાન વરસી હતી. આ ઉપરાંત જામનગરના ડેન્ટલ કોલેજના ડીન ડૉ. નયનાબેન પટેલે પ્રમુખસ્વામી મહારાજ નગરના અવિસ્મરણીય અનુભવ વિષે જણાવ્યું કે ‘નારી ઉત્કર્ષ મંડપની વ્યવસ્થા માનવામાં ન આવે તેવી અદભૂત છે. નવા વર્ષે પ્રથમ દિવસે જ આ નગરની મુલાકાતે આ સમગ્ર વર્ષના આધ્યાત્મિક જીવનને ઓપ આપી દીધો છે.’ તેમજ BAPS મહિલા પ્રવૃતિના સ્વયંસેવિકા ધારાબેન વૈદ્યે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી ધીરજના ગુણ વિષે વાત કરતાં જણાવ્યું, “અક્ષરધામ હુમલા પછી પ્રમુખસ્વામી મહારાજની શાંતિની અપીલ તેમના ધૈર્યનું શિખર છે.

પ્રમુખસ્વામી મહારાજ નગર 14 જાન્યુઆરી સુધી જ ખુલ્લું રહેશે

ગત તારીખ 14-15 ડિસેમ્બરથી શરૂ થયેલો આ કાર્યક્રમ આગામી તારીખ 14 જાન્યુઆરી સુધી ખુલ્લું રહેવાનું છે. અત્યારસુધીમાં ત્યાં સેંકડો ભાવિક ભક્તોએ દર્શનનો લ્હાવો લઈ લીધો છે.

Back to top button