શતાબ્દી મહોત્સવ : રાષ્ટ્રપતિ કલામે BAPS ના બાળકોને વ્યસનમુક્તિ અભિયાન બદલ આપ્યા હતા અભિનંદન
પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં આજે બાળ સંસ્કાર દિનની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા 1954માં શરૂ કરાયેલી બાળપ્રવૃત્તિને પ્રમુખસ્વામી મહારાજે વિશાળ વટવૃક્ષરૂપે વિસ્તારી હતી. વર્તમાનકાળે મહંતસ્વામી મહારાજની નિશ્રામાં સમગ્ર વિશ્વમાં 5 ખંડોમાં, 40 દેશોમાં 1,50,000 જેટલાં બાળકો 20,000 જેટલાં બાળ બાલિકા કાર્યકરો આ બાળપ્રવૃત્તિમાં સમ્મિલિત છે. શતાબ્દી મહોત્સવ અને આઝાદીના અમૃત મહોત્સવ પર્વે મે, 2022 માં BAPS ના 16 હજાર બાળકોએ 14 લાખ લોકોનો સંપર્ક અને તેમાંથી 4 લાખ લોકો વ્યસનમુક્તિ માટે પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. 5 જુલાઇ, 2007 ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે કલામે રાષ્ટ્રવ્યાપી વ્યસનમુક્તિ અભિયાન માટે BAPS ના બાળકોને રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી અભિનંદન પાઠવ્યા હતા.
શતાબ્દી મહોત્સવમાં રહેલી બાળનગરી આકર્ષણનું અદ્દભુત કેન્દ્ર
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવમાં 17 એકરમાં ફેલાયેલી ભવ્ય, જ્ઞાનવર્ધક બાળ નગરી એક અનેરા આકર્ષણ અને જીવનઘડતરનું કેન્દ્ર છે. જે 4500 બાળ સ્વયંસેવકો- સ્વયંસેવિકાઓ દ્વારા સંચાલિત થઈ રહી છે. બાળનગરીમાં ઉચ્ચ જીવનશૈલીની પ્રેરણા આપતાં ત્રણ બાળ પ્રદર્શનખંડો છે. જે પૈકી સી ઓફ સુવર્ણા : પ્રાર્થના+પુરુષાર્થ = સફળતાને દૃઢ કરાવતું પ્રદર્શન, વિલેજ ઓફ બુઝો: માતાપિતાના ઉપકારોનું સ્મરણ કરાવતું પ્રદર્શન અને જંગલ ઓફ શેરુ : સ્વ-વિકાસની પ્રેરણા આપતું પ્રદર્શન જોવા મળે છે. આ ઉપરાંત બીએપીએસ બાળપ્રવૃત્તિના પાંચ મુખ્ય આધાર સ્તંભો – સંસ્કાર (સામાજિક અને પારિવારિક મૂલ્યો) , શિક્ષણ (શૈક્ષણિક શ્રેષ્ઠતા) , સ્વાસ્થ્ય (નિરામય જીવન) ,સંસ્કૃતિ (વારસો) અને સત્સંગ (આધ્યાત્મિકતા) ની અદભુત ઝાંખી જોવા મળે છે.
બાળ નગરીને મળ્યા અનેક એવોર્ડ્સ
અનેકવિધ રોચક પ્રસ્તુતિઓ દ્વારા બાળકોના સંસ્કાર ઘડતરની નગરી બની ચૂકી છે BAPS બાળનગરી કે જેમાં નિયમ કુટિર – જ્યાં બાળકો વ્યવસ્થિત અભ્યાસ, માતા-પિતા પ્રત્યે આદર, રાષ્ટ્ર પ્રત્યે ફરજ જેવા નિયમ ગ્રહણ કરે છે અને નિયમ લેનારને પુસ્તિકા પ્રોત્સાહન રૂપે અપાય છે. આ ઉપરાંત બાળપ્રવૃતિને બિરદાવતા પુરસ્કારો જેવા કે, વર્ષ 1989 – શ્રેષ્ઠ બાળ કલ્યાણ પ્રવૃત્તિ – ગુજરાત સરકાર, વર્ષ 1992 – શ્રેષ્ઠ બાળ કલ્યાણ પ્રવૃત્તિ – ભારત સરકાર, વર્ષ 2009 – શ્રેષ્ઠ બાળ કલ્યાણ પ્રવૃત્તિ માટે ક્વિન એવાર્ડ –ઈંગ્લેન્ડ સરકાર પ્રાપ્ત થાયવ છે. આ ઉપરાંત સને 2004 માં બાળપ્રવૃત્તિ સુવર્ણ મહોત્સવમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. એ પી જે અબ્દુલ કલામ, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દ્વારા બાળપ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી.
આજના સંધ્યા કાર્યક્રમમાં શું હતું ?
આજના સંધ્યા કાર્યક્રમમાં ધૂન અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો જેમાં 65 જેટલાં બાળકોએ સુમધુર કંઠે કિર્તનભક્તિમાં સૌને તરબોળ કર્યા હતા. ત્યારબાદ બીએપીએસ બાળપ્રવૃત્તિના બાળકો દ્વારા વિવિધ સંવાદો અને નૃત્યો દ્વારા બાળપ્રવૃત્તિના મૂલ્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ વિશ્વવ્યાપી બી.એપીએસ બાળપ્રવૃત્તિનિ ઝલક દર્શાવતી વિડીયો દર્શાવવામાં આવી હતી. બાળપ્રવૃત્તિમાં જોડાઈને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરનારાઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ‘Thank You Pramukh Swami’ દ્વારા બાળકોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. બાળસ્નેહી મહંત સ્વામી મહારાજ સાથે બાળકોએ સ્ટેજ પર રમતમાં સામેલ થવાનો લાભ લીધો હતો.
આજે કોણ ઉપસ્થિત રહ્યું હતું ?
આજના કાર્યક્રમમાં ભારત સરકારના રેલવે, કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, લોકસભા સાંસદ મહંત બાલકનાથ યોગી, એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના સ્થાપક અને ચેરમેન પદ્મવિભૂષણ પ્રતાપ સી. રેડ્ડી, વિશ્વપ્રસન્ના તીર્થ સ્વામી, પ્રમુખ, પેજાવર મઠ રત્નાકરજી, સ્ટેટ જનરલ સેક્રેટરી (Org), બીજેપી ગુજરાત, ભાર્ગવ ભટ્ટ, સ્ટેટ જનરલ સેક્રેટરી (Org), બીજેપી ગુજરાત, રજની પટેલ, સ્ટેટ જનરલ સેક્રેટરી (Org), બીજેપી ગુજરાત, સુનિલ દેશપાંડે, RSS પ્રચારક, રામેશ્વર દધીચ, પૂર્વ મેયર-જોધપુર, માધવસિંઘજી દિવાન, બિલાડાના દિવાન, આશિષ ચૌહાણ, મેનેજિંગ ડિરેકટર & CEO, નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ, NSE, જીગ્નેશ દેસાઇ, સહ સ્થાપક, NJ ગ્રુપ, પૂજ્ય પ્રોફ. ડૉ વિશ્વનાથ કરાડ, સ્થાપક અને પ્રમુખ, MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી, રાહુલ કરાડ, એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ, MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી, વિલિયમ સેલ્વમૂરથી, પ્રમુખ – અમિટી સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ફાઉન્ડેશન (ASTIF), મનીષ રાજ સિંઘાનિયા, પ્રમુખ – ફેડરેશન ઓફ ઑટોમોબાઇલ ડીલર્સ એસોસિયશન (FADA), પ્રોફ. ડૉ નવીન શેઠ, પૂર્વ ઉપ-કુલપતિ, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા.
શું હતું આજની એકડેમિક કોન્ફરન્સમાં ?
આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર જન્મ શતાબ્દી મહોત્સવમાં ગુજરાત રાજ્ય મહાવિદ્યાલય શૈક્ષણિક સંઘ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ઉપક્રમે ગુજરાતના ઉપકુલપતિઓ, પ્રિન્સિપાલ અને શિક્ષકોની એકેડેમિક કોન્ફરન્સ શિક્ષણમાં અધ્યાત્મ વિષય ઉપર યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નીચે મુજબના વક્તવ્યો આપ્યા હતા.
ગુજરાત રાજ્ય મહાવિદ્યાલય શૈક્ષણિક સંઘના પ્રમુખ રોહિત દેસાઇએ જણાવ્યું, “હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાંથી હકારાત્મક ઉર્જા લઈને નીકળીએ. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ તો આપવામાં આવે છે પરંતુ, પ્રમુખસ્વામી મહારાજે સમાજમાં વિવિધ કાર્યો જેવા કે વ્યસનમુક્તિ અભિયાન, રાહતકાર્યો અને નાઈ ઉત્કર્ષ કાર્યક્રમો દ્વારા મૂલ્ય નિષ્ઠ શિક્ષણ પૂરું પાડ્યું. સમાજ અને દેશના વિકાસ માટે આપણે મૂલ્યનિષ્ઠ શિક્ષણ પૂરું પાડવાનું ધ્યેય રાખવું જોઈએ. “
BAPSના પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું, “શિક્ષણથી માનવી સુધરેલો બને છે, અને તેમાં આધ્યાત્મિકતા ઉમેરવાથી તે દિવ્યતાનો સ્પર્શ પામે છે. ડૉ. કલામે પ્રમુખસ્વામી મહારાજને વિશ્વગુરુ તરીકે ઓળખાવ્યા. ડૉ. કલામની ઈચ્છા હતી કે શિક્ષણનું કાર્ય કરતાં કરતાં તેઓનું આયુષ્ય પૂરું થાય. આપણા સમયના નેતૃત્વના બે જ્વલંત ઉદાહરણ એવા પ્રમુખસ્વામી મહારાજ અને ડૉ. કલામે શિક્ષણ જગતની અગત્યતા સમજાવી છે.”
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ જે. પી. સિંઘલે જણાવ્યું, “આપણે આપણાં સાંસ્કૃતિક મૂળિયાં આપણાં શાસ્ત્રોમાંથી દૃઢ કરવાની જરૂર છે. આપણાં શિક્ષણને ‘કોલોનિયલ’ પ્રભાવમાંથી મુક્ત કરવું પડશે.” HNGU ના ઉપ-કુલપતિ જે. જે. વોરાએ જણાવ્યું, “80,000 સ્વયંસેવકોના અભૂતપૂર્વ સમર્પણને હું બિરદાવું છું. દિવ્ય શક્તિના પ્રવેશથી આવી એકતા, સર્જનાત્મકતા અને પુરુષાર્થ સંભવિત બને છે.”
સ્ટેટ પાર્લમેન્ટરી અફેર્સ મંત્રી (પ્રાઇમરી, સેકન્ડરી, અને પ્રૌઢ ઉચ્ચ શિક્ષણ) પ્રફુલ પાંચશેરિયાએ જણાવ્યું, “આધ્યાત્મિક શિક્ષણનો અભાવ ઉચ્ચ શિક્ષિત લોકોમાં પણ આત્મહત્યા જેવા બનાવો માટે કારણભૂત છે. વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય જરૂરી છે. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના ત્રીજા નિયમની સાથે કર્મ સિદ્ધાંત સમજવો પણ જરૂરી છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી અહંશૂન્ય થવાનું શીખીને વિદ્યાર્થીઓના હિતનો વિચાર કરવો જોઈએ.”
ચારુતર વિદ્યામંડલના ચેરમેન ભીખુભાઈ પટેલે જણાવ્યું, “ભારતમાં અનેકવિધ મહાન શૈક્ષણિક સંસ્થાઓના કેન્દ્ર બનેલા વિદ્યાનગરનું ભાગ્ય છે કે પ્રમુખસ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ તેને સાંપડેલા. BAPSના ૧૨૦૦ સાધુઓમાંથી ૧૩૫ વિદ્યાનગરના અક્ષર પુરુષોત્તમ છાત્રાલયના છે. અમારા માટે ગૌરવની વાત છે કે BAPSના વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વિદ્યાનગરની શૈક્ષણિક સંસ્થાઓમાંથી એકના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે.”
પ્રોફેસર ડૉ. ચાંદકિરણ સલુજાએ જણાવ્યું, “સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોના અધ્યયન બાદ મને લાગ્યું કે સંતો દ્વારા શિખવાડવામાં આવતાં પાઠ કેવી રીતે આપણી સંસ્કૃતિના મૂળિયાં મજબૂત કરી રહ્યા છે.” PDEU ગાંધીનગરના PHD પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પ્રોફેસર એ. સી. બ્રહ્મભટ્ટે જણાવ્યું, “ડૉ. કલામે જ્યારે ૩૦ જૂન, ૨૦૦૧ ના રોજ પ્રમુખસ્વામી મહારાજને ભારતના વિકાસ માટે પાંચ ક્ષેત્રો જણાવ્યા, ત્યારે પ્રમુખસ્વામી મહારાજે લોકોને સુવિકસીત કરવા તેમનામાં છઠ્ઠી બાબત એટલે કે આધ્યાત્મિકતા ઉમેરવાની વાત કરી હતી. “
CUGના ઉપ-કુલપતિ પ્રોફેસર રામશંકર દુબેજીએ જણાવ્યું, “નાલંદા અને તક્ષશિલા જેવી યુનિવર્સિટીઓ સર્વતોમુખી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. ખરું શિક્ષણ ઘરથી શરૂ થાય છે. આપણી સંસ્કૃતિ જાળવીને વિશ્વમાનવ થવાનું છે.” GTUના ઉપ-કુલપતિ પ્રોફેસર નવિન શેઠે જણાવ્યું, “આઝાદીના અમૃત મહોત્સવની સાથે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના સાક્ષી બનવા બદલ આપણે સૌ ભાગ્યશાળી છીએ.”
ગુજરાત RSSના ડૉ. જયંતીભાઈ ભાડેસીયા, પ્રોફેસર ભગવતીપ્રસાદ શર્મા તથા કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી યોગી ત્રિવેદીએ પણ આધ્યાત્મિક મૂલ્ય યુક્ત શિક્ષણની તાતી આવશ્યકતા પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. BAPS ના પૂ. ડૉ જ્ઞાનવત્સલ સ્વામી જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે અને લક્ષણ સાથેનું શિક્ષણ ભક્ષણ કરે.”