શતાબ્દી મહોત્સવ : આવતીકાલે અંતિમ દિવસ, એક મહિનામાં લાખો ભક્તોએ કર્યા દર્શન

અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનો આવતીકાલે અંતિમ દિવસ છે. છેલ્લાં 30 દિવસથી અસંખ્ય લોકોને પવિત્ર પ્રેરણાઓથી છલકાવી દેનાર પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનનો લ્હાવો કાલે 14 જાન્યુઆરીના રોજ સવારના 9 વાગ્યાથી રાતના 9 સુધી નગરમાં પ્રવેશ ચાલુ રહેશે.
એક મહિનામાં લાખો લોકોએ લીધો દર્શનનો લાભ
છેલ્લા એક મહિનાથી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ચાલતા મહોત્સવમાં પ્રેરણાદાયી આકર્ષણો અને પ્રદર્શનો દ્વારા દેશ વિદેશના લાખો લોકોએ વ્યસનમુક્તિ, પારિવારિક શાંતિ, સામાજિક દાયિત્વ અને રાષ્ટ્રભક્તિના સંદેશને આત્મસાત કર્યો છે. અહીં કલાત્મક સંતદ્વાર, પ્રમુખસ્વામી મહારાજ મહા-મૂર્તિ, દિલ્લી અક્ષરધામ પ્રતિકૃતિ, પ્રમુખ જ્યોતિ ઉદ્યાન- ગ્લો ગાર્ડન, લાઇટ એન્ડ સાઉન્ડ શો, અને અનેકવિધ પ્રદર્શનોએ છેલ્લાં એક મહિનાથી લાખોને અભિભૂત કર્યા છે.
ક્યાં – ક્યાં પ્રદર્શનો હતા ?
પ્રમુખસ્વામી મહારાજ નગર જન્મ શતાબ્દી મહોત્સવમાં અનેકવિધ પ્રદર્શનો જોવા લાયક હતા. જેમાં બાળ નગરીમાં ત્રણ પ્રદર્શનખંડો અને અનેકવિધ આકર્ષણોએ લાખો બાળકોને સ્વ-વિકાસ, પ્રાર્થના, પુરુષાર્થ, માતા-પિતા-ગુરુજનોનો આદર વગેરેના પાઠ દૃઢ કરાવ્યા હતા. લાખો બાળ-બલિકાઓએ ઉચ્ચ જીવનશૈલીને દૃઢ કરાવતાં નિયમો ગ્રહણ કર્યા હતા.
આજના કાર્યક્રમમાં કોણ-કોણ ઉપસ્થિત રહ્યું ?
પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે શતાબ્દી મહોત્સવમાં આજે શિવરાજ સિંહ ચૌહાણ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, મનહરભાઈ ઉધાસ, જાણીતા ગાયક, નારાયણ મણિ, પ્રખ્યાત વાયોલિનવાદક અને સંગીત નિર્દેશક અને શ્યામલ મુનશી, જાણીતા સંગીત નિર્દેશક ઉપસ્થિત રહ્યા હતા.
આજની સંગીત સંધ્યા
આજે સાંજે બી.એ.પી.એસ. સંગીતજ્ઞ સંતવૃંદ દ્વારા કીર્તનભક્તિની વિશિષ્ટ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં અનેકવિધ લોક કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવા છતાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતા. નિરંતર ભક્તિમય રહેતા પ્રમુખસ્વામી મહારાજ તો કથા અને અને કીર્તનના પરમ અનુરાગી હતા. તેઓ વારંવાર કહેતા: કથા અને કીર્તન તો આત્માનો ખોરાક છે. તેઓ હમેંશા કથા-સત્સંગ-ભક્તિ-કીર્તનને અમૃત કહેતા. તેઓ એ અમૃતને દિવસ-રાત માણતા, અને સૌને તેમાં રમમાણ રહેવાનો વારંવાર અનુરોધ કરતા. એટલે જ તેઓના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘અક્ષર અમૃતમ્’ વિશિષ્ટ એપ્લિકેશન બનાવવામાં આવી, જેમાં કુલ 2000 કરતાં વધારે કીર્તન, 900 કરતાં વધુ કથા અને 6000થી વધુ ઓડિયો બુક્સ ટ્રેકસ વગેરે મળીને આશરે 9000 જેટલા ઓડિયો ટ્રેક્સ નિ:શુલ્ક ઉપલબ્ધ છે.