ગુજરાતટોપ ન્યૂઝધર્મશતાબ્દી મહોત્સવ

શતાબ્દી મહોત્સવ : બાપાએ દેશ-વિદેશના નેતાઓ, ઉદ્યોગકારોથી લઈ સામાન્ય માણસને વ્યસનમુક્ત કરાવી તેનું જીવન બદલી નાંખ્યું હતું

આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે ‘વ્યસનમુક્તિ અને જીવન પરિવર્તન દિન’ના ઉપક્રમે વિશિષ્ટ સંધ્યા સભાનું આયોજન થયું હતું. જેમાં અનેકવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વ્યસન મુક્તિના વિરાટ જનઆંદોલનના પ્રયોજક એવા સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજને ઉપસ્થિત મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ આપી હતી. ભગવાન સ્વામિનારાયણ અને તેમના 3000 પરમહંસો ગામડે ગામડે વ્યસનમુક્તિની આહ્લેક લઈને ઘૂમી વળ્યા હતા. લોકોને વ્યસનમુક્ત અને સદાચારયુક્ત બનાવવાના વિરાટ કાર્યને જીવંત રાખવાનો યશસ્વી પુરુષાર્થ બાપાએ કર્યો હતો. તેમના દ્વારા દેશ-વિદેશના શીર્ષસ્થ નેતાઓથી લઈને ઉદ્યોગપતિઓ, ઉચ્ચ હોદ્દેદારો, વિજ્ઞાનીઓ, આદિવાસીઓ કે ખેડૂતો સુધી વિસ્તરેલ વ્યસનમુક્તિ અને જીવનપરિવર્તનનાં વિરાટ કાર્યોની ઝાંખી પ્રસ્તુત થઈ હતી.

Swaminarayan Hum Dekhenege
Swaminarayan Hum Dekhenege

ભારતમાં વિરાટ વ્યસનમુક્તિ અભિયાન યોજાયું

પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા દ્વારા વિરાટ વ્યસનમુક્તિ આંદોલનો દ્વારા લાખો વ્યસનીઓ વ્યસનોની ચુંગાલમાંથી મુક્ત થયા છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે 8 થી 22 મે, 2022 દરમિયાન ભારતમાં વિરાટ વ્યસનમુક્તિ અભિયાન યોજાયું હતું, જેમાં 12 થી 14 વર્ષની ઉંમરનાં 16000 બાળકોએ ઘરોમાં, ઓફિસોમાં, ફેક્ટરીઓમાં તેમજ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરે જાહેર સ્થળોએ જઈને 14 લાખ લોકોને મળીને વ્યસનમુક્તિનો સંદેશો આપ્યો. 15 દિવસીય આ અભિયાનમાં 4 લાખ લોકો વ્યસન્મુક્ત થવા સંકલ્પબદ્ધ થયા.

કેન્યાના મંત્રી જોસેફ મટુરિયાએ દારૂ નહીં પીવાની પ્રતિજ્ઞા લીધી

31 મે, 2022 ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિનના ઉપક્રમે BAPS ના 50000 કરતાં વધુ બાળ-બાલિકાઓએ સમગ્ર ગુજરાત અને ભારતમાં 100 જેટલી વ્યસનમુક્તિ રેલીઓ દ્વારા વ્યસનમુક્તિનો સંદેશ આપ્યો હતો. 1985 માં કેન્યાના મંત્રી જોસેફ મટુરિયાએ જાહેરસભામાં પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ દારૂ નહીં પીવાની પ્રતિજ્ઞા લીધી હતી. 12 મે, 2007 ના રોજ BAPS મંદિર, નૈરોબી ખાતે પ્રમુખસ્વામી મહારાજને મળતાં તેમણે કહ્યું, “ પ્રમુખસ્વામી મહારાજે મારું વ્યસન 22 વર્ષ પહેલાં છોડાવી દીધું. ત્યાર પછી એક પણ વાર મને દારૂ પીવાનું મન થયું નથી. તેમણે મારું જીવન પરિવર્તન કરી નાખ્યું છે.”

Swaminarayan Nagar Hum Dekhenege
Swaminarayan Nagar Hum Dekhenege

સંધ્યા કાર્યક્રમમાં હાજર મહાનુભાવોએ શું કહ્યું ?

આ કાર્યક્રમનો ભગવાનની ધૂન, પ્રાર્થના અને કીર્તન સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં BAPS ના સંગીત વૃંદ દ્વારા ‘મન માન કહ્યું તે મારું’ કીર્તનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં બાપા વિશે શું કહ્યું હતું તેના અંશો નીચે મુજબ છે.

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ.પંકજ શાહે જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ સદાય આપણી સાથે છે અને આજે તેમના સ્વરૂપ મહંતસ્વામી મહારાજના આશીર્વાદ પણ સતત સાથે છે. તમાકુ મતલબ તમારું, મારું અને કુટુંબનું બધાનું વિનાશ કરે તે. પ્રમુખસ્વામી મહારાજે બતાવેલ વ્યસનમુકિતના રસ્તાઓ સમાજને વ્યસનમુક્ત કરવા માટેના અસરકારક રસ્તાઓ છે, કારણકે વ્યસનમુકિતના સંદેશો પ્રમુખસ્વામી મહારાજે બાળકો દ્વારા સમાજના ખૂણે ખૂણે પહોચાડ્યા અને તે જ બાળકો મોટા થઈને આદર્શ નાગરિક બનશે અને આદર્શ સમાજ નિર્માણમાં સહભાગી બનશે. જ્યારે જ્યારે આ સંસ્થાને મારી જરૂર પડશે ત્યારે હું ખડેપગે ઊભો રહીને સેવા કરીશ અને મને જે પદ્મશ્રી મળ્યો તેની પાછળ પણ પ્રમુખસ્વામી મહારાજના જ આશીર્વાદ છે. આ નગરમાં આવેલા સૌને મારી વિનંતી છે કે જેને જેને વ્યસન હોય તે ઘરે જતી વખતે વ્યસનમુક્ત થઈને ઘરે જજો.”

આ ઉપરાંત રાજસ્થાન બીજેપી પ્રમુખ ડૉ.સતીશ પુનિયાએ જણાવ્યું હતું કે, “આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ધર્મ,સંસ્કૃતિ,અધ્યાત્મ અને પવિત્રતાના દર્શન થાય છે. આજે આ નગરના દર્શન કરીને તેની ભવ્યતા વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી અને એક અનોખી ઊર્જાની અનુભૂતિ કરી રહ્યો છું. પ્રમુખસ્વામી મહારાજે સંસ્કાર અને સંસ્કૃતિને જાગૃત રાખવા માટે રાખવા માટે ભગીરથ પુરુષાર્થ કર્યો છે. પ્રમુખસ્વામી મહારાજે પ્રકૃતિ અને સંસ્કૃતિને ભેગા રાખીને ચારિત્ર્યયુક્ત સમાજનું નિર્માણ કર્યું છે અને આજે આ નગર માં મળેલી પ્રેરણા જીવનભર મારા જીવનમાં ઊર્જા આપતી રહેશે.”

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે કોન્ફરન્સમાં વક્તવ્યોના અંશો

આ કાર્યક્રમમાં આજે પ્રોફેશનલ કોન્ફરન્સમાં BAR Council of Gujaratના સભ્યોએ હાજરી આપી હતી. જેમાં અનિરુદ્ધસિંહ ઝાલા (ચેરમેન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત)એ જણાવ્યું હતું કે, “સ્વામિનારાયણ સંપ્રદાયે લોકોની સેવા કરી છે અને તેમને પ્રગતિ માટે ટેકો પૂરો પાડ્યો છે.પ્રમુખસ્વામી મહારાજ નગરનું આયોજન અદ્ભુત છે અને સ્વચ્છતાનું શ્રેષ્ઠ પ્રતિક છે.”

આ ઉપરાંત કમલ ત્રિવેદી (સિનીયર એડવોકેટ, એડવોકેટ જનરલ ઓફ ગુજરાત)એ જણાવ્યું હતું કે, “આજે આપણે વિવિધતામાં એકતાનો અનુભવ કરી રહ્યા છે કેમકે સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઈ કોર્ટ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જેવી સંસ્થાઓમાંથી અહી એક છત્ર હેઠળ સર્વે ઉપસ્થિત રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ શિક્ષાપત્રીનું જીવંત સ્વરૂપ હતા. ૨૦૦૨માં જયારે મેં એમને પૂજામાં કેટલો સમય ફાળવવો જોઈએ તે અંગે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે જો આપણે આપણું કાર્ય નિષ્ઠાથી કરીએ તો તે પૂજા વ્યવસ્થિત કર્યા બરાબર છે.”

જ્યારે કે એમ.આર.શાહ (જજ, સુપ્રીમ કોર્ટ)એ જણાવ્યું હતું કે,“પ્રમુખસ્વામી મહારાજને ૨૦૦૪માં મળતાં લાગ્યું કે આપણે તેઓની જેમ અનુશાસનપૂર્વક જીવવું જોઈએ. આપણે તેમના પગલે ચાલી શિસ્ત, સેવા અને ઉદારતાના ગુણો કેળવવા જોઈએ. પ્રમુખસ્વામી મહારાજે શિક્ષાપત્રીના નિયમો સમજાવ્યા અને લાગ્યું કે શિક્ષાપત્રી આપણા જીવનનું બંધારણ છે.”

આ ઉપરાંત મનન કુમાર મિશ્રા (ચેરમેન, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા)એ વ્યવસાયિક મુલ્યો અને નિષ્ઠા પર વાત કરતાં સૌને મુશ્કેલીઓમાં પણ ધર્મ જાળવી રાખવાનો અનુરોધ કર્યો. પ્રમુખસ્વામી મહારાજ નગરની ભવ્યતા બિરદાવતાં તેમણે આ પ્રકારનો અન્ય એક કાયદાકીય સેમીનાર દિલ્લી અક્ષરધામ ખાતે યોજવાની ઈચ્છા દર્શાવી.

Back to top button