ગુજરાતધર્મશતાબ્દી મહોત્સવ

શતાબ્દી મહોત્સવ : બાપાના અથાગ પ્રયત્નોથી સેંકડો મહિલાઓ બની નિર્ભય, આત્મનિર્ભર અને પરિવારના સુખાકારીની આધારશિલા

અમદાવાદ ખાતે ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં આજે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ચાલતા હજારો બાલિકા-કિશોરી-યુવતી-મહિલા પ્રવૃત્તિ કેન્દ્રો, 60 થી વધુ યુવતી પ્રશિક્ષણ શિબિરો અને 100 થી વધુ પ્રતિભાવિકાસ પર્વો દ્વારા મહિલાઓ નિર્ભય, આત્મનિર્ભર અને પરિવારના સુખાકારીની આધારશિલા બની રહી છે. BAPS સંસ્થા દ્વારા કરમસદ અને રાંદેસણ ખાતે દીકરીઓના સંસ્કારયુક્ત શિક્ષણના ધામ સમા વિશાળ વિદ્યાસંકુલો ઉભા કરાયા છે. આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી છેલ્લાં 50 વર્ષથી મહિલા પ્રવૃત્તિનું સામાયિક ‘પ્રેમવતી’ પ્રકાશિત થઈ રહ્યું છે.

નારી ઉત્કર્ષ મંડપમાં મહિલા માટે દરરોજ અનેક પ્રવૃત્તિઓ

આ ઉપરાંત યુવતીઓના વ્યક્તિત્વ વિકાસ માટે BAPS WILL (Women’s Ideals for Learning and Living) અંતર્ગત બાળઉછેર, મેનેજમેન્ટ, આરોગ્ય,અભ્યાસ, ફાઇનાન્સ વિષયક વ્યાખ્યાનો, સમૂહચર્ચાઓ અને શિબિરોના આયોજન કરવામાં આવે છે. BAPS સંસ્થા દ્વારા આયોજિત દહેજમુક્તિ, વ્યસનમુક્તિ, મહોત્સવો, રાહતકાર્યો અને સામાજિક, સાંસ્કૃતિક સેવાકાર્યોમાં મહિલાઓની રચનાત્મક શક્તિઓનો વિનિયોગ જોવા મળે છે. હાલમાં ચાલતા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં નારી ઉત્કર્ષ મંડપમાં મહિલા સેમિનારો, સંવાદો, અને કળા મંચ દ્વારા મહિલા ઉત્કર્ષની ઝલક જોવા મળી રહી છે. જ્યારે કે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં બાળનગરીમાં ‘Sea of Suvarna‘ પ્રદર્શનમાં 270 બાલિકાઓ દ્વારા ‘પ્રાર્થના+પુરુષાર્થ= સફળતા” સૂત્રની મંત્રમુગ્ધ કરી દેતી રજૂઆત કરવામાં આવી રહી છે તેમજ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રેમવતી ઉપાહાર ગૃહ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત છે. જેમાં 25 કરતાં વધુ પ્રેમવતીઓમાં 2200 જેટલી મહિલા સ્વયંસેવિકાઓ કાર્યરત છે.

સંસ્થાની મહિલા પાંખે દેશ-વિદેશમાં આયોજનબદ્ધ વિકાસ સાધ્યો

18 મી સદીમાં જ્યારે સામાજિક, ધાર્મિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે મહિલાઓની સ્થિતિ દયનીય હતી ત્યારે ભગવાન સ્વામિનારાયણે મહિલા ઉત્કર્ષની જ્યોતિ પ્રગટાવી હતી. ભગવાન સ્વામિનારાયણે કરેલાં નારી ઉત્કર્ષનાં કાર્યોમાં તેઓના સર્વતોમુખી ઉત્કર્ષ અને આધ્યાત્મિક વિકાસની ખેવના હતી. ભગવાન સ્વામિનારાયણનાં કાર્યને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વિશાળ ફલક પર વિસ્તાર્યું. BAPS સંસ્થાની મહિલા પાંખે દેશ-વિદેશમાં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આયોજનબદ્ધ વિકાસ સાધ્યો છે. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી થયેલું મહિલા ઉત્કર્ષનું કાર્ય સમગ્ર સમાજ માટે ઉપકારક સાબિત થયું છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં પણ બાપાના આશીર્વાદથી યુવતીઓ પ્રશિક્ષિત બની

કન્યા કેળવણીના પ્રખર પુરસ્કર્તા પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી કરમસદ અને રાંદેસણમાં વિશાળ વિદ્યસંકુલોની સાથે સાથે BAPS સંસ્થાના વિવિધ સત્સંગકેન્દ્રો ખાતે યોજાતી કારકિર્દી માર્ગદર્શન શિબિરો, વાંચન પર્વ, અભ્યાસ પર્વ, કેમ્પસ સભાઓ, સ્પોકન ઇંગ્લિશ વર્ગો, ઓડિયો-વિઝ્યુઅલ વર્કશોપ, સ્કોલરશીપ જેવી પ્રવૃત્તિઓ હજારો કિશોરીઓ- યુવતીઓની કારકિર્દી ઘડતરમાં ઉપકારક સાબિત થઈ રહી છે. પ્રતિસપ્તાહ યોજાતી હજારો મહિલા સત્સંગ સભાઓ મહિલાઓને પારિવારિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક ઉચ્ચતા તરફ આરોહણ કરાવી રહી છે.1975 થી આજપર્યંત મહિલા દિન નિમિત્તે દેશ વિદેશમાં યોજાતા સંમેલનો લાખો મહિલાઓ માટે તેઓના પ્રશ્નો પ્રત્યે વિશેષ જાગૃતિ કેળવનારાં બની રહ્યા છે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રહ્યા ઉપસ્થિત

પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહામહિમ પાદરી ડૉ. ડોર્કાસ રિગાથી, સેકન્ડ લેડી – કેન્યા રિપબ્લિક, દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય રાજ્ય મંત્રી – ભારત સરકાર, મીનાક્ષી લેખી, કેન્દ્રીય રાજ્ય મંત્રી – ભારત સરકાર, રંજનબેન ભટ્ટ, સંસદ સભ્ય – લોકસભા, રાજદૂત ઇરેન અચીંગ ઓલૂ, ભારતમાં કેન્યાના ડેપ્યુટી હાઇ કમિશનર, જસ્ટિસ અભિલાષાબેન કુમારી, ન્યાયિક સભ્ય – લોકપાલ સમિતિ, પ્રો. હેન્ના હી-સન કિમ, પ્રોફેસર અને માનવશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ – એડેલ્ફી યુનિવર્સિટી, સુનૈના તોમર (IAS), એડ. મુખ્ય સચિવ – સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર, ડો.પાયલબેન કુકરાણી, ધારાસભ્ય – નરોડા (ગુજરાત), કંચનબેન રાદડીયા, ધારાસભ્ય – ઠક્કરબાપા નગર (ગુજરાત), ડો. જયંતિ એસ. રવિ, સેક્રેટરી – ઓરોવિલ ફાઉન્ડેશન અને હિતેશ ભટ્ટ, સ્થાપક અને સીટીઓ – ભટ્ટ ફાઉન્ડેશન ઇન્ક. ઉપસ્થિત રહ્યા હતા.

આજની પ્રોફેશનલ કોન્ફરન્સના કેટલાક અંશો

પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે યોજાયેલી આજની પ્રોફેશનલ કોન્ફરન્સમાં Gujarat Institute of Civil Engineers and Architects (GICEA) આયોજક હતા. જેમાં ઉપસ્થિત AMCના ચીફ અર્બન પ્લાનર અને GICEA ના પ્રમુખ, ડો. વત્સલ પટેલે જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજ નગરના એવા ઘણા પાસાં છે જે સિવિલ એન્જિનિયર અને આકિટેક્ટસ માટે પ્રેરણારૂપ છે.”

આ ઉપરાંત Low Carbon Construction Forum ના ફાઉન્ડર-ડિરેક્ટર વિજયકુમાર કુલકર્ણી ગ્રીન હાઉસ ગેસ, હવામાનમાં થઈ રહેલા ફેરફારો અને તે સંબંધિત સિવિલ એન્જિનિયર અને આકિટેક્ટસની જવાબદારી વિષયક રજૂઆત કરી હતી.

જ્યારે કે, BAPS ના પૂ. ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, “2001 ના ભૂકંપ બાદ BAPS સંસ્થા અને ગુજરાત સરકાર દ્વારા પુનર્વસન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજે તે સમયે સિવિલ એન્જિનિયર્સ અને આકિટેક્ટસને સૂચન કર્યું હતું કે નવનિર્મિત ગામ ત્યાંનાં લોકજીવન અને જીવનશૈલીને અનુરૂપ હોવું જોઈએ. પ્રમુખસ્વામી મહારાજ લોકોની જરૂરિયાતોને યથાર્થ સમજી શકતા. પ્રમુખસ્વામી મહારાજ નગર ‘ Use, Reuse and No abuse’ ના વિચાર સાથે સર્જન પામ્યું છે. અહી 10 લાખ કરતાં વધુ ફૂલ છોડ રોપવામાં આવ્યા છે. 170 જેટલી પાણીની પરબ છે. સમગ્ર નગર, શૌચાલયો વગેરે અત્યંત સ્વચ્છ છે.”

આજ રોજ યોજાયેલ એકડેમિક કોન્ફરન્સના અંશો

પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આજે યોજાયેલ એકડેમિક કોન્ફરન્સમાં Women Empowerment and Hindu Socio-Spiritual Traditions વિષય ઉપર ચર્ચા થઈ હતી. જેમાં ડો. રૂબી ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિને બિરદાવી હતી. આ ઉપરાંત સાંચી યુનિવર્સિટીઓફ બુદ્ધિસ્ટ- ઈન્ડિક સ્ટડીઝના ઉપ-કુલપતિ ડો. નીરજ ગુપ્તાએ શતાબ્દી મહોત્સવમાં આ આયોજન કરવા બદલ BAPS સંસ્થાનો આભાર માન્યો હતો. જ્યારે કે એડેલ્ફી યુનિવર્સિટીમાં પ્રોફેસર અને માનવશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. હેન્ના હી-સન કિમે જણાવ્યું હતું કે, “BAPS સંસ્થાએ મારી કારકિર્દીને આગવો આકાર આપ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે યુવતી તાલીમ કેન્દ્ર દ્વારા યુવતીઓને સ્વ-જાગૃતિ અને સ્વ-વિકાસનો માર્ગ ચીંધ્યો. યુવતી તાલીમ કેન્દ્ર નૈતિકતાની પ્રયોગશાળા છે.”

આ ઉપરાંત IAS ડો. જયંતી રવિએ જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવવાનો અવસર સાંપડ્યો તે સદ્ભાગ્ય છે. ભક્તિ અને સમર્પણ દ્વારા સંવાદિતાસભર વાતાવરણ જોવા મળી રહ્યું છે.” તેમણે BAPS દ્વારા થઈ રહેલાં તમામ કાર્યોની સરાહના કરી. તેમજ ડો. નીતા શાહે 18 મી સદીમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા અને તે જ પરંપરામાં પ્રમુખસ્વામી મહારાજે કેવી રીતે નારી ઉત્કર્ષના કાર્યને આગળ ધપાવ્યું તેના પર પ્રકાશ પાડયો હતો.

Back to top button