શાસ્ત્રોક્ત રીતે સજાવો રક્ષાબંધન માટે પૂજાની થાળી
રક્ષાબંધન એટલે ભાઇ અને બહેનના અરસપરસના પ્રેમનો તહેવાર. આ તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાને દિવસે ઉજવવામાં આવે છે, આ દિવસે બહેન સવારે વહેલી ઉઠીને સ્નાન કરીને તૈયાર થઇ જાય છે. આ પછી શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે ભાઇની પુજા કરીને તેને રાખડી બાંધે છે અને મીઠાઇથી તેનું મોં મીઠું કરે છે. બહેન રાખડી બાંધે ત્યારે તેનો ભાઇ તેની રક્ષા કરવાનું વચન આપે છે. આમ, રક્ષાબંધનની યોગ્ય રીતે ઉજવણી માટે સારી રીતે પૂજાવિધિ થાય એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ.
કઇ રીતે પૂજાની થાળી તૈયાર કરવી ?
રક્ષાબંધનની પૂજાની થાળી તૈયાર કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. પૂજાની થાળીમાં ચોખા, કુમ કુમ , ચંદન, રાખડી અને દીવાને ખાસ સ્થાન આપવું જોઇએ. પુજાની થાળીમાં પણ અક્ષતનું વિશેષ મહત્ત્વ છે અને દરેક શુભ કાર્યમાં અક્ષતનો અવશ્ય સમાવેશ થાય છે. તેથી અક્ષતને રાખડીની થાળીમાં સામેલ કરવા જ જોઈએ. કહેવાય છે કે અક્ષત પૂર્ણતાનુ પ્રતીક છે અને તેનો ઉપયોગ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
આ કારણે પૂજા માટે ભાઇના કપાળે તિલક કરતી વખતે અક્ષત પણ લગાડવા જોઇએ. કહેવાય છે કે અક્ષત લગાવવાથી ભાઈનુ આયુષ્ય લાંબુ થાય છે અને તે સમૃદ્ધ રહે છે. રક્ષાબંધનની પૂજા કરતી વખતે પૂજા થાળમાં રહેલા ચંદનથી ભાઈના કપાળે તિલક કરો તો એ અત્યંત શુભ છે અને દેવી લક્ષ્મીની કૃપા ભાઇ પર હંમેશાં રહે છે.હકીકતમાં દીવાના પ્રકાશથી સંબંધોમાં સકારાત્મકતા આવે છે. અને તે આનંદ તેમજ ઉલ્લાસનું પ્રતીક છે. પૂજા થાળમાં રહેલી રાખડી એ માત્ર રેશમનો દોરો નથી પણ ભાઇ-બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે.
આ પણ વાંચો : જાણો કઇ રીતે થઇ રક્ષાબંધન ઉજવણીની શરૂઆત