વડોદરામાં પોલીસ જાપ્તામાંથી શાર્પ શૂટર એન્થોની ફરાર, હોટલમાં પોલીસ સાથેના CCTV બહાર આવ્યા
વડોદરાઃ સયાજીગંજ વિસ્તારમાંની એક હોટલમાંથી પોલીસ જાપ્તામાં રહેલો કુખ્યાત શાર્પ શૂટર એન્થોની ફરાર થઇ જતાં ચકચાર મચી છે. આ મામલે રાવપુરા પોલીસ મથકે કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. બીજી તરફ પોલીસ જપ્તામાં રહેલા એન્થોનીને કેવી વીવીઆઇપી સુવિધા મળતી હતી તેના સીસીટીવી પણ બહાર આવ્યા છે.
એન્થોનીને મળવા બે યુવતીઓ આવી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર પોલીસ આજે કુખ્યાત શાર્પ શૂટર એન્થોનીને લઇને વડોદરા આવી હતી. આ દરમિયાન પોલીસ અને આરોપી સયાજીગંજ વિસ્તારની એક હોટલમાં રોકાયા હતા. જ્યાં એન્થોનીને મળવા માટે બે યુવતીઓ પણ આવી હતી. જેમાંથી એક તેની બહેન હોવાનું માનવામાં આવી રહ્યું છે. દરમિયાન એન્થોની હોટલમાંથી બહાર આવ્યો હતો અને એક્ટિવા પર ફરાર થઇ ગયો હતો. આમ છોટાઉદેપુર પોલીસની બેદરકારીને કારણે કુખ્યાત શાર્પ શૂટર એન્થોની જાપ્તામાંથી ફરાર થઇ જતાં ચકચાર મચી છે.
હોટેલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયો
વડોદરા પોલીસની વિવિધ ટીમ એન્થોનીને શોધવા માટે કાર્યરત કરાઇ છે. જ્યારે આ મામલે છોટાઉદેપુર પોલીસનો સ્ટાફ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એન્થોની છોટાઉદેપુર જિલ્લામાં એક વેપારી પાસેથી પશુઓને ખવડાવવાનું ભૂંસુ ખરીદી વેપારીને લાખો રૂપિયાની નકલી નોટો આપવાના કેસમાં છોટાઉદેપુર જેલમાં હતો. જ્યાંથી આજે એપેન્ડીક્સની સારવાર માટે તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં હોટેલમાં પોલીસ જાપ્તામાંથી એન્થોની ફરાર થઇ ગયો હતો.