શરદ પવારે પુત્રી સુપ્રિયા અને પ્રફુલ પટેલને NCPના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા; ભત્રીજા અજિત પવારને મોટો ફટકો
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ શનિવારે મોટો ફેરફાર કર્યો છે. NCP પ્રમુખ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. NCP ચીફ અજિત પવાર માટે આ નિર્ણય એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ શરદ પવારે પાર્ટી અધ્યક્ષની જવાબદારી છોડવાની જાહેરાત કરી હતી. જો કે કાર્યકરોની નારાજગી અને આગેવાનોની સમજાવટ બાદ તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. હવે પક્ષમાં બે નવા કાર્યકારી પ્રમુખ બનાવીને હાઈકમાન્ડે આશ્ચર્ય સર્જ્યું છે.
આજે NCPનો 25મો સ્થાપના દિવસ છે. પાર્ટી ચીફ શરદ પવારે કહ્યું, “આપણે બધાએ NCPને મજબૂત કરવા માટે કામ કરવું પડશે. પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલેને વર્કિંગ કમિટીના પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સુપ્રિયા સુલેને હરિયાણા અને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે.
શરદ પવારે વિપક્ષને સંદેશ આપતા કહ્યું કે, તમામ વિપક્ષી દળોએ એક સાથે આવવું પડશે, મને વિશ્વાસ છે કે આ દેશના લોકો અમારી મદદ કરશે. 23મીએ આપણે બધા બિહારમાં મળીશું, ચર્ચા કરીશું અને એક કાર્યક્રમ લઈને આવીશું અને દેશભરમાં ફરીશું અને લોકો સમક્ષ રજૂ કરીશું.
કોને કઈ જવાબદારી આપવામાં આવી?
NCP ચીફ શરદ પવારે સુપ્રિયા સુલેને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તેમજ મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, મહિલા યુવા અને લોકસભા સંકલન તરીકે નિયુક્ત કરીને એક સાથે અનેક જવાબદારીઓ આપી દીધી છે. પ્રફુલ પટેલને કાર્યકારી પ્રમુખની સાથે-સાથે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવાની જવાબદારી સોંપવામાં આવી છે. સુનીલ તટકરેને રાષ્ટ્રીય મહાસચિવ ઉપરાંત ઓડિશા, પશ્ચિમ બંગાળ, ખેડૂતો, લઘુમતી વિભાગના પ્રભારી બનાવવામાં આવ્યા છે. નંદા શાસ્ત્રીને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ અને ફૈઝલને તમિલનાડુ, તેલંગાણા અને કેરળ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો- ગુજરાત ATSએ કેવી રીતે ISના આતંકી મોડ્યૂલનો કર્યો પર્દાફાશ?
જાણો કોણ છે સુપ્રિયા સુલે?
સુપ્રિયા સુલે મહારાષ્ટ્રના જાણીતા રાજકારણી છે. હાલમાં તે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને બારામતીથી સંસદસભ્ય છે. સુપ્રિયા સુલે 2009થી બારામતી સીટથી સાંસદ છે. તે એનસીપી પ્રમુખ શરદ પવારની પુત્રી છે. સુપ્રિયા સુલે સ્પષ્ટપણે સંસદમાં પોતાના વિચારો વ્યક્ત કરે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. સુપ્રિયા સુલેનો જન્મ 30 જૂન 1969ના રોજ પુણેમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ સેન્ટ કોલંબિયા સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી સુપ્રિયા સુલેએ મુંબઈની જય હિંદ કોલેજમાંથી માઇક્રોબાયોલોજીમાં બીએસસીની ડિગ્રી મેળવી હતી.
સુપ્રિયાના લગ્ન બાળાસાહેબ ઠાકરેના ભત્રીજા સાથે થયા થયેલા છે
સુપ્રિયા સુલેના લગ્ન 4 માર્ચ 1991ના રોજ સદાનંદ ભાલચંદ્ર સુલે સાથે થયા હતા. તે સમયે સુપ્રિયા એક અખબારમાં પત્રકાર તરીકે કામ કરતી હતી. બંનેની મુલાકાત ફેમિલી ફ્રેન્ડની પાર્ટી દરમિયાન થઈ હતી. સદાનંદ સુલે શિવસેનાના સ્થાપક બાળ સાહેબ ઠાકરેના ભત્રીજા છે, તેથી સુપ્રિયા સુલે બાળ ઠાકરેને કાકા કહેતા હતા.
#WATCH NCP प्रमुख शरद पवार ने प्रफुल्ल पटेल और सुप्रिया सुले को पार्टी का कार्यकारी अध्यक्ष घोषित किया। pic.twitter.com/ObAzP3aluy
— ANI_HindiNews (@AHindinews) June 10, 2023
લગ્ન પછી સુપ્રિયા સુલે અને સદાનંદ વિદેશમાં રહેવા લાગ્યા. આ દરમિયાન સુપ્રિયાએ અમેરિકાની બર્કલે યુનિવર્સિટીમાંથી જળ પ્રદૂષણનો અભ્યાસ કર્યો. આ પછી બંને સિંગાપોર અને ઈન્ડોનેશિયામાં પણ રહ્યા હતા. સુપ્રિયા અને સદાનંદને બે બાળકો છે. પુત્રીનું નામ રેવતી અને પુત્રનું નામ વિજય છે.
સુપ્રિયા સુલેએ 2006માં રાજકારણમાં પગ મૂક્યો
સુપ્રિયા સુલેએ પ્રથમ વખત વર્ષ 2006માં રાજ્યસભાના સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તે 2009માં બારામતીથી સાંસદ બની હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં RSPના મહાદેવ જગન્નાથને 69 હજાર મતોથી હરાવીને સુપ્રિયા સુલે ફરી એકવાર સાંસદ બન્યા હતા.
પ્રફુલ પટેલની રાજકીય સફર-
પ્રફુલ્લ પટેલનો જન્મ મહારાષ્ટ્રના ગોંદિયામાં થયો હતો. તેમના પિતા મનોહરભાઈ પટેલ બીડીનો વ્યવસાય કરતા હતા. તે એક સફળ બિઝનેસમેન પણ હતા. આ સાથે મનોહરભાઈ ગોંદિયા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા. તેઓ ઈન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, યશવંત રાવ ચવ્હાણ અને બાબુભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતાઓના નજીકના ગણાતા હતા. પ્રફુલ્લ પટેલે તેમના પિતાના પગલે ચાલીને રાજકારણમાં પ્રવેશ કર્યો. જોકે મનોહરભાઈ પટેલનું અવસાન થયું ત્યારે પ્રફુલ્લ માત્ર 13 વર્ષના હતા. જ્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં શરદ પવારનું નામ મોટું થઈ રહ્યું હતું અને પ્રફુલ પટેલને પણ તેમની કંપની મળી હતી.
જાણો કોણ છે અજિત પવાર?
અજિત પવાર શરદ પવારના મોટા ભાઈ અનંતરાવ પવારના પુત્ર છે. અજિત પવારનો જન્મ 22 જુલાઈ 1959ના રોજ થયો હતો. અજિતના પિતા અનંતરાવ પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શક વી. શાંતારામ સાથે કામ કરી ચૂક્યા છે અને તેઓ ઈચ્છતા હતા કે અજિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવે પરંતુ અજિત પવારે તેમના કાકા શરદ પવારનો માર્ગ પસંદ કર્યો અને તેમના પગલે ચાલ્યા. 1982માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને સહકારી ખાંડ ફેક્ટરીનું બોર્ડમાં ચુંટાઈ આવ્યા. તેઓ પુણે જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ હતા. આ દરમિયાન લોકસભા સાંસદ તરીકે બારામતીથી ચૂંટાયા હતા પરંતુ પાછળથી તેમણે શરદ પવાર માટે બેઠક ખાલી કરી હતી.
અજિત પવારનું રાજકીય કાર્યસ્થળ બારામતી છે, જ્યાં શરદ પવાર પણ રાજકારણના ક્કો શીખ્યા હતા. અજિત પવાર 1991થી અત્યાર સુધી અહીંથી 7 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 2010માં કોંગ્રેસ-એનસીપી સરકારમાં અજિત પવાર પ્રથમ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. જોકે એક કૌભાંડના કારણે તેમને સપ્ટેમ્બર 2012માં રાજીનામું આપવું પડ્યું હતુ. જોકે NCPએ પાછળથી શ્વેતપત્ર બહાર પાડીને અજિત પવારને નિષ્કલંક જાહેર કર્યા હતા.