‘બાપુ’ના નિશાને ભાજપ, કહ્યું-‘રામ મંદિર બનાવવાથી કોઈને નોકરી નહીં મળે’
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર નિશાન સાધ્યુ છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે અયોધ્યાનું રામ મંદિર નિર્માણ ભાજપે મૂર્ખ બનાવવા માટે કરાવ્યું છે. રામ મંદિર બનાવવાથી શું ફરક પડે છે. શું રામ મંદિર બનવાથી કોઈને નોકરી મળશે.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું , ભાજપે હિન્દુઓનો ઠેકો લઈ રાખ્યો છે. રામ મંદિર બનાવવાથી શું ફરક પડે છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે હું મંદિરનો ટ્રસ્ટી પણ છું. રામ મંદિર માર્કેટિંગની વસ્તુ નથી અને ના તો ભારત માતા. મંદિર બનશે, તો લોકો દર્શન કરવા જશે. 500 ફૂટ ઉંચુ મંદિર બનાવી દો કે પછી સોનાનું બનાવો. સોમનાથમાં તો લગાવ્યુ જ છે પરંતુ તેની માર્કેટિંગ ના કરો, તેનો ઉપયોગ રાજનીતિમાં થઈ રહ્યો છે. અડવાણીજીની અયોધ્યા યાત્રા પૉલિટિકલ અચીવમેન્ટ માટે હતી. રામ મંદિર ભાજપે માત્ર પોતાની માટે બનાવ્યુ છે, લોકોને મૂર્ખ બનાવવા માટે બનાવ્યું છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ કે રામ મંદિર બનાવો કોઇ રોકી નથી રહ્યુ પરંતુ અમારા પેટૂ રામ એટલે રોજી રોટીની સમસ્યાનું હલ કાઢો. વાઘેલાએ નોકરીના મુદ્દાને ઉઠાવતા કહ્યુ કે બાળક બેકાર છે, તેને નોકરી આપો. ભ્રષ્ટાચાર વગર કોઈ કામ થતુ નથી, તેને પણ હટાવો. શિક્ષણની ફી આટલી વધી છે કે બાળકોને ભણાવી શકતા નથી. મા બીમાર છે, તેને હૉસ્પિટલમાં દાખલ કરાવી નથી શકતા. આમ આદમી પાર્ટી માટે આ છે રામ મંદિર. ભાજપે જનતા સાથે ચીટિંગ કરી છે. લવ જેહાદ પર વાઘેલાએ કહ્યુ કે હિન્દૂ લીડરોએ ઠેકો લઇ રાખ્યો છે, તેમની દીકરીએ ક્યા લગ્ન કર્યા છે? વાઘેલાએ દાવો કર્યો કે તે 100 એવા હિન્દૂ લીડરોને ઓળખે છે, જેમની દીકરીના લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા છે, તેમનું કહેવુ છે કે તેમણે મુસ્લિમ જમાઇ મંજૂર છે.