ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારની ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે


એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દારૂના નશામાં એક મહિલા પર પેશાબ કરનાર શંકર મિશ્રાની દિલ્હી પોલીસે બેંગલુરુથી ધરપકડ કરી છે.
Air India passenger urinating case of Nov 26 | Accused S Mishra has been arrested from Bengaluru, says Delhi Police pic.twitter.com/sPJJrVlO9j
— ANI (@ANI) January 7, 2023
મિશ્રાને ગઈકાલે રાત્રે બેંગલુરુથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગયા વર્ષે 26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી પહોંચી રહી હતી. આ દરમિયાન બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા શંકર મિશ્રાએ નશામાં ધૂત થઈને 70 વર્ષની મહિલા પર પેશાબ કર્યો હતો. તો મહિલાની ફરિયાદ મળ્યા બાદ, શંકર વિરુદ્ધ આઈપીસીની કલમ 354, 294, 509, 510 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
દિલ્હી પોલીસે શંકર મિશ્રાને શોધવા લોકેશન ટ્રેસ કરવાનું શરૂ કર્યું. મિશ્રાનું છેલ્લું લોકેશન બેંગલુરુમાં મળ્યું હતું, જેના આધારે તેની શોધખોળ કરવામાં આવી હતી. જોકે, મિશ્રા પોતાનો ફોન સ્વીચ ઓફ કરી રહ્યો હતો. તેમ છતાં પોલીસ તેના સુધી પહોંચી ગઈ અને તેની ધરપકડ કરવામાં આવી છે.

શંકર મિશ્રાને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો
અગાઉ શંકર મિશ્રા પર ગંભીર આરોપોને કારણે તે જ્યાં કામ કરતો હતો તે કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. કંપની વતી એક નિવેદન જારી કરીને કહ્યું કે, કંપની તેના કર્મચારીઓ પાસેથી વ્યાવસાયિક અને વ્યક્તિગત રીતે ઉચ્ચ વર્તનની અપેક્ષા રાખે છે. શંકર સામેના આરોપો ખૂબ જ પરેશાન કરનાર છે જેના કારણે તેમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. કંપનીએ એમ પણ કહ્યું કે અમે આ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું.
એરલાઈન તરફથી વળતર માટે ફરિયાદ
આ સમગ્ર મામલામાં શંકર મિશ્રાના વકીલોએ આરોપીનું નિવેદન રાખ્યું અને કહ્યું કે આ ઘટના બાદ મહિલાએ શંકરને માફ કરી દીધો હતો. વોટ્સએપ પરની ચેટ દ્વારા આની પુષ્ટિ થાય છે. આમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે શંકરે કપડાં ધોયા પછી ફરિયાદી મહિલાને મોકલ્યા હતા અને વળતર તરીકે 15,000 રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. જો કે બાદમાં મહિલાની પુત્રીએ આ રૂપિયા પરત કરી દીધા હતા. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે મહિલા દ્વારા ફરિયાદ માત્ર એટલા માટે કરવામાં આવી છે જેથી તે એરલાઈન્સ પાસેથી વળતર મેળવી શકે.