રૂપાલા ચૂંટણી લડવા અમરેલીથી રાજકોટ કેમ આવ્યા? ખબર હતી કે પ્રજા માથું વધેરી દેત: શક્તિસિંહ
રાજકોટઃ 24 માર્ચ 2024, આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ રાજકોટ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. તેમણે ભાજપને કટાક્ષ સાથે સલાવો કરતા પૂછ્યું હતું કે, 5 લાખ મતની લીડથી જીતવાનું છે, તો વડોદરા અને છોટાઉદેપુરના ઉમેદવારો કેમ ચૂંટણી લડવાની ના પાડે છે? રૂપાલા જો મજબૂત છે તો અમરેલીથી કેમ ન લડ્યા? અમરેલીથી લડ્યા હોત તો પ્રજા તેમનું માથું વધેરી લેત.
અમરેલીની જનતા ઓળખી ગઇ છે અને માથું વધેરી લેત
શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારે ત્યાં કોઈ કોકડા ગૂંચવાતા નથી. જ્યાં ગૂંચવાય છે, ત્યાં પ્રશ્ન પૂછવો જોઈએ કે જો 5-5 લાખ મતથી જીત હોય તો ઉમેદવારોને પ્રેશર કરીને કેમ બોલાવડાવો છો કે મારે ચૂંટણી લડવી નથી. ગુજરાતનાં લોકોનો આભારી છું કે, એકતરફ બધી તાકાતો લગાડવામાં આવી હોવા છતાય જનતાનાં આશીર્વાદ અને પ્રેમ કોંગ્રેસને મળી રહ્યાં છે. બનાસકાંઠા, પાટણ, વલસાડ, જામનગર, અમરેલી સહિતની બેઠક પર લોકોનો પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યો છે. રે ભાજપને કહેવું છે કે, જનતાનાં આશીર્વાદ અમારી સાથે છે, યે પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ, અંદર ક્યા હૈ બાહર ક્યા હે સબ પહેચાનતી હે’, લોકો આ બધું જુએ છે અને વગર પૈસે પણ ગુજરાતની અને દેશની જનતા કોંગ્રેસને જ મત આપશે. વડોદરા-સાબરકાંઠામાં ચૂંટણી લડવાની ઉમેદવારો ના પાડે છે. રૂપાલા અમરેલી બેઠક ઉપર કેમ ન લડ્યા? તેને ખબર હતી કે, અમરેલીની જનતા ઓળખી ગઇ છે અને માથું વધેરી લેત એટલે જ તેઓ રાજકોટ આવ્યા છે.
ટિકિટ તેઓને આપવામાં આવશે જે સક્ષમ અને મજબૂત હશે
તેમને રાજકોટ કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અંગે પૂછતાં રાજકારણમાં સંભવિત જેવું કંઈ હોય નહીં જ્યારે હાઈકમાન્ડ દ્વારા નામ ફાઇનલ કરવામાં આવશે. કોંગ્રેસમાં જૂથવાદ હોવાની વાતો વચ્ચે વ્હાલા-દવલાની નીતિથી ટિકિટ આપવામાં આવશે, તેવી ચાલતી ચર્ચાઓનો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે છેદ ઉડાવી દીધો છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, હું પ્રદેશનો પ્રમુખ છું, મારા અંગત સંબંધો અનેક નેતાઓ સાથે છે. પારિવારિક સંબંધો પણ ઘણા સાથે છે. પરંતુ ટિકિટ તેઓને આપવામાં આવશે જે સક્ષમ અને મજબૂત હશે. મારી પાસે અને પ્રભારી પાસે એવા લોકોની જ રજૂઆત કરજો જેઓ સક્ષમ હોય અને મજબૂત હોય. મારી પાસે નામ આવશે તેનું પણ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે અને પછી જ ફાઇનલ યાદી જાહેર કરવામાં આવશે. કોઈ જગ્યાએ ઉતાવળથી નિર્ણય કરવામાં નહીં આવે.
સોશિયલ મીડિયામાં શિસ્તનું ઉલ્લંઘન કરશે તો પગલાં લેવાશે
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જાહેરમાં કે કોઈ સોશિયલ મીડિયામાં શિસ્તનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે શિસ્ત સમિતિ કડક પગલાં લેશે. કોઈપણ મોટો નેતા હોય તેમની સામે પગલા લેવાશે. કોંગ્રેસપક્ષ દ્વારા અશિસ્ત ચલાવી લેવામાં આવશે નહીં. આજે મળેલી બેઠકમાં કાર્યકરોએ રાજકોટના પ્રભારી ભીખુભાઈ વારોતરિયા અને પૂંજા વંશ સામે બળાપો કાઢ્યો હતો. કાર્યકરોની વાત સાંભળવામાં ન આવતી હોવાની શક્તિસિંહ સમક્ષ ફરિયાદ કરી હતી. શક્તિસિંહ ગોહિલે બન્ને પ્રભારીઓને નિરીક્ષક તરીકે કાર્યકરોને સાંભળવા આદેશ આપ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નિવેદન પર સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પલટવાર કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, શક્તિસિંહ ગોહિલ પરસોત્તમ રૂપાલાને આયાતી ઉમેદવાર કહી રહ્યાં છે, તો તમે પણ ભાવનગરથી કચ્છ સુધી લડવા માટે ગયા હતા. તમારા રાહુલ ગાંધી અમેઠીથી છેક વાયનાડ સુધી લડવા માટે ગયા હતા. અમારા રૂપાલા તો માત્ર અમરેલીથી રાજકોટ 100 કિલોમીટર દૂર લડવા માટે આવ્યા છે.
આ પણ વાંચોઃગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે હાઈકમાન્ડને ઉમેદવારોના નામ મોકલ્યા