ગુજરાતમાં મહિલાઓ માટે તમામ જિલ્લાઓમાં ‘શક્તિ સદન’નું નિર્માણ થશે
- સદનમાં રહેઠાણ સાથે પીડિતાઓને પગભર બનાવવા સરકારનો નિર્ણય
- 12 વર્ષ સુધીના દિકરાને સાથે રાખી શકે તેવી પણ જોગવાઈ
- હાલમાં ગાંધીનગર, સુરેન્દ્રનગર અને આણંદ એમ માત્ર 3 જ શક્તિ સદન
ગુજરાતમાં મહિલાઓ માટે તમામ જિલ્લાઓમાં ‘શક્તિ સદન’નું નિર્માણ થશે. જેમાં ઘરેલુ હિંસા, હ્યુમન ટ્રાફિકિંગની પીડિતા માટે દરેક જિલ્લામાં શક્તિ સદન બનશે. દેહ વ્યાપરમાંથી આવેલી બહેનોને પણ 3 વર્ષ સુધી આશ્રય અપાશે. તથા શક્તિ સદનમાં રહેઠાણ સાથે પીડિતાઓને પગભર બનાવવા સરકારનો નિર્ણય છે. 12 વર્ષ સુધીના દિકરાને સાથે રાખી શકે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાની જોરદાર એન્ટ્રી, જાણો ક્યા કેટલો ખાબક્યો મેઘો
બહેનો માટે તમામ જિલ્લાઓમાં ‘શક્તિ સદન’નું નિર્માણ થશે
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગે ઘરેલું હિંસા, હ્યુમન ટ્રાફિકિંગનો ભોગ બનેલી તેમજ દેહ વ્યપારમાંથી આવેલી પિડિતાઓના આશ્રય સાથે તેમને પગભર કરીને સમાજ જીવનમાં પુનઃ સ્થાપિત માટે કરવા મહત્વનો નિર્ણય કર્યો છે. આવી બહેનો માટે તમામ જિલ્લાઓમાં ‘શક્તિ સદન’નું નિર્માણ થશે. જ્યાં મુશ્કેલીઓના સંજોગોમાં મહિલાઓ ત્રણ વર્ષ સુધી રહી શકશે.
આ પણ વાંચો: ગુજરાત: ઊંઝા તાલુકામાંથી આવતુ જીરું ખરીદતા લોકો માટે ચોંકાવનારા સમાચાર
ગુજરાતમાં હાલમાં માત્ર ત્રણ જ જિલ્લામાં શક્તિ સદન
ગુજરાતમાં હાલમાં માત્ર ત્રણ જ જિલ્લામાં શક્તિ સદન છે. નાયબ સચિવ જયશ્રી વસાવાની સહીથી પ્રસિધ્ધ ઠરાવમાં મહત્તમ 50 મહિલાઓને રાખી શકાય તેવા સદન માટે જોગવાઈ અને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આ યોજના મારફતે પોલીસ, માનવ તસ્કરી વિરોધી એકમો, વુમન હેલ્પ ડેસ્ક, સખી વન સ્ટેપ સેન્ટર અને સ્વૈછિક સંસ્થાઓ, મહિલા જુથો, યુવા જુથો, પંચાયતો કે પછી હોટેલ્સ અને ટુર ઓપરેટરોના નેટવર્કના સંકલનમાંથી મળી આવતી પિડીતાને પાંચ દિવસથી લઈને જરૂરીયાતવાળી મહિલાને ત્રણ વર્ષ સુધી શક્તિ સદનમાં આશ્રય મળશે. જ્યાં આવી મહિલાઓને પાયાની જરૂરીયાતો જેવી કે ખોરાક, કપડા અને અંગત ઉપયોગની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવાશે. તેમજ તેમને પગભર બનાવવા વિવિધ સરકારી યોજનાઓ થકી મદદ કરાવાશે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાને પેપરલેસ કરવાની દિશામાં આગવી પહેલ
મહિલા પોતાની અપરણિત કોઈ પણ વયની દિકરીને સાથે રાખી શકશે
જો કોઈ મહિલાને ત્રણ વર્ષથી વધુ સમય શક્તિ સદનમાં રહેવુ હોય તો જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરીને આધિન સમયગાળો વધી શકશે. મહિલા પોતાની અપરણિત કોઈ પણ વયની દિકરી અને 12 વર્ષ સુધીના દિકરાને સાથે રાખી શકે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં ગાંધીનગર, સુરેન્દ્રનગર અને આણંદ એમ માત્ર 3 જ શક્તિ સદન અસ્તિત્વમાં છે. જ્યાં 44 ત્યક્તા બહેનો, હ્યુમન ટ્રાફિંકિંગનો ભોગ બનેલી બે અને ઘરેલુ હિંસાનો ભોગ બનેલી 14 એમ કુલ 60 બહેનોને આશ્રાય અપાયો છે. છ બાળકોને પણ શક્તિ સદનમાં માતા સાથે રાખવામાં આવી રહ્યા છે.