T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

ભરી પ્રેસ કોન્ફરન્સમાં શાકીબે સહેવાગનું કર્યું અપમાન; હવે સહેવાગના જવાબની રાહ

14 જૂન, અમદાવાદ: બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાકીબ અલ હસન પોતાના તુમાખીભર્યા સ્વભાવ માટે જાણીતો છે. પરંતુ ગઈકાલે તો તેણે હદ વટાવી દીધી હતી. ભરી પ્રેસ કોન્ફરન્સમાં શાકીબે સહેવાગનું અપમાન કરી દીધું હતું. પરંતુ શાકીબે આવું કેમ કર્યું એ જાણવા માટે આપણે બે દિવસ પહેલાનાં ઘટનાક્રમ પર નજર દોડાવવી પડશે.

સાઉથ આફ્રિકા સામે જ્યારે બાંગ્લાદેશની હાર થઇ ત્યારે એક ક્રિકેટ વેબસાઈટના ટીવી પ્રોગ્રામમાં ભારતના ભૂતપૂર્વ ઓપનીંગ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે શાકીબનો ઉધડો લઇ લીધો હતો. સહેવાગે કહ્યું હતું કે જો શાકીબ પોતાની ટીમને જીતાડી ન શકતો હોય તો તેને પોતાની જાત પર શરમ આવવી જોઈએ અને રીટાયર થઇ જવું જોઈએ.

વીરેન્દ્ર સહેવાગે કહ્યું હતું કે શાકીબ એ મેથ્યુ હેડન કે પછી આડમ ગીલક્રીસ્ટ નથી કે તે પુલ શોટ્સ આરામથી રમી શકે. તે બાંગ્લાદેશનો ખેલાડી છે આથી તેણે પોતાની ક્ષમતા અનુસાર શોટ સિલેક્શન કરવું જોઈએ. સહેવાગનો કહેવાનો મતલબ એ હતો કે શાકીબ અલ હસને જે રીતે વિકેટ ફેંકી દીધી તે પ્રમાણે તેણે કરવું જોઈતું ન હતું.

હવે ગઈકાલે બાંગ્લાદેશની મેચ નેધરલેન્ડ્સ સામે હતી. આ મેચમાં શાકીબે હાફ સેન્ચુરી મારી હતી અને પોતાની ટીમને જીતાડી દીધી હતી. મેચ બાદ જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઇ હતી ત્યારે બાંગ્લાદેશના કોઈ પત્રકારે તેને બાંગ્લા ભાષામાં પૂછ્યું હતું કે વીરેન્દ્ર સહેવાગે તમારા વિશે જે કહ્યું છે એ બાબતે તમે શું કહેશો?

આ પ્રશ્નના જવાબમાં શાકીબની ઉદ્ધતાઈ સામે આવી ગઈ હતી. ભરી પ્રેસ કોન્ફરન્સમાં શાકીબે સહેવાગનું અપમાન કરતાં પૂછ્યું હતું, ‘કોણ સહેવાગ?’ દુનિયા આખી જાણે છે કે વીરેન્દ્ર સહેવાગ કોણ છે. સહેવાગે પોતાની કરિયરમાં વિશ્વભરના ટોચના ફાસ્ટ બોલર્સ તેમજ સ્પિનર્સને પોતાની આક્રમક બેટિંગ દ્વારા આંખે પાણી લાવી દીધા હતા.

હવે આવા સહેવાગ વિશે જ્યારે શાકીબ એમ પૂછે કે કોણ સહેવાગ ત્યારે કોઈ પણ ક્રિકેટ ફેનને આ  બાબતે સહેવાગનું અપમાન થયું હોવાનું લાગે તેમાં શંકા નથી. શાકીબનો રેકોર્ડ પણ સારો નથી. ભૂતકાળમાં બાંગ્લાદેશમાં લીગ ક્રિકેટ રમતા તેણે પોતાને ગમતું ડિસીઝન ન આપનાર અમ્પાયરો સાથે વારંવાર ઝઘડા કર્યા છે અને સ્ટમ્પસને લાત મારી હોય એવા દાખલા પણ બન્યા છે.

હાલમાં જ શાકીબે ઢાકામાં પોતાની સાથે સેલ્ફી લેવા ઈચ્છતા એક ફેનને ધક્કો માર્યો હોવાનો વિડીયો પણ જોવા મળ્યો હતો. વીરેન્દ્ર સહેવાગ પણ તડ અને ફડ કરવામાં માને છે  આથી હવે ચાહકોને તેના જવાબની રાહ છે.

Back to top button