અમેરિકાને કહો, ભારતીયોને આવી રીતે હાથકડી પહેરાવીને ન મોકલે, તેમને નોર્મલ ફ્લાઈટમાં મોકલો: કોંગ્રેસના દિગ્ગજ સાંસદે અવાજ ઉઠાવ્યો
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/shashi-tharoor.jpg)
નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2025: બુધવાર બપોરે એક અમેરિકી સૈન્ય વિમાન અમૃતસર એરપોર્ટ પર 104 ભારતીયોને મુકીને પાછું જતું રહ્યું. વિમાનમાંથી જે લોકો નીકળ્યા તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ લોકોને તેમના દેશ પરત મોકલી દેવાના આદેશ આપ્યા છે. ત્યારે હવે આ કાર્યવાહી અંતર્ગત ભારતના લોકોને પણ પાછા મોકલવામાં આવી રહ્યા છે.
વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે, અમેરિકામાંથી નિર્વાસિત કરવામાં આવી રહેલા ભારતીયોને હાથકડી અને ઝંઝીરોમાં બાંધીને લાવવામાં આવી રહ્યા છે. આ મામલા પર વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. આ દરમ્યાન કોંગ્રેસ સાંસદ અને વિદેશી મામલા પર બનેલી સંસદીય સમિતિના ચેરમેન શશિ થરુરનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકાને ગેરકાયદેસર ભારતીય પ્રવાસીઓને પાછા મોકલવાનો પુરો અધિકાર છે, પણ આ લોકોને હાથકડી કે સાંકળ બાંધીને ન લાવવા જોઈએ, તેમને સૈન્ય વિમાનમાં પણ ન લાવવા જોઈએ.
ઈંડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા શશિ થરુરે કહ્યું કે, મેં સાંભળ્યું છે કે, તેમને સૈન્ય વિમાનમાંથી પાછા મોકલવામાં આવ્યા છે. આ વાત યોગ્ય નથી. અમેરિકાને આ ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા ભારત મોકલવાનો પુરો અધિકાર છે, પમ આવી રીતે મોકલવા ખોટી વાત છે. સારુ થશે કે અમેરિકા સૈન્ય વિમાનની જગ્યાએ રેગ્યુલર કોમર્શિયલ ફ્લાઈટથી તેમને મોકલે.
હાથકડી પહેરાવાની જરુર નથી
થરુરે એવું પણ કહ્યું કે, હું સરકાર પાસે આશા રાખું છું કે તેઓ અમેરિકા સાથે વાત કરે અને કહે કે, તમારે આ લોકોને સૈન્ય વિમાનમાં મોકલવાની જરુર નથી.તેમને હાથકડી પહેરાવાની પણ જરુર નથી. આ લોકો અપરાધી નથી. તેમની ભૂલ એટલી જ છે આ લોકો ગેરકાયદેસર રીતે આપની જમીન પર આવ્યા. હવે તેમને અમારી ધરતી પર લાવવામાં આવી રહ્યા છે તો તેમને હાથકડી પહેરાવાની જરુર નથી.
આ પણ વાંચો: વિદેશમાં રહેવાના સપના પર પાણી ફરી વળ્યું: અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા