વિશેષસ્પોર્ટસ

કાગડો રામ બોલ્યો! શાહિદ આફ્રિદીએ IPLના વખાણ કર્યા

Text To Speech

14 જૂન, અમદાવાદ: આપણે અત્યારસુધી જોયું છે કે મોટાભાગના પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો ઇન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે IPLની ટીકા કરતા હોય છે. આ ઉપરાંત તેઓ પોતાની PSLમાં ટોપ ક્લાસ ખેલાડીઓ રમવા ન આવતા હોવાથી જે વિદેશી ખેલાડીઓ IPL રમે છે તે દેશ માટે નથી રમતા એવું ધુપ્પલ પણ ચલાવતા હોય છે. પરંતુ હવે પાકિસ્તાનના જ પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ IPLના વખાણ કર્યા છે.

શાહિદ આફ્રિદીએ એક પોડકાસ્ટમાં જ્યારે IPL અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે કહ્યું હતું કે IPLને કારણે હવે ક્રિકેટ એક બિઝનેસ બની ગયો છે. આફ્રિદીનું માનવું છે કે પહેલા ક્રિકેટ માત્ર રમત હતી પરંતુ હવે તે બિઝનેસ બની ગઈ છે. જોકે આફ્રિદી એમ કહેવાથી ચૂક્યો ન હતો કે તેનાથી છેવટે ક્રિકેટ અને ક્રિકેટરોને જ ફાયદો થયો છે.

ક્રિકેટને આગળ વધારવા અંગે શાહિદ આફ્રિદીએ IPLના વખાણ કરતાં કહ્યું હતું કે તેને કારણે વિશ્વભરમાં નાની-મોટી લીગ્સ રમાવાની શરુ થઇ ગઈ છે. આથી ખેલાડીઓ પાસે વિવિધ વિકલ્પો આવ્યા છે. આ લીગ્સને લીધે ક્રિકેટનું સ્તર પણ ઊંચું આવ્યું છે અને હવે ક્રિકેટમાં મોટા સ્કોર્સ જોવા મળી રહ્યા છે.

આફ્રિદીનું કહેવું હતું કે અગાઉ જ્યારે તે રમતો ત્યારે ફક્ત ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાંથી ખૂબ પૈસો મળતો. ક્રિકેટરો કાઉન્ટી ક્રિકેટ રમીને વધારાના પૈસા કમાવવાની ઈચ્છા તો રાખતા પરંતુ આ કાઉન્ટી ક્રિકેટ છ મહીના સુધી ચાલતું એટલે ઘણા ક્રિકેટરો તેની અવગણના કરતા. પરંતુ હવે ઘણાબધા દેશોમાં T20 લીગ્સ ચાલુ થઇ ગઈ હોવાને કારણે ખેલાડીઓને લાંબો સમય જે-તે દેશમાં રહેવું પણ નથી પડતું અને ખૂબ પૈસા મળે છે.

જોકે આફ્રિદીએ દેશ માટે રમવાને પ્રાથમિકતા આપી હતી. તેનું કહેવું હતું કે દેશ માટે રમવાથી જે સંતોષ મળે છે તે લીગ ક્રિકેટ રમવાથી મળતો નથી, તેમ છતાં જે ખેલાડીઓને દેશ માટે રમવાની તક નથી મળતી તે આ લીગ્સમાં રમીને પોતાનું ટેલેન્ટ દર્શાવે છે જે છેવટે તો તેના ફાયદામાં જ હોય છે.

અત્રે એ નોંધનીય છે કે શાહિદ આફ્રિદી 2008માં રમાયેલી પ્રથમ IPLમાં ડેક્કન ચાર્જર્સ ટીમનો હિસ્સો રહ્યો હતો. પરંતુ મુંબઈના આતંકવાદી હુમલાઓ બાદ હવે પાકિસ્તાનીઓને IPLમાં લેવામાં આવતા નથી. આથી મોટાભાગના હાલના અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો કાયમ IPL વિરુદ્ધ વિષવમન કરતા રહેતા હોય છે.

આ પણ વાંચોઃ પૂર્વ સાથી ખેલાડી દ્વારા બાબરની આકરી ટીકા એક વિડીયો દ્વારા વાયરલ થઇ

Back to top button