શાહી ઠાઠ વાળો કેમ્પ : પચીસ વર્ષથી સેવામાં જુનાડીસા નવયુવક મિત્ર મંડળ અને લાભ ગ્રુપ
પાલનપુર: પદયાત્રા થકી અંબાજી જતા પદયાત્રીઓની સેવામાં પાલનપુર અંબાજી માર્ગ પર અનેક સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે. જ્યાં છેલ્લા 25 વર્ષથી પદયાત્રીઓની એકધારી સેવામાં કાર્યરત અને શાહી ઠાઠવાળો જુનાડીસા નવયુવક મિત્ર મંડળ અને લાભ ગ્રુપ કાણોદરનો સેવા કેમ્પ પણ પદયાત્રીઓની સેવામાં ધમધમી રહ્યો છે. આ સેવા કેમ્પમાં પૂરી,શાક, દાળ, ભાત અને મિષ્ઠાન સાથેનો પાકું ભોજન માઈ ભક્તોને પીરસવામાં આવી રહ્યું છે. જ્યાં પદયાત્રીઓ ભોજન પ્રસાદ લઈને સંતોષનો ઓડકાર ખાય છે.
કેમ્પના સેવાભાવી અગ્રણી અમિતભાઈ ત્રિવેદી એ જણાવ્યું હતું કે, અમારા સ્વયંસેવકો રાત- દિવસ પદયાત્રીઓની સેવામાં જોડાયેલા છે. અને 25 વર્ષથી અમને પદયાત્રીઓની સેવાનો લાભ મળે છે. આ કેમ્પમાં સોફા તેમજ થાકેલા પદયાત્રીઓને આરામ મળી રહે તે માટે સુવા માટેની ગાદલાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મા અંબાના ગરબાના તાલે માઈ ભક્તો ગરબે ઘૂમીને માનસિક રીતે હળવા થાય છે. અમારા કેમ્પના સ્વયંસેવકો જય અંબે… જય માતાજી… કરી કહીને પદયાત્રીઓને સેવાનો લાભ આપવા સતત વિનંતીઓ કરે છે. અમો આ સેવાથી ધન્યતાની લાગણી અનુભવીએ છીએ.