ફેન્સના વિરોધના વંટોળ વચ્ચે શાહીન આફ્રિદીની ફેન્સને દર્દભરી અપીલ
15 જૂન, કરાચી: આમતો પાકિસ્તાન હાલમાં ચાલી રહેલા ICC T20 World Cup 2024માંથી બહાર નીકળી ગયું છે. પરંતુ જ્યારે આ હકીકત લગભગ સત્ય સાબિત થવાની ભીતિ હતી ત્યારે જ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીની ફેન્સને એક દર્દભરી અપીલ કરવામાં આવી હતી જે અત્યારે સામે આવી છે.
આપણે જાણીએ છીએ કે જ્યારે પાકિસ્તાન આ વર્લ્ડ કપની તેની સહુથી પહેલી મેચ યુએસએ સામે સુપર ઓવરમાં હારી ગયું હતું ત્યારથી જ તેના માથે એલિમિનેશનનની તલવાર તોળાઈ રહી હતી. આ મેચ બાદ ભારત સામે પાકિસ્તાન 120 બોલ્સમાં 120 રન્સ પણ બનાવી શક્યું ન હતું. આટલું ઓછું હોય તેમ કેનેડા સામે 14 ઓવર્સની અંદર જીતવાની મેચ તેણે 18મી ઓવરમાં જીતી હતી. બાકી હતું તે ગઈકાલની મેચમાં પડેલાં વરસાદે પૂરું કરી દીધું હતું.
આમ દરેક પરીક્ષામાં પાકિસ્તાની ટીમ અને તેના ખેલાડીઓ નપાસ થઇ હતી. સ્વાભાવિક છે કે આ પ્રકારના પ્રદર્શન બાદ પાકિસ્તાની ફેન્સ ટીમ પર ગુસ્સે થાય. પરંતુ શાહીન આફ્રિદીની ફેન્સને અપીલ એવી છે કે તેઓ ટીમને પોતાનો સપોર્ટ ચાલુ રાખે. આફ્રીદીનું કહેવું છે કે જો ફેન્સ પણ પાકિસ્તાની ક્રિકેટ ટીમ અને ક્રિકેટરોની અપમાનજનક ભાષામાં ટીકા કરશે તો તેમનામાં અને પાકિસ્તાની મિડિયા વચ્ચે શો ફર્ક રહી જશે.
પાકિસ્તાની મીડિયા છેલ્લા ત્રણેક વર્ષોથી પાકિસ્તાની ટીમની દરેક હાર પર તેની મજાક ઉડાવતું આવ્યું છે અને કેટલાક મીડિયા પર્સનતો ટીમનું અપમાન થાય એવી ભાષામાં લાઈવ ટીવી પર વાત કરતા હોય છે.
આફ્રીદીએ કહ્યું હતું કે સાચા ફેન્સ એ નથી હોતા જે ટીમને તેના સારા સમયમાં સમર્થન કરે, સાચા ફેન્સ એ હોય છે જે ટીમના સહુથી ખરાબ કાળમાં તેનું સમર્થન કરે. આફ્રિદીએ આગળ કહ્યું હતું કે અમે કોઈ ગલીની ક્રિકેટ ટીમ નથી, અમે પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમ છીએ અને અમને ખ્યાલ છે કે અમારે આ તકલીફમાંથી બહાર કેવી રીતે આવવું.
પાકિસ્તાનની ટીમની આજની આ શરમજનક પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ એટલેકે PCB બહુ આકરા નિર્ણયો લેવાની તૈયારી કરી રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. પરંતુ આવું તો ગયા વર્ષે ભારતમાં રમાયેલા પચાસ ઓવર્સના વર્લ્ડ કપ બાદ પણ સાંભળવામાં આવ્યું હતું, પરંતુ છેવટે તો બધું ઠેરનું ઠેર જ રહી ગયું હતું.