T20 World Cup પહેલાં પાકિસ્તાની ટીમમાં શાહીન આફ્રીદી વિશે વિવાદ
26 મે, લાહોર: પાકિસ્તાન ક્રિકેટ અને વિવાદ વચ્ચેનો સંબંધ એટલો પાક્કો છે કે PCBનો એકપણ નિર્ણય વિવાદ વગરનો હોતો નથી. તાજો વિવાદ છે ટીમના ફાસ્ટ બોલર શાહીન આફ્રીદી વિશે. એવું જાણવામાં આવ્યું છે કે શાહીન આફ્રીદીએ T20 World Cupની PCBની ટીમના વાઈસ કેપ્ટન બનવાની ઓફરને નકારી દીધી છે. પરંતુ PCBના સૂત્રે આવી કશી ઓફર કરવામાં આવી હોય તે વાતને જ ઉડાડી દીધી છે.
અત્રે એ નોંધનીય છે કે ભારતમાં રમાયેલા ICC World Cupમાં બાબર આઝમની કપ્તાની હેઠળ પાકિસ્તાની ટીમ સેમીફાઈનલમાં પણ પ્રવેશી શકી ન હતી. ત્યારબાદ ટીમમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા હતા અને ટેસ્ટ અને વનડે તેમજ T20 માટે અલગ અલગ કેપ્ટનની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં શાહીન આફ્રીદીને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ પાકિસ્તાની ટીમ ન્યુઝીલેન્ડ સામે T20 સિરીઝ રમવા ગઈ હતી જેમાં તેમની શરમજનક હાર થઇ હતી. બસ આ એક જ સિરીઝની હાર બાદ PCBએ ફરીથી બાબર આઝમને વનડે અને T20નો કેપ્ટન બનાવી દીધો હતો. સ્વાભાવિક છે કે ફક્ત એક જ સિરીઝના પરિણામ બાદ પોતાને કાઢી મુકવામાં આવ્યો હોવાથી શાહીન આફ્રીદી નારાજ હોય.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સિલેક્ટરોએ આવનારા T20 World Cup માટે શાહીન આફ્રિદીને બાબર આઝમના વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની ઓફર આપી હતી પરંતુ શાહીને આ ઓફરને એક ઝાટકે નકારી દીધી હતી. આ પાછળનું કારણ તેની નારાજગી જણાવવામાં આવ્યું છે.
પરંતુ પાકિસ્તાન ક્રિકેટમાં જેમ કાયમ બનતું આવ્યું છે તેમ આ માહિતી લીક થઇ જતાં PCBએ શાહીન આફ્રીદી વિશે કહ્યું છે કે તેને આવી કોઈ ઓફર કરવામાં જ આવી નથી. પાકિસ્તાની મીડિયા સાથે PCBના એક સૂત્રે ચર્ચા કરી હતી કે તમામ સિલેક્ટર્સ તેમજ બોર્ડના અધ્યક્ષ આ સમાચાર સાંભળીને આઘાત પામી ગયા છે.
આ પાછળનું કારણ અપાતા એ સૂત્રે જણાવ્યું હતું કે શાહીન શાહ આફ્રીદીને આવી કોઈ ઓફર કરવામાં જ આવી નથી. તેણે કહ્યું હતું કે સિલેક્શન એક ઓનલાઈન મિટિંગ દ્વારા કરવામાં આવ્યું હતું અને વાઈસ કેપ્ટન અંગે કોઈજ ચર્ચા કરવામાં આવી ન હતી. સૂત્રનું કહેવું હતું કે બોર્ડ પાસે આ મિટિંગની મિનીટ્સ પણ છે.
આ તમામ ઘટનાક્રમ છેવટે તો એ બાબતે ઈશારો કરે છે કે આવનારા T20 World Cupમાં બાબર આઝમ ઈજાગ્રસ્ત થયો તો પાકિસ્તાન પાસે કોઈ વાઈસ કેપ્ટન નહીં હોય.