ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનની શાહબાઝ સરકારે ઈમરાન ખાનની પાર્ટી PTI પર પ્રતિબંધ લગાવવાનો લીધો નિર્ણય

Text To Speech
  • PTI દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાના આરોપ હેઠળ પાકિસ્તાન સરકારે આ નિર્ણય લેવાનું નક્કી કર્યું 

ઇસ્લામાબાદ, 15 જુલાઇ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઑ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પાકિસ્તાન સરકારે આજે સોમવારે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(PTI) પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરારે કહ્યું કે, ‘પાકિસ્તાન સરકાર દેશ વિરોધી પ્રવૃત્તિઓના આરોપમાં જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પર પ્રતિબંધ લગાવશે.’ 71 વર્ષના ઈમરાન ખાનને બે કેસમાં જેલની સજા થઈ છે. હાલમાં તે રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, તરારે PTIની હાજરી વિના દેશને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે, “સરકારે PTI પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.” તેમણે સરકારના નિર્ણય પાછળ “વિશ્વસનીય પુરાવા” ટાંક્યા હતા. સરકારનો આ નિર્ણય અનામત સીટોના ​​મામલામાં PTIને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત તેમજ ગેરકાયદેસર લગ્નના કેસમાં ખાનને આપવામાં આવેલી રાહત બાદ આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ ઈમરાન ખાનના રાજકીય અસ્તિત્વને ખતમ કરવાની તૈયારી છે, જેથી તેઓ તેમની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવી ન શકે.

સરકારને PTI પર પ્રતિબંધ મૂકવાનો કોઈ અધિકાર નથી: ઈમરાન ખાનના પ્રવક્તા

કાયદાકીય બાબતો અંગે, ‘ઈમરાન ખાનના પ્રવક્તા નઈમ હૈદર પંજુથાએ માહિતી પ્રધાન અત્તાઉલ્લાહ તરારની પ્રેસ કોન્ફરન્સનો જવાબ આપતા કહ્યું હતું કે, સરકારને PTI પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર નથી.’ સરકારનો દાવો છે કે, ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓએ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે પાકિસ્તાનની સમજૂતીને નિષ્ફળ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો. જેના કારણે દેશને IMF પાસેથી મદદ મળી શકી નથી.

અગાઉ, રવિવારે, પાકિસ્તાનની અદાલતે કથિત ભ્રષ્ટાચારના નવા કેસની તપાસ માટે જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓને આઠ દિવસની કસ્ટડી માટે સોંપ્યા હતા.

આ પણ જૂઓ: 1976માં ન્યૂયોર્કમાં જગન્નાથ યાત્રામાં ટ્રમ્પે કરી હતી મદદ, જેને યાદ કરી જુઓ શું કહ્યું ઈસ્કોને?

Back to top button