19 મે , ગુવાહાટી: રાહુલ દ્રવિડના ટીમ ઇન્ડિયાના કોચ તરીકે પોતાના કાર્યકાળને લંબાવવાથી ના પાડ્યા બાદ BCCIએ નવા કોચ માટે જાહેરાત આપી દીધી હતી. પરંતુ થોડા દિવસ અગાઉ સમાચાર આવ્યા હતા કે BCCIએ સામે ચાલીને ગૌતમ ગંભીરને કોચ બનવા માટે આમંત્રણ આપ્યું છે. પરંતુ જો ગંભીર આ ઓફર સ્વીકારશે તો તેના માટે સમસ્યા ઉભી થઇ શકે તેમ છે. ગૌતમ ગંભીરે શાહરૂખને આપેલું વચન તેણે યાદ કરવું પડશે.
ગૌતમ ગંભીરના સાવ નજીકના એક મિત્રએ આ બાબતનો ખુલાસો કર્યો હતો. ગયા વર્ષે જ્યારે ગૌતમ ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો ત્યારે તેને કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર બનાવવાની ઓફર આપવા શાહરૂખ ખાને તેને ખાસ મુંબઈ બોલાવ્યો હતો. આ મુલાકાત દરમ્યાન ગંભીરે શાહરુખને આપેલું એક વચન આ મિત્રને યાદ છે.
એવું કહેવાય છે કે શાહરૂખ ખાને ગૌતમ ગંભીરને કહ્યું હતું કે તે ગંભીરને આવતા દસ વર્ષ માટે KKRનો કોચ બનાવવા માંગે છે. ત્યાર બાદ શાહરૂખે સાંભળ્યા અનુસાર ગંભીર સામે કોરો ચેક મૂકી દીધો હતો અને કહ્યું હતું કે તે આ ચેકમાં ઈચ્છે તેટલી રકમ ભરી શકે છે. ગૌતમ ગંભીરે કેટલી રકમ ભરી તે તો ખબર નથી પરંતુ તેણે શાહરૂખને KKRને IPLની શ્રેષ્ઠ ટીમ બનાવવાનું વચન જરૂર આપ્યું હતું.
હવે જ્યારે ગૌતમ ગંભીર પાસે BCCIની ઓફર આવી છે ત્યારે તે શું શાહરૂખ ખાનને આપેલા વચનનું પાલન કરી શકશે કે કેમ તે પ્રશ્ન છે. આ પાછળનું કારણ એ છે કે જે કોઈ વ્યક્તિ ટીમ ઇન્ડિયાનો કોચ હોય તે અન્ય કોઈ ટીમ કે ફ્રેન્ચાઈઝીનો કોચ બની શકતો.
ગંભીરના પેલા મિત્રનું જો કે કહેવું એમ છે કે ગંભીર અત્યારે આ બાબતે કોઈજ વિચાર નથી કરી રહ્યો. હાલમાં તો ગંભીરનું સંપૂર્ણ ધ્યાન ગુવાહાટીમાં આજે રાજસ્થાન રોયલ્સ સામે રમાનારી KKRની આ વર્ષની અંતિમ લીગ મેચ ઉપર છે. ગંભીર સામે અત્યારે ફિલ સોલ્ટ જે ઈંગ્લીશ પ્લેયર છે અને T20 World Cupની તૈયારી કરવા માટે ઇંગ્લેન્ડ પરત થઇ ગયો છે તેના સ્થાને ઓપનીંગમાં કોને મોકલવો તેનો ઉકેલ લાવાવનું કામ પહેલું છે.
એક વખત IPL પૂર્ણ થઇ જશે પછી જ ગૌતમ ગંભીર BCCI દ્વારા આપવામાં આવેલી ઓફર પર વિચાર કરશે તેમ ગંભીરના ખાસ મિત્રનું કહેવું છે.