

29 મે, અમદાવાદ: એવું લાગે છે કે ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના આગામી કોચ બનશે. અગાઉ જે બાબતે અટકળો ચાલી રહી હતી તે અટકળો હવે હકીકતનું સ્વરૂપ લઇ રહી હોય એવા અહેવાલો સામે આવી રહ્યા છે. એક તાજા સમાચાર અનુસાર ગંભીર બાબતે શાહરૂખ ખાનને મનાવી લેવામાં આવ્યો છે અને આમ ટીમ ઇન્ડિયાના આગામી કોચ તરીકે ગૌતમ ગંભીર સામે રહેલું અંતિમ વિઘ્ન પણ દૂર થઇ ગયું છે.
ગૌતમ ગંભીર હજી આ વર્ષે જ કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર તરીકે અપોઈન્ટ કરવામાં આવ્યા હતા. KKRના માલિક અને જાણીતા ફિલ્મ એક્ટર શાહરૂખ ખાન અને ગંભીર બંને ખૂબ સારા મિત્રો છે અને એકબીજા સાથેના તેમનાં વ્યક્તિગત સંબંધો પણ ગાઢ છે.
એવું કહેવામાં આવ્યું હતું કે શાહરૂખ ખાને KKRની મેન્ટરશીપ સ્વીકારવા માટે ગૌતમ ગંભીર જે શરત કહે તે માનવા માટે તૈયાર હતો, આટલું જ નહીં ગંભીર દસ વર્ષ માટે ટીમ સાથે જોડાયેલો રહે તે માટે શાહરૂખ તેને બ્લેન્ક ચેક પણ આપી ચૂક્યો હતો.
ગંભીરે શાહરૂખને આના બદલામાં કોઈ વચન આપ્યું હતું કે કેમ એ બાબતે તો કોઈ સમાચાર હજી સુધી નથી આવ્યા પરંતુ તેણે પોતાની મેન્ટરશીપમાં KKRને IPL 2024 Champion જરૂર બનાવી દીધી હતી.
ગંભીરની આ સિદ્ધિને ધ્યાનમાં લઈને BCCIએ જ્યારે હાલના કોચ રાહુલ દ્રવિડનું રિપ્લેસમેન્ટ શોધવાના પ્રયાસો શરુ કર્યા ત્યારે તેને પહેલેથી જ ટીમ ઇન્ડિયાના કોચનું પદ ઓફર કરી દીધું હતું. પરંતુ શાહરૂખ સાથેના પોતાના સંબંધ તેમજ એક જ વર્ષ KKRને મેન્ટર કરીને છોડી દેવાથી ગંભીર કદાચ મૂંઝાઈ રહ્યો હતો.
IPL 2024 Final બાદ જ્યારે BCCIના સેક્રેટરી જય શાહ અને ગૌતમ ગંભીર અનૌપચારિક ચર્ચા કરી રહ્યા હતા ત્યારે પણ જય શાહે કોચ બનવાની વાત કરી હોવાનું સામે આવ્યું છે. જય શાહે ગંભીરને એમ કહ્યું હતું કે ‘દેશ કે લિયે કરના હૈ’ જેનો સીધો મતલબ ટીમ ઇન્ડિયાનું કોચપદ સ્વીકારવો હોઈ શકે છે.
આ તમામ અવઢવ વચ્ચે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ગૌતમ ગંભીર બાબતે શાહરૂખ ખાનને મનાવી લેવામાં આવ્યો છે. એક તાજા સમાચાર અનુસાર IPLની કોમેન્ટ્રી ટીમના એક હાઈપ્રોફાઈલ કોમેન્ટેટરે જણાવ્યું છે કે શાહરૂખ ખાન અને BCCI વચ્ચેની ચર્ચા હવે અંતિમ તબક્કામાં છે અને ગંભીરને ટીમ ઈન્ડિયાનો કોચ નિયુક્ત કરવામાં આવ્યો છે એવી જાહેરાત બહુ જલ્દીથી કરવામાં આવશે.