શાહરૂખે ચાર વર્ષ બાદ તોડ્યો ‘ઉરી’નો રેકોર્ડઃ ‘જવાન’ 600 કરોડની ક્લબમાં સામેલ
- 24 દિવસ બાદ પણ ‘જવાન’ મચાવી રહી છે ધમાલ
- ચોથા અઠવાડિયાની કમાણી અન્ય ફિલ્મો કરતા રહી મજબૂત
- ‘જવાન’એ વિક્કી કૌશલની ‘ઉરી’ ફિલ્મનો તોડ્યો રેકોર્ડ
શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ 24માં દિવસે પણ અડીખમ રહી છે. થિયેટર્સમાં ચોથું અઠવાડિયું પસાર કરી રહેલી આ ફિલ્મે કમાણીના ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તે હજુ પણ સ્લો થવાના મૂડમાં નથી. જ્યારે થિયેટરોમાં પહોંચેલી નવી રિલીઝ ચોથા સપ્તાહમાં સંઘર્ષ કરી રહી છે, શાહરૂખની ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવી રહી છે.
23 દિવસમાં 587 કરોડ રૂપિયાની કમાણી કરનાર ‘જવાન’એ શનિવારે બોક્સ ઓફિસ પર ફરી એકવાર જોરદાર કમાણી કરી છે. સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ચૂકેલી શાહરૂખની ફિલ્મ હજુ પણ રેકોર્ડ તોડી રહી છે અને છેલ્લા 4 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ‘જવાન’ 24માં દિવસે પણ મજબૂત રહી છે. ચોથા શુક્રવારે શાહરૂખની ફિલ્મે 5 કરોડથી વધુની કમાણી કરી હતી. હવે ટ્રેડ રિપોર્ટ્સ સૂચવે છે કે શનિવારે ‘જવાન’ની કમાણીમાં ફરી એકવાર મોટો ઉછાળો આવ્યો છે. 24માં દિવસે ફિલ્મની કમાણીમાં 80% સુધીનો ઉછાળો આવ્યો છે. શનિવારે ફિલ્મે 9 થી 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે ભારતમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન 596 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે.
4 વર્ષ બાદ ‘ઉરી’નો રેકોર્ડ તૂટ્યો
બોક્સ ઓફિસ પર 24માં દિવસે સૌથી વધુ કલેક્શનનો રેકોર્ડ વિકી કૌશલની ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના નામે હતો. વિકીની ફિલ્મે 24માં દિવસે 8.92 કરોડની કમાણી કરી હતી. હવે 4 વર્ષ બાદ તેનો રેકોર્ડ શાહરૂખની ફિલ્મે તોડી નાખ્યો છે.
600 કરોડની ક્લબમાં પહેલું નામ શાહરૂખ ખાન!
શાહરૂખનું સ્ટારડમ આ વર્ષે એક નવા સ્તરે પહોંચ્યું છે. આમિર ખાને ‘ગજની’થી બોલિવૂડમાં 100 કરોડ ક્લબની શરૂઆત કરી હતી. 200 કરોડની ક્લબની શરૂઆત આમિરની ‘3 ઈડિયટ્સ’થી થઈ હતી અને 300 કરોડની ક્લબની શરૂઆત ‘પીકે’થી થઈ હતી. જોકે, 100-200 અને 300 કરોડ રૂપિયાની કમાણી કરનારી મોટાભાગની ફિલ્મો સલમાન ખાનના નામે છે. 2023 પહેલા, શાહરૂખનું સ્ટારડમ બોક્સ ઓફિસ પર આટલા મોટા મોટા લેન્ડ માર્કમાં બદલાઇ રહ્યુ ન હતુ. આ વર્ષે શાહરૂખનું સ્ટારડમ અદભૂત સ્તરે જઈ રહ્યું છે. તેની કમબેક ફિલ્મ ‘પઠાણ’એ પહેલીવાર બોલિવૂડ માટે રૂ. 400 કરોડ અને રૂ. 500 કરોડની ક્લબના દરવાજા ખોલ્યા હતા. હવે શાહરુખ ‘જવાન’થી 600 કરોડની ક્લબ શરૂ કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ જૂની પેન્શન યોજનાની માંગ સાથે દિલ્હીમાં રેલી, લાખો કર્મચારીઓ રામલીલા મેદાન પહોંચ્યા