ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

ગુજરાતમાં વરસાદની ગંભીર સ્થિતિઃ શાળા-કૉલેજો, ટ્રેનો અંગે અગત્યના સમાચાર

  • આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
  • બનાસકાંઠાથી લઈને કચ્છના પટ્ટામાં ગંભીર સ્થિતિ
  • બનાસકાંઠા પોલીસે જારી કરી ચેતવણી
  • સૌરાષ્ટ્ર – મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહાર ઉપર પણ અસર પડી
  • જામનગર-વડોદરા ઈન્ટરસિટી, વડોદરા-જામનગર ઈન્ટરસિટી, હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો અને જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર ટ્રેનો રદ
  • ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ શ્રી રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી
  • આવતી કાલે તા.૨૭ ઓગસ્ટના રોજ ભારે વરસાદના કારણે પ્રાથમિક શાળાઓ બંધ રાખવા અનુરોધ

ગાંધીનગર, 27 ઓગસ્ટ, 2024: રાજ્યમાં વરસાદની સ્થિતિ ગંભીર છે. છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. વડોદરા જિલ્લામાં આજે 27 ઓગસ્ટે શાળા-કૉલેજો બંધ રાખવાનો આદેશ ગઈકાલે સોમવારે જ જારી કરી દેવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લામાં અનેક જગ્યાએ પુષ્કળ પાણી ભરાયાં હોવાને કારણે રેલવે વ્યવહાર ઉપર પણ અસર પડી છે અને મુંબઈ તરફ જતી કેટલીક ટ્રેન રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકારે ગઈકાલે સોમવારે મોડી સાંજે એક મહત્ત્વની બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી અને આખા રાજ્યમાં આજે મંગળવારે, 27 ઓગસ્ટે પ્રાથમિક શાળાઓ બંધ રાખવા અનુરોધ કર્યો હતો.

બનાસકાંઠા પોલીસની સૂચના - HDNews

સૌથી વધુ ગંભીર સ્થિતિ ઉત્તર ગુજરાતમાં આકાર લઈ રહી છે. રાજસ્થાન તરફથી ડીપ ડિપ્રેશન ડીસા તરફ આગળ વધી રહ્યું છે જેને કારણે બનાસકાંઠાના નાગરિકોને વિશેષ સાવધ રહેવા રાજ્ય સરકાર તેમજ તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્ય સચિવે વિવિધ વિભાગના નોડલ અધિકારીશ્રીઓ ઉપરાંત વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા સર્વે જિલ્લા કલેકટરો તેમજ મ્યુનિસિપલ કમિશનરો સાથે તેમના જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલા માનવ મૃત્યુ, નદી અને ડેમની સ્થિતિ, વીજળી પુરવઠા, પશુમૃત્યુ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર .એફની ટીમોની કામગીરી અંગે સમીક્ષા કરી યોગ્ય માર્ગદર્શન આપી સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.

ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેના આધારે વિવિધ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્યસચિવે સૂચનાઓ આપી હતી. સાથે જ તેમણે પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રહેવા જણાવ્યું હતું.

મુખ્યસચિવે વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવા અનુરોધ કર્યો હતો સાથોસાથ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો જિલ્લામાં વરસાદ અંગેની પરિસ્થિતિ જાણીને તેમને શરૂ રાખવા સૂચનો કર્યા હતા.

ગુજરાતમાં ભારે વરસાદ - HDNews

વધુમાં, તમામ પ્રભારી સચિવશ્રીઓને પોતાના જિલ્લામાં હાજર રહી વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા સૂચિત કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી આગાહી વાળા જિલ્લાઓમાં પશુપાલન, ઊર્જા, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, સરદાર સરોવર નિગમ, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના અધિકારીશ્રીઓને પણ તકેદારીના પગલાં લેવા સૂચિત કરાયા હતા.

વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય, બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત થાય, વીજ પુરવઠો ખોરવાય તો સત્વરે પૂર્વવત થાય, ડેમમાં પાણીની આવક થતાં પાણીની સપાટીનું સતત મોનીટરીંગ થાય, તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા મુખ્ય સચિવશ્રીએ આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવી તેમજ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર દ્વારા વહીવટી તંત્રને વિવિધ સૂચનો કરી, તકેદારી રાખવા જણાવાયું હતું. રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેએ પણ બેઠકમાં હાજર રહેલા તમામ નોડલ અધિકારીશ્રીઓને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તકેદારીના તમામ પગલાં ભરવા જરૂરી જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આપત્તિની સ્થિતિમાં સાવધાની માટે માર્ગદર્શિકા જાહેર

Back to top button