પાકિસ્તાનમાં તીવ્ર ઠંડીનો કહેર, 36 બાળકોનાં મૃત્યુ, એડવાઈઝરી જારી
- પાકિસ્તાનમાં ઠંડીએ મચાવ્યો ભારે કહેર, વધારે પડતી ઠંડીના કારણે ન્યુમોનિયાનો ફેલાવો વધ્યો
- વધતી ઠંડીથી ગભરાઈને વહીવટીતંત્રે શાળાઓમાં સવારની પ્રાર્થના સભાઓ પર મૂક્યો પ્રતિબંધ
પાકિસ્તાન, 12 જાન્યુઆરી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અત્યંત ઠંડી છે. ઠંડી એટલી તીવ્ર છે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ન્યુમોનિયા ફેલાયો છે. ન્યુમોનિયાથી ઓછામાં ઓછા 36 બાળકોનાં મૃત્યુ થયાં છે. વધતી ઠંડીથી ગભરાઈને વહીવટીતંત્રે શાળાઓમાં સવારની પ્રાર્થના સભાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
પ્રાંતમાં 36 બાળકોના મૃત્યુ ઉપરાંત શાળાના બાળકોમાં ન્યુમોનિયાના કેસોની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને 31 જાન્યુઆરી સુધી પ્રાર્થના સભાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંજાબ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘પંજાબમાં કડકડતી ઠંડીના કારણે ન્યૂમોનિયાથી ઓછામાં ઓછા 36 બાળકોના મૃત્યુ થયા છે. આ કારણે સરકારે 31 જાન્યુઆરી સુધી શાળાઓમાં સવારની પ્રાર્થના સભાઓ યોજવા પર પ્રતિબંધ લાદવાની ફરજ પડી હતી.
ગયા વર્ષે 990 બાળકોનાં મૃત્યુ થયાં હતાં
નર્સરી અને પ્લે સ્કૂલના બાળકો માટે 19 જાન્યુઆરી સુધી રજા જાહેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગયા વર્ષે પંજાબમાં ન્યુમોનિયાના કારણે 990 બાળકોના મૃત્યુ થયા હતા.’ પંજાબ પ્રાંતના કાર્યકારી મુખ્યમંત્રી મોહસીન નકવીએ બાળકોને ન્યુમોનિયાથી બચાવવા માટે નિવારક પગલાં અપનાવવા અંગે વરિષ્ઠ ડોકટરો સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
શાળાના બાળકો માટે એડવાઈઝરી જારી
કડકડતી શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને ન્યુમોનિયાના વધતા જતા કેસોને રોકવા માટે બાળકોને માસ્ક પહેરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેમને જમતા પહેલાં હાથ ધોવા અને ગરમ કપડા પહેરવાની પણ સલાહ આપવામાં આવી છે. શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી બચાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવે છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં એક જ ઘરમાંથી મળ્યાં 11 મૃતદેહ, એવું તો શું થયું?