USમાં કેટલીક કંપનીઓ પર ભારતીય કંપનીઓને લાંચ આપવા બદલ ભારે દંડ લાગ્યો: રિપોર્ટ

- અમેરિકાએ HAL, રેલવે, IOCને લાંચ આપતી કંપનીઓ પર 300 ટકા દંડ લગાવ્યો
નવી દિલ્હી, 19 ડિસેમ્બર: ભારતની કેટલીક સોલાર પાવર કંપનીઓને $265 મિલિયનની લાંચ ચૂકવવા માટે અદાણી ગ્રૂપ પર કાર્યવાહી કરનાર યુનાઇટેડ સ્ટેટ્સ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે અમેરિકામાં કેટલીક કંપનીઓ પર ભારતીય કંપનીઓને લાંચ ચૂકવવા બદલ 300 ટકા સુધીનો દંડ લગાવ્યો છે. આ દરમિયાન ઘણી અમેરિકન કંપનીઓએ કાર્યવાહીથી બચવા માટે આટલો ભારે દંડ ભરીને કેસનું સમાધાન કર્યું છે તેમ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
યુએસ સ્થિત રિસર્ચ અને ડિઝાઇન ફર્મ મૂગ ઇન્ક હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને પાંચ લાખ ડોલરથી વધુની લાંચ આપવા માટે પકડવામાં આવી હતી, જ્યારે ભારતીય રેલવેએ 1.68 મિલિયન ડોલર ચૂકવીને US સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સાથે તેનો કેસ પતાવ્યો હતો.
કંપનીઓએ ભારે દંડ ચૂકવીને કર્યું સમાધાન
IT કંપની ઓરેકલ કોર્પોરેશને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનના આદેશ મુજબ, US ટ્રેઝરીમાં $23 મિલિયનનો દંડ જમા કરીને તેના કેસનું સમાધાન કર્યું હતું. ભારતીય રેલવે, યુનાઈટેડ આરબ અમીરાત (UAE) અને તુર્કિયેની સંસ્થાઓ 6.8 મિલિયન ડોલરથી વધુની લાંચ અને ભ્રષ્ટાચારના આરોપમાં પકડાઈ હતી. આ જ રીતે, યુએસ સ્થિત કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની અલ્બેમર્લે કોર્પોરેશનને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને ઇન્ડોનેશિયા તેમજ વિયેતનામની કંપનીઓને 63.5 મિલિયન ડોલરથી વધુની લાંચ આપવાના કેસમાં યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા પકડવામાં આવી હતી. કંપનીએ કાર્યવાહી ટાળવા માટે 198 મિલિયન ડોલરથી વધુનો ભારે દંડ ચૂકવીને કેસનું સમાધાન કર્યું.
મૂગ ઇન્ક વિરુદ્ધ કડક કાર્યવાહી
11 ઑક્ટોબર, 2024ના આદેશ અનુસાર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ જણાવ્યું કે Moog Inc., તેની ભારતીય પેટાકંપની Moog Motion Controls Pvt. Ltd. (MMCPL)ના માધ્યમથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL), દક્ષિણ મધ્ય રેલવે અને રેલવે મંત્રાલય હેઠળ સંશોધન, ડિઝાઇન અને માનક સંગઠન (RDSO)ના અધિકારીઓને લાંચ આપીને કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. “ઓગસ્ટ 2020 માં, એજન્ટ Aની નિમણૂક કર્યા પછી, મૂગ બ્રાન્ડને આગામી સાઉથ સેન્ટ્રલ રેલવે (SCR) ટેન્ડર નોટિસ માટે સપ્લાયરની સૂચિમાં જોડવામાં આવી પછી ટેન્ડર સૂચનામાં મૂગને એક વિશિષ્ટ ભાગ માટે સંભવિત સપ્લાયર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી.”
સપ્ટેમ્બર 2020માં, Moog Inc.ની ભારતીય પેટાકંપની MMCPLને $34323માં SCR કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. એપ્રિલ 2022માં, એજન્ટ Aએ MMCPLને કમિશન ફી માટે ઇન્વૉઇસ દીધું, જેના વિશે ઘણા MMCPL કર્મચારીઓ જાણતા હતા કે સ્પર્ધાને દૂર કરવા અને કરારને અન્ય કોઈની પાસે જવાથી રોકવા માટે, સરકારી અધિકારીઓને અયોગ્ય ચૂકવણી કરવામાં આવી છે. SECના આદેશમાં કહેવામાં આવ્યું કે, ચૂકવણીઓને ખોટી રીતે કાયદેસર કોન્ટ્રાક્ટર સર્વિસ તરીકે નોંધવામાં આવી હતી, સાથે જ કહેવામાં આવ્યું કે, રેલવે કોન્ટ્રાક્ટમાં 10 ટકા લાંચ કમિશન છે.
HAL પર લાંચની વિગતો આપતો SEC ઓર્ડર જણાવે છે કે, નવેમ્બર 2021માં, Moogએ એપ્રિલ 2021ના કોન્ટ્રાક્ટ ટેન્ડરથી સંબંધિત ભાગો અને સેવાઓ માટે $1,399,328નો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, 2.5% કમિશન “HAL અધિકારી” દ્વારા લાંચ તરીકે લેવામાં આવ્યું હતું. આઠ પાનાના આદેશ અનુસાર, મૂગ ઇન્કએ HAL અને રેલવેમાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે 5 લાખ ડોલરથી વધુની લાંચ આપી હતી.
અલ્બેમર્લે કોર્પોરેશન સામે કાર્યવાહી
US જસ્ટિસ ડિપાર્ટમેન્ટના 28 સપ્ટેમ્બર, 2023ના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, અલ્બેમર્લે કોર્પોરેશને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને ઇન્ડોનેશિયા તેમજ વિયેતનામની કંપનીઓમાં $63.5 મિલિયનથી વધુની લાંચ આપીને મોટા કોન્ટ્રાક્ટ મેળવ્યા હતા. Albemarle વિશ્વભરમાં 700થી વધુ રિફાઇનરીઓને રિફાઇનિંગ સેવાઓ પૂરી પાડી રહી છે અને 2009 થી 2017 સુધી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) સાથે સોદો કર્યો છે. 46 પાનાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અલ્બેમર્લે 2009માં IOC અધિકારીઓને લાંચ આપવાનું શરૂ કર્યું હતું જેથી તેને “હોલિડે લિસ્ટ”માંથી દૂર કરવામાં આવે.
ઓર્ડરમાં કણાવ્યા મુજબ, અલ્બેમર્લેએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના વ્યવસાય સાથે સંબંધિત ભારતીય મધ્યસ્થી કંપનીને આશરે $1.14 મિલિયનનું કમિશન ચૂકવ્યું હતું, 2009 અને 2011 વચ્ચે તે વ્યવસાયમાંથી આશરે $11.14 મિલિયનનો નફો કર્યો હતો. 2017માં US સત્તાવાળાઓ દ્વારા 63.5 મિલિયન ડોલરના લાંચના આરોપમાં અલ્બેમર્લનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સપ્ટેમ્બર 2023માં કાર્યવાહીથી બચવા માટે $198 મિલિયનથી વધુનો જંગી દંડ ચૂકવીને કેસનું સમાધાન કર્યું હતું. અલ્બેમર્લે પર દંડ લાદતા 46 પાનાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, US કંપની પણ ભારતીય ખાનગી રિફાઇનરી સાથે ભ્રષ્ટાચારમાં સામેલ છે. જોકે, ઓર્ડરમાં તે ખાનગી રિફાઈનરીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ઓરેકલ કોર્પોરેશન વિરુદ્ધ કાર્યવાહી
27 સપ્ટેમ્બર, 2022ના રોજ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)ના આદેશમાં કહેવામાં આવ્યું છે કે IT કંપની ઓરેકલ કોર્પોરેશન ભારત, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને તુર્કીયેમાં ભ્રષ્ટાચાર અને લાંચમાં સામેલ છે. 2019માં, Oracle India સેલ્સ સ્ટાફે પણ ભારતીય રેલવે મંત્રાલયની બહુમતી માલિકીની ટ્રાન્સપોર્ટ કંપનીના સંબંધમાં અતિશય ડિસ્કાઉન્ટ સ્કીમનો ઉપયોગ કર્યો હતો. ટ્રાન્ઝેક્શનમાં સામેલ સેલ્સ કર્મચારીએ એક સ્પ્રેડશીટ બનાવી જે દર્શાવે છે કે ચોક્કસ ભારતીય SOE (રાજ્યની માલિકીની એન્ટિટી) એક્ઝિક્યુટિવને સંભવિતપણે ચૂકવણી કરવા માટે $67,000 ઉપલબ્ધ ‘બફર’ છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનના 10-પાનાના આદેશમાં જણાવવામાં આવ્યું કે, “લગભગ $330,000 એવી એન્ટિટીને આપવામાં આવી હતી જેણે SOE એક્ઝિક્યુટિવ્સને ચૂકવણી કરી હતી અને $62,000ની રકમ સેલ્સ સ્ટાફ દ્વારા નિયંત્રિત એક એન્ટિટીને આપવામાં આવ્યા હતા.” જેમાં 6.8 મિલિયન ડોલરની લાંચ માટે ઓરેકલ પર 23 મિલિયન ડોલરનો ભારે દંડ લાદવામાં આવ્યો છે.