ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આ રાજ્યની સાત છોકરીઓ આરબ દેશોમાં ફસાયેલી હતીઃ જાણો કેવી રીતે પરત લાવવામાં આવી?

  • ટ્રાવેલ એજન્ટો છોકરીઓને દિલ્હીને બદલે મુંબઈ થઈને આરબ દેશોમાં લઈ જઈ રહ્યા છે

શાહકોટ, 16 ડિસેમ્બર:  ટ્રાવેલ એજન્ટોએ માનવ તસ્કરી મારફતે પંજાબની છોકરીઓને આરબ દેશોમાં વેચવાનો રસ્તો બદલી નાખ્યો છે. ટ્રાવેલ એજન્ટો હવે છોકરીઓને દિલ્હીને બદલે મુંબઈ થઈને આરબ દેશોમાં લઈ જઈ રહ્યા છે. રાજ્યસભાના સભ્ય સંત બલબીરસિંહ સીચેવાલે ઈરાક અને મસ્કતથી આવી રહેલી છોકરીઓની દુર્દશા સાંભળીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. આરબ દેશોમાંથી પરત ફરેલી સાત છોકરીઓમાંથી બે છોકરીઓએ સુલતાનપુર લોધીના નિર્મલ કુટિયા ખાતે તેમને પોતાની આપવીતી જણાવી હતી.  છોકરીઓએ કહ્યું કે, ત્યાં તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.

સીચેવાલે કડક કાર્યવાહીની સૂચના આપી

સીચેવાલે ઇરાક અને મસ્કતથી આવેલી છોકરીઓની દુર્દશા સાંભળ્યા પછી મોગા અને બરનાલા જિલ્લાના પોલીસ વડાઓને પીડિત છોકરીઓની ફરિયાદોને પ્રાથમિકતાના આધારે સાંભળવાનો નિર્દેશ આપ્યો. સીચેવાલે કહ્યું કે, જ્યાં સુધી ટ્રાવેલ એજન્ટો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આરબ દેશોમાં માનવ તસ્કરીનો ગેરકાયદેસર ધંધો રોકી શકાશે નહીં.

એજન્ટ છોકરીઓ પર મારપીટ કરતો હતો

ઓમાનથી પરત ફરેલી અને મોગા જિલ્લામાં રહેતી પીડિત છોકરીએ કહ્યું કે, ઈમરાન નામના એજન્ટ દ્વારા છોકરીઓને ત્યાં જવા લલચાવવામાં આવે છે. ત્યારબાદ એજન્ટે તેને ખરાબ રીતે મારી અને તેને જબરદસ્તીથી વધુ બે છોકરીઓને બોલાવવાનું કહ્યું. તેણીએ કહ્યું કે, ઈમરાન એક મોટું રેકેટ ચલાવી રહ્યો છે અને ત્યાં બોલાવવામાં આવતી દરેક છોકરી સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે.

છોકરીઓએ પોતાની પીડા જણાવી

આવી જ રીતે આ છોકરીને અને તેણીના ગામની અન્ય એક છોકરીને તેના જ ગામની એક છોકરીએ બ્યુટી પાર્લરમાં કામ કરવાના બહાને ત્યાં બોલાવી હતી અને તે પોતે પણ ત્યાં ફસાઈ ગઈ હતી. ઇરાકથી પરત ફરેલી મોગાની એક છોકરીએ હૃદયદ્રાવક ઘટસ્ફોટ કર્યો હતો કે, ત્યાં તેનું શારીરિક શોષણ થયું હતું. ગંભીર બિમારીથી પીડિત તેની પુત્રીની સારવાર માટે તેણી ત્યાં ગઈ હતી, પરંતુ તેને ત્યાં વેચી દેવામાં આવી હતી અને ઓફિસમાં બંધક બનાવી દીધી હતી. જ્યાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો.

સંત સીચેવાલની મદદથી છોકરીઓ પાછી આવી

છોકરીએ કહ્યું કે, જો સંત સીચેવાલે તેમની મદદ ન કરી હોત તો તેમણે પાછા ફરવાની આશા છોડી દીધી હોત. રાજ્યસભાના સભ્ય સંત બલબીર સિંહ સીચેવાલે વિદેશ મંત્રાલય અને ભારતીય દૂતાવાસનો આભાર માન્યો, જેમની મદદથી આ છોકરીઓ આ નર્કની જિંદગીમાંથી સુરક્ષિત રીતે ઘરે પરત આવી શકી. તેમણે પંજાબની દીકરીઓને આરબ દેશોમાં જવાનું ટાળવા કહ્યું.

મહિલાઓએ આરબ દેશોમાં ન જવું જોઈએ: પીડિત છોકરી

પીડિત છોકરીઓએ અપીલ કરી હતી કે, મહિલાઓએ આરબ દેશોમાં ન જવું જોઈએ. ત્યાં એજન્ટો છોકરીઓને વિઝિટર વિઝા પર બોલાવીને એક રીતે ત્યાં વેચી દે છે અને પરત આવવાના બદલામાં મોટી રકમની માગણી કરે છે અથવા તો ભારતમાંથી વધુ છોકરીઓ લાવવાનું દબાણ કરે છે. ત્યાં છોકરીઓને ગેરરીતિમાં ફસાવવાના અનેક પ્રયાસો કરવામાં આવે છે. ત્યાં છોકરીઓને મારવામાં આવે છે અને તેમનું સન્માન હંમેશા જોખમમાં રહે છે.

આ પણ જૂઓ: સાવધાનઃ અમેરિકાના 18 ઈ-સિમકાર્ડથી ચાલી રહ્યો હતો છેતરપિંડીનો ખેલ

Back to top button