સેવા : ડીસામાં ગાદલા સીવતી વૃદ્ધ મહિલાની મદદે આવ્યું હિન્દૂ યુવા સંગઠન, હાથના ઓપરેશનની કરાવી સારવાર
પાલનપુર : ડીસામાં ગાદલા સીવીને કામ કરતી વૃદ્ધ મહિલાનો હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ ઓપરેશન કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડીસામાં રહેતા 70 વર્ષીય સરોજબેન સમગ્ર પરિવારનું મજૂરી કરી ગુજરાન ચલાવે છે. જેઓ ગોદડા સિવવાનું કામ કરતા હતા. દરમિયાન અચાનક પડી જવાથી હાથ ભાંગી જતા મુશ્કેલી સર્જાઈ હતી. કામ બંધ થઈ જતા આવક પણ બંધ થઈ ગઈ હતી. જ્યારે જે ભાડાના મકાનમાં રહેતા હતા તેનું ત્રણ મહિનાનું ભાડું પણ ચડી ગયું હતું.
આવી સ્થિતિમાં હાથનું ઓપરેશન કરાવવું કે મકાનનું ભાડું આપવું. જોકે તેમના પરિવારમાં તેમના પતિ ને ડાયાબિટીસ છે. અને બીમાર હોવાથી ખાટલા વશ છે. તેમનો એક દીકરો છે પણ તેને પણ કામ મળતું નથી. કોઈવાર કામ મળે તો જાય નહિતર બે ટાઇમ બહાર આશ્રમથી જમવાનું લાવી દિવસો પસાર કરતા હતા.
વૃદ્ધાનું ઓપરેશન કરાવી પૂરું પાડ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ
આ બાબતની જાણ હિન્દૂ યુવા સંગઠનને થઈ જતા તેમને બીજા જ દિવસે એક મહિનાનું કરિયાણું ભરાવી આપ્યું. તેમજ એમને ભણસાલી હોસ્પિટલમાં લઇ જઇ તબીબને બતાવ્યું હતું અને આગામી 7 તારીખે ઓપરેશન પણ કરાવવાનું હોઈ તેમના બધા લોહીનાં રિપોર્ટ અને એક્સ-રે કરાવ્યા. તે દરમિયાન ખબર પડી કે, માજીને લોહીમાં ઇન્ફેક્શન છે.
તો ઓપરેશન હાલ નહિ થાય. હવે થોડા દિવસ દાખલ રાખવા પડશે. જેથી તેમની દવા ચાલુ કરાવી અને રિપોર્ટમાં સુધારો આવતા ઓપરેશન માટે તૈયારી માટે તબીબ દ્વારા જણાવાયું હતું. જેમનું 13 તારીખે સફળ ઓપરેશન થયું હતું. હાલમાં વૃદ્ધા સ્વસ્થ છે. જેમને બે દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળતા ઘેર મોકલાશે. આ કાર્યમાં હિન્દૂ યુવા સંગઠન ના નીતિનભાઈ સોની, દિપકભાઈ કચ્છવા, કનુભાઈ ઠાકોર અને મેહુલ ઠક્કરનો સહયોગ રહ્યો હતો.
આ પણ વાંચો : કરવા ચોથ પર પત્નીએ ધોળા દિવસે પતિને દેખાડ્યો ચાંદ !