રામ સેતુઃ સેતુસમુન્દ્રમ કોર્પોરેશન લિમિટેડ થશે બંધ?, આજે કેબિનેટમાં નિર્ણયની શક્યતા
આજે કેન્દ્રીય કેબિનેટ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે, જેનું રાજકીય રીતે ઘણું પ્રતીકાત્મક મહત્વ છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં કેબિનેટ સેતુસમુદ્રમ કોર્પોરેશન લિમિટેડને બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે. પીએ સરકાર દરમિયાન, સેતુસમુદ્રમ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે કંપનીની રચના ડિસેમ્બર 2004માં કરવામાં આવી હતી.
સેતુસમુન્દ્રમ પ્રોજેક્ટ શું હતો?
સેતુસમુન્દ્રમ પ્રોજેક્ટ ભારતના પશ્ચિમ અને પૂર્વીય દરિયાકાંઠા વચ્ચે દરિયાઈ ટ્રાફિકનું અંતર ઘટાડવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ માટે, મન્નારની ખાડી અને બંગાળની ખાડી વચ્ચે પાલ્ક સ્ટ્રેટ દ્વારા દરિયાઈ માર્ગ બનાવવાની યોજના હતી, જેના પર કામ શરૂ થઈ ગયું છે. પાલ્ક સ્ટ્રેટ એ ભારત અને શ્રીલંકા વચ્ચેનો સમુદ્ર વિસ્તાર છે. સુએઝ કેનાલની જેમ બનાવાનારી આ સી ચેનલના નિર્માણનું કુલ બજેટ લગભગ 2500 કરોડ રૂપિયા હતું.
રામ સેતુ પર વિવાદ
આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે, પૌરાણિક રામ સેતુને તોડી પાડવાની જરૂર હતી, જેના વિશે પછી એક મોટો રાજકીય વિવાદ ઊભો થયો. પૌરાણિક માન્યતા અનુસાર, રામ સેતુ એ ભારત અને શ્રીલંકા વચ્ચેનો સેતુ છે જે ભગવાન રામ દ્વારા લંકાની જીત માટે બનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં વિવાદ વધી જતાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટે પ્રોજેક્ટ પર પ્રતિબંધ મૂકતાં સરકારને પ્રોજેક્ટ માટે વૈકલ્પિક રસ્તો શોધવા કહ્યું હતું. ત્યારથી આ પ્રોજેક્ટ પરનું કામ સંપૂર્ણપણે બંધ છે. જો કે, આ પ્રોજેક્ટને લઈને સૌથી મોટો રાજકીય વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપી કે રામસેતુ માત્ર એક કાલ્પનિક વસ્તુ છે. અને તેથી પ્રોજેક્ટમાં કોઈ સમસ્યા નથી. જ્યારે વિવાદ વધ્યો ત્યારે સરકારે નવું સોગંદનામું આપીને યુ-ટર્ન લીધો હતો. આ પ્રોજેક્ટ કોલ્ડ સ્ટોરેજમાં ગયો હતો, પરંતુ ત્યારથી રામ સેતુને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી અને આ મામલો હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે.