નવી દિલ્હી, મે 5: ભારતીય એન્ટી ડોપિંગ એજન્સી એટલેકે NADA એ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા પહેલવાન બજરંગ પૂનિયાને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કર્યા છે. માર્ચ મહિનામાં હરિયાણામાંઆવેલા સોનેપતમાં નેશનલ ટ્રાયલ્સ આયોજિત કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન બજરંગ પૂનિયાએ પોતાના ડોપ સેમ્પલ આપવાથી ઇન્કાર કર્યો હતો.
આ ઘટના બાદ NADA એક્શનમાં આવ્યું હતું અને તેણે પૂનિયાને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધા છે. હવે બજરંગ પૂનિયા જ્યાં સુધી તેમનું સસ્પેન્શન હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કોઇપણ પ્રકારના ટ્રાયલ્સ કે પછી ટુર્નામેન્ટમાં ભાગ નહીં લઇ શકે.
રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ડોપ ટેસ્ટ કરાવવો ફરજીયાત હોય છે. આમ કરવાથી ખેલાડીએ પોતાનો દેખાવ કોઇપણ ડ્રગની અસર હેઠળ નથી કર્યો તે સાબિત થતું હોય છે. પરંતુ બજરંગ પૂનિયાએ સેમ્પલ આપવાથી જ ઇન્કાર કરી દીધો હોવાને કારણે હવે તેમને સસ્પેન્ડ કરવા સિવાય NADA પાસે અન્ય કોઈજ માર્ગ બચ્યો ન હતો.
10 માર્ચે NADAએ પૂનિયાને સેમ્પલ આપવાનું કહ્યું હતું પરંતુ તેમણે એમ ન કર્યું. ત્યારબાદ NADAએ આ બાબતની જાણકારી વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી એટલેકે WADAને આ બાબતે સૂચના આપી દીધી હતી. WADAએ NADAને કહ્યું હતું કે તે હવે બજરંગ પૂનિયાને એક કારણદર્શક નોટીસ મોકલીને એ ખુલાસો કરવાનું કહો કે તેમણે ડોપ ટેસ્ટ આપવાથી મનાઈ કેમ કરી?
હવે આ નોટીસનો જવાબ આપવાની અંતિમ તારીખ 7 મે નક્કી કરવામાં આવી છે. જો બજરંગ પૂનિયા આ તારીખ સુધીમાં પોતાનો જવાબ આપી દેશે તો તેમના પર એક ઇન્ક્વાયરી બેસાડવામાં આવશે. જો ડોપ ટેસ્ટની જેમ પૂનિયા જવાબ આપવાની પણ મનાઈ કરી દેશે તો તેમની સમગ્ર કારકિર્દી પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ જશે.
અત્રે એ નોંધનીય છે કે બજરંગ પૂનિયા પેરીસ ઓલિમ્પિક્સ ક્વોલીફાયર્સ માટે આયોજિત સિલેક્શન ટ્રાયલ્સમાં રોહિત કુમાર સામે 65 કિગ્રા ફ્રીસ્ટાઈલની સેમીફાઈનલમાં હારી ગયા હતા.
બજરંગ પૂનિયાનો હાલનો ભૂતકાળ અત્યંત વિવાદાસ્પદ રહ્યો છે. તેમણે સાક્ષી મલિક અને અન્ય પહેલવાનો સાથે મળીને ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રીજ ભૂષણ સિંગ દ્વારા મહિલા પહેલવાનોની કથિત છેડતી વિરુદ્ધ દિલ્હીમાં થયેલા પ્રદર્શનોમાં ભાગ લીધો હતો.
પરંતુ બાદમાં યુવાન પહેલવાનોએ દિલ્હીના જંતર મંતર ખાતે આ જ પહેલવાનો વિરુદ્ધ દેખાવો કર્યા હતા. આ યુવાન પહેલવાનોનો આરોપ હતો કે બજરંગ પૂનિયા સહિતના પહેલવાનોએ તેમની કારકિર્દીને નુકસાન પહોંચાડ્યું છે.
આ પણ વાંચોઃ ગરીબી મેં આટા ગીલા: આવતે વર્ષે PSL-IPL ટકરાશે; PCBની મુશ્કેલી વધી