બ્રિજભૂષણ સિંહને દિલ્હી HCમાંથી ઝટકો; FIR, ચાર્જશીટ, લાગેલા આરોપો સામે કરી હતી અરજી
- બ્રિજભૂષણ તેમના પર લાગેલા આરોપો સામે આટલા મોડા કેમ કોર્ટમાં આવ્યા: હાઈકોર્ટ
નવી દિલ્હી, 29 ઓગસ્ટ: મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણીના કેસમાં આરોપી બ્રિજ ભૂષણ સિંહને દિલ્હી હાઈકોર્ટ તરફથી આજે ગુરુવારે મોટો ઝટકો લાગ્યો છે. બ્રિજ ભૂષણ સિંહે તેમની સામે નોંધાયેલી FIR, ચાર્જશીટ અને નીચલી અદાલત દ્વારા આરોપો ઘડવાના આદેશને રદ્દ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. જોકે, હાલમાં તેમને દિલ્હી હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે બ્રિજભૂષણને પૂછ્યું કે, તેઓ તેમના પર લાગેલા આરોપો સામે આટલા મોડા કેમ કોર્ટમાં આવ્યા? અને તેમના વકીલને આ કેસમાં કોર્ટ સમક્ષ શોર્ટ નોટ રજૂ કરવા કહ્યું. અરજી પર સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણની અરજીની મેન્ટેનેબિલિટી પર સવાલ ઉઠાવ્યા હતા. હવે આ કેસની આગામી સુનાવણી 26 સપ્ટેમ્બરે થશે.
Delhi HC grants time to ex-BJP MP Brij Bhushan Sharan Singh to file note on contentions seeking quashing of FIR, charges framed against him in sexual harassment case lodged by several women wrestlers. pic.twitter.com/LaH08FphjJ
— Press Trust of India (@PTI_News) August 29, 2024
બ્રિજભૂષણના વકીલના આક્ષેપો
બ્રિજભૂષણના વકીલે કહ્યું કે, આ કેસમાં છ ફરિયાદી છે, FIR દાખલ કરવા પાછળ છુપાયેલ એજન્ડા છે. તમામ ઘટનાઓ અલગ-અલગ સમયે અલગ-અલગ જગ્યાએ બની છે. આ માત્ર એક ષડયંત્ર છે. જોકે, વકીલની દલીલો કોર્ટમાં કામ આવી નહીં અને તેમની સામેની સુનાવણી ચાલુ રહેશે.
આ સમગ્ર મામલો શું છે?
ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં, બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જેવા ટોચના કુસ્તીબાજોની આગેવાનીમાં દેશના 30 કુસ્તીબાજો ભારતીય કુસ્તી સંઘના તત્કાલિન પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે હડતાળ પર ઉતર્યા હતા. કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર કુસ્તી સંઘને મનસ્વી રીતે ચલાવવા અને મહિલા કુસ્તીબાજો અને મહિલા કોચનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, કુસ્તીબાજો પૂછપરછ માટે સંમત થયા અને બ્રિજભૂષણને સંઘના કામથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું. ઓલિમ્પિક એસોસિએશનની સમિતિએ તપાસ હાથ ધરી હતી, પરંતુ તેનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો નહીં. આવી સ્થિતિમાં, કુસ્તીબાજો જૂનમાં ફરી હડતાળ પર બેઠા. આ સમયગાળા દરમિયાન હડતાલ લાંબા સમય સુધી ચાલુ રહી અને ઘણી વખત કુસ્તીબાજોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું. અંતે કુસ્તીબાજોએ તેમના મેડલ પણ પરત કર્યા હતા. બ્રિજ ભૂષણ સામે કેસ નોંધાયા બાદ વિરોધનો અંત આવ્યો. આ મામલે હજુ સુનાવણી ચાલી રહી છે. બ્રિજભૂષણનો કાર્યકાળ ગયા વર્ષે જ પૂરો થયો હતો. આવી સ્થિતિમાં તેઓ રેસલિંગ એસોસિએશનમાંથી ખસી ગયા છે.
આ પણ જૂઓ: મદરેસામાંથી નકલી ચલણી નોટના રેકેટનો પર્દાફાશ! મૌલવી, માસ્ટરમાઇન્ડ સહિત 4ની ધરપકડ