સેન્સેક્સ-નિફ્ટીએ ફરી રચ્યો ઇતિહાસ; રોકાણકારોની સંપત્તિમાં ₹1.70 લાખ કરોડનો ઉછાળો
મુંબઈ: ગુરુવારનું ટ્રેડિંગ સેશન પણ ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક સાબિત થયું છે. બેન્કિંગ, એનર્જી અને ઓટો શેરોમાં ખરીદીના કારણે શેરબજાર ફરી એક નવા ઐતિહાસિક સ્તરે પહોંચ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને તેમના નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયા છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 311 પોઈન્ટના ઉછાળા સાથે 65,754 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 87 પોઈન્ટના ઉછાળા સાથે 19,585 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉ સેન્સેક્સ 65,832 અને નિફ્ટી 19,512 પોઈન્ટની લાઇફટાઇમની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો.
આજના કારોબારમાં ઉર્જા ક્ષેત્રના શેરોમાં ખાસ કરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અન્ય ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેના કારણે નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 540 પોઈન્ટના ઉછાળા સાથે 25,575 પોઈન્ટ પર બંધ થયો છે. આ ક્ષેત્રે બજારને હરણફાળ ભરાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. આ સિવાય બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, મીડિયા, ઈન્ફ્રા સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી.
રોકાણકારોની સંપત્તિમાં મોટો ઉછાળો
આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.70 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 301.70 લાખ કરોડ પર બંધ થયું છે. જ્યારે બુધવારે તે 300.12 લાખ કરોડ રૂપિયા પર બંધ રહ્યો હતો. બુધવારે પ્રથમ વખત BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 300 લાખ કરોડને પાર કરવામાં સફળ રહ્યું હતું.
તેજીવાળા શેરો
આજના કારોબારમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4.97 ટકા, પાવર ગ્રીડ 3.79 ટકા, ટાટા મોટર્સ 2.12 ટકા, રિલાયન્સ 2.07 ટકા અને NTPC પોઇન્ટ 60 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે મારુતિ સુઝુકી 1.40 ટકા, એચસીએલ ટેક 1.23 ટકા, બજાજ ફાઇનાન્સ 1.05 ટકા ઘટીને બંધ થયા છે.
આ પણ વાંચો-LPG સિલિન્ડર પર આ નંબરનો અર્થ લોકોને નથી ખબર, પણ તમારે જાણવું જરુરી