

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની આગામી નાણાકીય નીતિને લઈને નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે મધ્યસ્થ બેન્ક વ્યાજદરમાં નજીવો વધારો કરી શકે છે. નિષ્ણાતોના મતે, રિટેલ ફુગાવામાં નરમાઈના સંકેતો અને વૃદ્ધિને વેગ આપવાની જરૂરિયાત વચ્ચે, રિઝર્વ બેન્ક બુધવારે તેની આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં 25-35 bps વધારો કરવાનું પસંદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) સોમવારથી શરૂ થતી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસની બેઠકના અંતે 7 ડિસેમ્બરે તેની આગામી દ્વિ-માસિક નીતિ સમીક્ષા રજૂ કરશે.
અગાઉ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો
બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતોએ આ અંગે જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કની છ સભ્યોની નાણાકીય નીતિ સમિતિ રેપો રેટમાં 0.25-0.35 ટકાનો વધારો કરી શકે છે. જો કે, ત્યારપછી આરબીઆઈ રેપો રેટ વધારવાથી દૂર રહી શકે છે. મહત્વનું છે કે, અગાઉની બેઠકમાં (30 સપ્ટેમ્બર), રિઝર્વ બેન્કે રિટેલ ફુગાવાને અંકુશમાં લેવા માટે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો.
નાણાકીય વર્ષ 2022-23માં રેપો રેટમાં 1.90 ટકાનો વધારો કર્યો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ અગાઉ મે મહિનામાં રેપો રેટમાં 0.40 ટકા, જૂનમાં 0.50 ટકા અને ઓગસ્ટમાં 0.50 ટકા અને સપ્ટેમ્બરમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. આ રીતે, નાણાકીય વર્ષ 2022-23માં, આરબીઆઈએ મેથી અત્યાર સુધીમાં રેપો રેટમાં 1.90 ટકાનો વધારો કર્યો છે, જે વધીને 5.90 ટકાના વર્તમાન સ્તરે પહોંચી ગયો છે.