સેન્સેક્સે ફરી રચ્યો ઈતિહાસ, પહેલીવાર 81,000ને પાર, નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ
- સેન્સેક્સ 800થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે 81,203ની ઐતિહાસિક સપાટીએ
- નિફ્ટીમાં પણ નીચલા સ્તરેથી 234 પોઇન્ટની શાનદાર રિકવરી
મુંબઈ, 18 જુલાઈ : આજના કારોબારમાં બીએસઈ સેન્સેક્સે ફરી ઈતિહાસ રચ્યો છે. સેન્સેક્સ પ્રથમ વખત 81,000ની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો છે. સવારે બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો જે બાદ બપોરે સેન્સેક્સ આ સર્વકાલીન ઊંચાઈને સ્પર્શી ગયો હતો. નીચા સ્તરેથી રોકાણકારોની ખરીદી પરત ફર્યા બાદ સેન્સેક્સ 810 પોઈન્ટ વધીને 81,203 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ પ્રથમ વખત 24,700ની સપાટી વટાવીને 24,746.80 પોઈન્ટની સર્વકાલીન ટોચે પહોંચ્યો છે. નિફ્ટીમાં નીચલા સ્તરેથી 234 પોઇન્ટની શાનદાર રિકવરી જોવા મળી છે.
આ પણ વાંચો : VIDEO : ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવી રહી હતી 27 વર્ષીય ઇન્ફ્લુએન્સર, 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી જતા મૃત્યુ
બંને સૂચકાંકો નવી ઐતિહાસિક સપાટીએ
સવારે સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો અને 326 પોઈન્ટ સુધી તૂટ્યો હતો. પરંતુ આ સ્તરે બેન્કિંગ, આઈટી અને એફએમસીજી શેરોમાં ખરીદીના વળતરને કારણે સેન્સેક્સ નીચલા સ્તરેથી 813 પોઈન્ટ સુધર્યો હતો અને સેન્સેક્સ 81,203 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે સેન્સેક્સ 81,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. નિફ્ટી પણ પાછલા બંધથી 110 પોઈન્ટ્સ ઘટ્યો હતો પરંતુ નીચા સ્તરેથી નિફ્ટી 243 પોઈન્ટ્સ સુધર્યો હતો, જેના પછી ઈન્ડેક્સ 24,746.80 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.
બજેટ પહેલા બજારમાં શાનદાર તેજી
ભારતીય શેરબજારમાં આ શાનદાર ઉછાળાને બજેટ સાથે જોડવામાં આવી રહ્યો છે. બજેટમાં એવી અપેક્ષા છે કે સરકાર મૂડી ખર્ચ માટે વધુ નાણાંની જોગવાઈ કરી શકે છે અને રેલવે, સંરક્ષણ અને પાવર સેક્ટર માટે મોટી જાહેરાતો શક્ય છે. તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વપરાશ વધારવા માટે સરકાર ખેડૂતોની આવક વધારવા બજેટમાં ભેટ આપી શકે છે, એટલે જ બજેટ રજૂ થયા પહેલા ટ્રેડિંગ સેશનમાં આ વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : ના પેટ્રોલ-ડીઝલ ના સીએનજી, શું જાપાને પાણીથી કાર ચલાવવામાં સફળતા મેળવી લીધી?