સેન્સેક્સ પ્રથમ વખત 75,000ને પાર બંધ થયો, BSEનું માર્કેટ કેપ રૂ. 402 લાખ કરોડની વિક્રમી સપાટીએ
મુંબઈ, 10 એપ્રિલ : ઈદના તહેવાર નિમિત્તે ગુરુવારે શેરબજારમાં રજા છે. પરંતુ તેના એક દિવસ પહેલા જ ભારતીય શેરબજાર રોકાણકારોને ભવ્ય ઈદી આપીને બંધ થઈ ગયું છે. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. સેન્સેક્સ પહેલીવાર 75000ની ઉપર બંધ થયો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 354 પોઈન્ટના ઉછાળા સાથે 75,038 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 111 પોઈન્ટના ઉછાળા સાથે 22,753 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ પણ તેના સર્વોચ્ચ ઐતિહાસિક સ્તરે બંધ થયો છે.
માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર
ભારતીય શેરબજારનું માર્કેટ કેપ ઐતિહાસિક ઉચ્ચ સ્તરે બંધ થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 402.16 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 399.92 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં બજાર મૂલ્યમાં રૂ. 2.24 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો છે. બીએસઈના ડેટા અનુસાર, 3933 શેરનું ટ્રેડિંગ થયું હતું જેમાં 1960 શેર્સ લાભ સાથે અને 1867 શેર નુકસાન સાથે બંધ થયા હતા. 107 શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
આજના ટ્રેડિંગમાં નિફ્ટી બેન્કિંગ ઇન્ડેક્સ પ્રથમ વખત 49,000ને પાર કરી ગયો. બજાર બંધ સમયે ઈન્ડેક્સ 256 પોઈન્ટના ઉછાળા સાથે 48,986 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ સિવાય આઈટી, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ શેરો જોરદાર વધારા સાથે બંધ થયા છે. જયારે ઓટો અને ફાર્મા યુરોના ઘટાડા સાથે બંધ થયા છે.
વધતા અને ઘટતા શેર
આજના ટ્રેડિંગમાં ITC 2.49 ટકા, કોટક મહિન્દ્રા 2.40 ટકા, ભારતી એરટેલ 2.11 ટકા, SBI 1.94 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.36 ટકા, ટેક મહિન્દ્રા 1.35 ટકા અને રિલાયન્સ 1.08 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે મારુતિ સુઝુકી 1.60 ટકા, HDFC બેન્ક 0.83 ટકા, લાર્સન 0.73 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
આ પણ વાંચો : દારૂ કૌભાંડમાં ઘેરાયેલી AAPને વધુ એક ફટકો, મંત્રી રાજકુમાર આનંદે આપ્યું રાજીનામું